લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા,શાન્તુ રૂપારેલ, આઈ. કે. પટેલ, પ્રાણલાલ શેઠ, કાન્તિ નાગડા, ઝેરબાનુ ગિલ્ફર્ડ, ગુલામ નૂન, કે.બી. પટેલ, બી.કે. જોશી, જશવંત જોશી, શ્રીલા ફ્લેધર, ઉષા પ્રશાર અને અન્યો સહિત ભારતીય ડાયસ્પોરાના વિચારશીલ સભ્યોના એક જૂથ નિયમિત મળવાની શરૂઆત કરી હતી. લગભગ દર પખવાડિયે આ બેઠકો મારા ઈલિંગસ્થિત નિવાસ અથવા હોક્સટનમાં કર્મયોગ હાઉસ અથવા તો આઈ. કે. પટેલની ક્વીન્સ ગેટ ખાતેની હોટલમાં યોજાતી હતી અને યુકેમાં ભારતીય કોમ્યુનિટીને અસર કરતા મુદ્દાઓ-સમસ્યાઓ અને વર્તમાન બાબતો પર ચર્ચાઓ કરવાનું મહત્ત્વપૂર્ણ ફોરમ બની રહી હતી.
આ અનૌપચારિક છતાં સબળ અને ક્રિયાશીલ વર્તુળ તરફથી ઘણા નોંધપાત્ર ઈનિશિયેટિવ્ઝનું ઘડતર કરાયું હતું. પ્રારંભિક પ્રયાસોમાં પ્રાઈમ મિનિસ્ટર માર્ગારેટ થેચરનાં ઈમિગ્રેશન એન્ડ નેશનાલિસ્ટ બિલ એન્ડ એક્ટના વિરોધમાં કેમ્પેઈન્સ તેમજ માતૃભાષામાં શિક્ષણ, બહુસાંસ્કૃતિકવાદ અને તત્કાલીન મહત્ત્વની બાબતો પર ચર્ચાઓનો સમાવેશ થયો હતો. આવી ચર્ચાવિચારણાઓ અને સેવાની પ્રબળ સામૂહિક ભાવના થકી જ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (યુકે), સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી, ઈન્ડિયા સેન્ટર, યુનિવર્સિટી ઓફ હલ સહિત અનેક સંસ્થા-સંગઠનોની કલ્પનાએ આકાર લીધો હતો.
1982માં અમારી નિયમિત બેઠકોમાંની એક બેઠક રતિભાઈ ચંદેરિઆના નિવાસસ્થાને મળી હતી જ્યાં હિન્દુજા બંધુઓ - શ્રીચંદ અને જી.પી. હિન્દુજા સોપ્રથમ વખત અમારી સાથે જોડાયા હતા. જો હું એમ કહું તો, તેમની હાજરી ખરેખર નોંધપાત્ર રહી, તેઓ બંને ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસથી છલકાતા હતા. તેમણે તેમના પરિવારની યાત્રા, તેમના ભારતમાં મૂળિયાંથી માંડી ઈરાનમાં વીતાવેલા સમય અને છેલ્લે યુનાઈટેડ કિંગ્ડમમાં સ્થાયી થવા સુધીની રસપ્રદ વાતો અમારી સાથે કરી હતી. તેઓ તેમના પિતા પરમાનંદ દીપચંદ હિન્દુજા તેમજ તેમના પરિવારના વિઝન અને એન્ટરપ્રાઈઝનું ઘડતર કરનારા મૂલ્યો વિશે પ્રેમપૂર્વક જણાવતા હતા. આ બધી વાતચીત વચ્ચે અને ઘણી વિનમ્રતા અને સ્પષ્ટતા સાથે તેમણે સમજાવ્યું કે હિન્દુજા ગ્રૂપે તે સમયે અસાધારણ આંકડો ગણાય તેવી આશરે 250 મિલિયન પાઉન્ડની સંપત્તિઓ સાથે નોંધપાત્ર પોર્ટફોલીઓનું નિર્માણ કર્યું છે.
મને બરાબર યાદ છે કે શ્રીચંદભાઈ અને ગોપીચંદભાઈ કહેતા કે,‘ અમે મૂળભૂતપણે વેપારી છીએ. અમે ભારત અને ઈરાન (પર્શિયા) વચ્ચે વેપારથી શરૂઆત કરી અને અમે કદી તક માટે રાહ જોતા નથી, અમે તેને શોધતા જ રહીએ છીએ.’ ઉદ્ય-સાહસની આ ભાવનાએ જ ત્યારથી તેમની યાત્રાને આગળ ધપાવી હતી.
આ સમયગાળામાં પ્રાઈમ મિનિસ્ટર માર્ગારેટ થેચર મજબૂતપણે ખાનગીકરણની હિમાયત કરી રહ્યાં હતાં અને વાર્ષિક લગભગ 1000 મિલિયન પાઉન્ડની ખોટ કરતી કંપની બ્રિટિશ લેલેન્ડનો તામિલનાડુમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હતો. હિન્દુજા ગ્રૂપે ભારે ડિસ્કાઉન્ટની કિંમતે તે પ્લાન્ટ ખરીદી લીધો અને ચાર હિન્દુજાબંધુઓમાં ભારતમાં રહેતા એક ભાઈ અશોકના નામ પરથી તે પ્લાન્ટનું નામકરણ અશોક લેલેન્ડ કર્યું હતું. અન્ય એક ભાઈ પ્રકાશ હિન્દુજા સ્વિટ્ઝર્લેન્ડમાં વસે છે, જ્યારે તેમના સૌથી મોટાભાઈ ગિરધર હિન્દુજાનું 1962માં દુઃખદ અવસાન થયું હતું.
મને આ બધા જ ચાર ભાઈઓને અંગતપણે જાણવાનું સદ્ભાગ્ય મળ્યું છે અને વર્ષો દરમિયાન હિન્દુજાબંધુઓ કેવી રીતે વિવિધ સેક્ટર્સમાં ગણનાપાત્ર કંપનીઓ હસ્તગત કરવામાં અને તેમનું વિસ્તરણ કરવામાં સ્થિરપણે આગળ વધતા રહ્યા તેનો પણ હું સાક્ષી રહ્યો છું.
મને રાહુલ જેકબ નામના પત્રકારની યાદ આવે છે જેઓ તે સમયે યુનાઈટેડ સ્ટેટ્સમાં ફોર્ચ્યુન મેગેઝિન માટે કામ કરતા હતા. તેમણે હિન્દુજા બંધુઓ અને લોર્ડ સ્વરાજ પોલના ઈન્ટરવ્યૂ લેવા લંડનનો પ્રવાસ ખેડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાહુલે મને ફોન કરી તેમના સંપર્કની માહિતી આપવા વિનંતી કરી અને મેં આનંદસહ આ માહિતી પૂરી પાડી હતી. તેઓ સવારમાં લંડન આવી પહોંચ્યા, બંને હિન્દુજા ભાઈ અને લોર્ડ પોલને મળ્યા અને ઈન્ટરવ્યૂ લીધા. તેઓ જ્યારે અમેરિકા પરત ફરી રહ્યા હતા ત્યારે હીથ્રો એરપોર્ટ પરથી મને ફોન કરી મદદ કરવા બદલ મારો આભાર પણ માન્યો હતો. રાહુલે વિનોદસહ એવો ઉલ્લેખ કર્યો કે તેમની મીટિંગ્સમાં હિન્દુજા ભાઈઓએ પોતાના વિશે વિસ્તારથી વાતો કરી અને તે જ્યારે લોર્ડ સ્વરાજ પોલને મળ્યા ત્યારે તેમણે પણ મોટા ભાગે હિન્દુજાઓ વિશે જ વાતો કરી!
તે સમયે તેમના બંને વચ્ચે તંદુરસ્ત પ્રતિસ્પર્ધાની ભાવના હતી. સ્વરાજ પોલે પણ 1965માં લંડનથી તદ્દન નાના પાયે શરૂ કરી તેમનો બિઝનેસ જમાવ્યો હતો. હું પણ તેમને નિકટથી જાણવામાં નસીબવંતો હતો. દુઃખ એ છે કે લોર્ડ સ્વરાજ પોલનું નિધન થોડા મહિનાઓ અગાઉ જ થયું છે.
મને એક ગુજરાતી કહેવત, ‘પૈસો પૈસાને ખેંચી લાવે’ અથવા ‘મની એટ્રેક્ટ્સ મોર મની’ પણ યાદ આવે છે. મારે કહેવું જોઈએ કે હિન્દુજાબંધુઓ આવા કેટલાક ગુણોનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેમનો ઉત્સાહ-જોશ, વિઝન અને સાહસ-ઉદ્યમ નોંધપાત્ર હતા, છતાં તેમની સંપત્તિથી પણ વિશેષ સેવા પ્રતિ તેમની સમર્પિતતા અને આપણા સનાતન ધર્મ પ્રત્યે ચિરસ્થાયી પ્રતિબદ્ધતા સૌથી આગળ તરી આવતાં તત્વો છે.
અમે જ્યારે વોટફર્ડના હરે કૃષ્ણ મંદિરની રક્ષાનું અભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે હિન્દુજા પરિવારે ખૂબ સપોર્ટ આપ્યો હતો. આ કેમ્પેઈનમાં રમેશ કાલિદાઈ સહિત સમર્પિત ટીમ સામેલ હતી અને પીટર મેન્ડેલસન તત્કાલીન લેબર સરકારમાં મિનિસ્ટર હોવાં છતા, હિન્દુજાબંધુઓના નિયમિત મહેમાન હતા. મેં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી તેવા આ કટોકટીપૂર્ણ સમયગાળામાં, હિન્દુજાબંધુઓ ઘણી વખત, માત્ર કન્ઝર્વેટિવ સરકારમાં જ નહિ, સમગ્રતયા રાજકીય પક્ષોમાં યોગ્ય લોકોને મળવામાં મદદ કરી હતી. તેમનો પ્રભાવ અને સહાયરૂપ બનવાની ઈચ્છા અમૂલ્ય પુરવાર થઈ હતી.
1994ની 16 માર્ચ સુધી ભક્તિવેદાંત મેનોર મુદ્દે કામગીરીના અમલનો સરકારનો બે વર્ષનો સ્થગન આદેશ સમાપ્ત થઈ ગયો એટલે કે પૂજા-પ્રાર્થના કરનારાઓ માટે મંદિર બંધ કરી દેવાનું હતું. આ નિર્ણયથી હિન્દુ સમુદાયને ભારે દુઃખ પહોંચ્યું હતું, એવી વાત હતી જેને તેઓ સ્વીકારી શકે તેમ હતું જ નહિ. લંડનમાંથી મોટી સંખ્યામાં વિરોધકૂચનું આયોજન કરાયું, જેમાં હજારો ભક્તો અને સમર્થકો સામેલ થયા હતા. અગાઉ, યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ દ્વારા પણ અપીલ ફગાવી દેવાઈ હોવાથી કાનૂની વિકલ્પો પણ બંધ થઈ ગયા હતા.
આમ છતાં, અવિરત કેમ્પેઈન્સ અને એકતા થકી અમે વ્યવહારુ અને ટકાઉ ઉપાય વિચાર્યો. હોસ્પિટલ ટ્રસ્ટની થોડી મદદ અને હિન્દુજા પરિવાર દ્વારા ઉદાર નાણાકીય યોગદાન સાથે લેચમોર હીથની આસપાસના વિસ્તારોમાં જમીન સંપાદિત કરાવા સાથે નોંધપાત્ર પ્રગતિ સધાઈ હતી. તેમના ઉદાર સપોર્ટને બિરદાવવા કરવા મંદિર સુધી પહોંચતા માર્ગને યોગ્યપણે ‘ધરમ માર્ગ’ નામ આપવામાં આવ્યું, જે યોગાનુયોગ એસ પી હિન્દુજાના દિવંગત પુત્ર ધરમના નામ સાથે મળતું આવતું હતું. સ્મરણાર્થે. હિન્દુજા માનતા હતા અને ઘણી વખત કહેતા પણ ખરા કે જ્યાં ભગવાન કૃષ્ણ હોય ત્યાં સફળતા અવશ્ય મળે છે. તેમની આસ્થા અને પરોપકારીતા કાર્યશીલ સમર્પણનું ઉજજ્વળ ઉદાહરણ છે.
વર્ષો દરમિયાન, ઓછામાં ઓછાં ત્રણ પ્રસંગ એવા હતા જ્યારે હું હિન્દુજા પરિવારના વિધેયાત્મક અને ગૌરવપૂર્ણ-શાલીન અભિગમથી ખરેખર પ્રભાવિત થયો હતો. વર્ષ 2000ને પ્રસંગ સ્પષ્ટપણે ઉપસી આવે છે, જ્યારે હિન્દુજા દ્વારા એલેકઝાન્ડ્રા પેલેસમાં ભવ્ય દિવાળી ઊજવણીનું આયોજન કરાયું હતું. કમનસીબે, અનપેક્ષિત કારણોસર ઈવેન્ટ બાબતે કેટલીક મુશ્કેલીઓ સર્જાઈ હતી. અમે આના સંદર્ભે એશિયન વોઈસમાં ‘હેપી દિવાળી ફોર હિન્દુજાઝ’ મથાળા સાથે ટીકાત્મક લેખ લખ્યો હતો. આ પછી, થોડા જ સમયમાં શ્રીચંદભાઈ હિન્દુજાએ મને વ્યક્તિગત ફોન કરીને જણાવ્યું કે, ‘સીબી, તમે અમારા વિશે ટીકાત્મક આર્ટિકલ લખ્યો છે, પરંતુ એક પત્રકાર તરીકે તમે તમારું કાર્ય કર્યું છે, અમે તેની ફરિયાદ કરી શકીએ નહિ. હવામાન અને અન્ય પરિબળોના કારણે સમસ્યાઓ અમારા કાબુ બહારની હતી.’ તેમની આ ચેષ્ટાએ મારા પર ઊંડી છાપ ઉપસાવી હતી. મારા દ્વારા ટીકા કરાયા છતાં, તેમણે અમારા સંબંધો પર તેની કદી અસર પડવા દીધી નહિ, તેમાં કોઈ રોષ- અણગમો કે દુશ્મનાવટ ન હતી. તેમની પરિપક્વતા અને સમજણ તેમના ચારિત્ર્ય વિશે ઘણું કહી જાય છે.
આવો જ અન્ય પ્રસંગ પાછળથી આંતરિક વિવાદો સંબંધે પરિવારની કોર્ટ કાર્યવાહી દરમિયાન ઉભો થયો હતો. મેં મારી ફરજ અનુસાર આ સંદર્ભે હેતુલક્ષી રિપોર્ટિંગ કર્યું હતું, જે તેમના માટે અસુવિધાજનક હોવાનું સમજી શકાય તેમ હતું. આમ છતાં, તેમણે આને શાલીનતા સાથે સ્વીકારી લીધું હતું કે હું માત્ર મારી પ્રોફેશનલ જવાબદારીને જ પૂર્ણ કરી રહ્યો હતો. આવી સહિષ્ણુતા અને સૌજન્ય, ખાસ કરીને મહત્તા ધરાવતા લોકોમાં, દુર્લભ ગુણો કહી શકાય.
વર્ષો દરમિયાન, મને એસ.પી હિન્દુજા, તેમના સ્વર્ગસ્થ પત્ની મધુબહેન અને તેમની દીકરીઓ શાનુ અને વિનુ તેમજ જી.પી. હિન્દુજા, તેમના પત્ની સુનિતાબહેન, તેમના પુત્રો સંજય અને ધીરજ અને પુત્રી રીટાને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમની અબજોમાં ગણાય તેવી અતિશય સંપત્તિ હોવાં છતાં, તેઓ હંમેશાંથી વિનમ્ર, શાલીન અને કોમ્યુનિટીના કલ્યાણ બાબતે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવતા રહ્યા છે. તેમની ઉદારતાને વ્યાપકપણે બિરદાવાય છે, ખાસ કરીને આશરે 25 વર્ષ અગાઉ નિર્માણ કરાયેલા મિલેનિયમ ડોમના આધ્યાત્મિક પ્રોજેક્ટ માટે 1 મિલિયન પાઉન્ડનું યોગદાન, તે સમયમાં પરોપકારિતાનું અસામાન્ય કાર્ય ગણી શકાય. આપણે દુઃખદપણે 2023માં શ્રીચંદભાઈ હિન્દુજાને ગુમાવ્યા અને હાલમાં જ જી પી હિન્દુજાએ ચિરવિદાય લીધી છે.
સંપત્તિવાન વ્યક્તિઓ તો ઘણા છે, પરંતુ હિન્દુજાઓ અલગ તરી આવે છે. તેમણે માત્ર સંપત્તિ એકઠી નથી કરી, પરંતુ કોમ્યુનિટીના ઉત્થાન અને સનાતન ધર્મની જાળવણી માટે તેનો પ્રવાહ વહાવ્યો પણ છે. તાજેતરમાં જી પી હિન્દુજાના નિધનથી મને અંગત રીતે લાગ્યું છે કે મેં માત્ર આદરપાત્ર વ્યક્તિત્વને જ નહિ, પરંતુ પ્રિય મિત્રને ગુમાવ્યા છે, જેમની સાથે હું બેસીને મનન-ચિંતન અને ખુલ્લાદિલે વિચારોની આપલે કરી શકતો હતો.
લોકો ઘણી વખત ધનવાનોની ટીકા કરતા રહે છે,પરંતુ આપણે તેમને યોગ્ય પરિપ્રેક્ષ્ય અને ન્યાયપૂર્ણ રીતે મૂલવવા જોઈએ. આ બાબતે હું જી પી હિન્દુજાની વિદાયથી ભારે આઘાત અને શોક અનુભવી રહ્યો છું. જ્યારે શ્રીચંદભાઈ નાદુરસ્ત હતા અને પાછળથી જી.પી સાથે મારી મુલાકાતો વેળાએ અમે ઘણી વાર સાથે મળીને મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરતા હતા, આ આધ્યાત્મિક બંધન હંમેશાં મારા સ્મરણમાં રહેશે. જી પી હિન્દુજાની ચિરવિદાય સાથે એમ લાગે છે જાણે હિન્દુજા પરિવાર અને આપણી કોમ્યુનિટી વચ્ચે મહત્ત્વનો સંપર્ક કપાયો ન હોય તો પણ ખોટવાઈ ગયો છે. આમ છતાં, મારે કહેવું જ રહ્યું કે પ્રકાશ, અશોક અને યુવાન પેઢી સાથે જ્યારે પણ મુલાકાત થઈ છે ત્યારે તેમણે વિનમ્રતા અને આદર દર્શાવ્યા છે.
હું અંતિમ સંસ્કારવિધિ અને પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેવાની ઘણી ઈચ્છા ધરાવતો હતો, પરંતુ મારે સ્વીકારવું જ રહ્યું કે ઊર્જા અને સહનશક્તિની વય સંબંધિત મર્યાદાઓ તેમજ સાંભળવાની ગંભીર મુશ્કેલીઓના કારણે હું હાજર રહી શક્યો નહિ. આ સમય દરમિયાન, હું મારા અભ્યાસખંડમાં, બારણાં બંધ રાખીને શાંતિપૂર્વક મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતો રહ્યો હતો. અન્ય અસંખ્ય લોકો સહિત મારા માટે હિન્દુજાબંધુઓ અને વિશેષતઃ શ્રીચંદ અને જીપી હિન્દુજા જેવું કોઈ હશે નહિ. તેમની ચિરવિદાયથી મારા પોતાના ભાઈઓ ગુમાવ્યા હોવાની લાગણી થાય છે.
તેઓ માત્ર સંપત્તિસર્જનમાં જ નહિ, પરંતુ ઉમદા ઉદ્દેશોમાં તેના ઉપયોગ અને આપણા સનાતન ધર્મના મૂલ્યોના જતનની બાબતો માટે પણ અસામાન્ય હતા.
લોકો માટે ટીકાઓ કરવાનું સહેલું હોય છે, પણ આપણે યાદ રાખવું જોઈએ કે લગભગ છ દાયકા કરતાં પણ વધુ સમયગાળામાં તેમણે કેવી સિદ્ધિઓ હાંસલ કરી છે અને પોતાની પાછળ કેવી વીરાસત છોડી ગયા છે. આ બાબત કોઈના પણ માટે ગૌરવપ્રદ બની રહેશે.
હું દિવંગત જોગીન્દર સંઘેર અને હિન્દુજાબંધુઓ વચ્ચેની ગાઢ મિત્રતા તેમજ યુકે, ભારત અને વિશ્વભરમાં અન્ય ઘણા પ્રતિષ્ઠિત પરોપકારીઓ અને બિઝનેસ ટાયકૂન્સ સાથેના સંબંધોને પણ પ્રેમસહ યાદ કરવા ઈચ્છું છું.
સત્ય એ છે કે જી.પી. હિન્દુજાની વિદાય સાથે આપણી કોમ્યુનિટી અને વાસ્તવમાં ભારતે પણ વૈશ્વિક ભારતીય ડાયસ્પોરાના અણમોલ અને ખોટ પૂરી ન શકાય તેવા સભ્યને ગુમાવ્યા છે.

