વોશિંગ્ટનઃ અમેરિકાએ ફેમિલી અને ખાસ કરીને લગ્ન આધારિત ગ્રીનકાર્ડના નિયમો વધુ આકરા બનાવ્યા છે. નવા નિયમો મુજબ લગ્નોના વધુ વ્યાપક પુરાવા ફરજિયાત બનાવાયા છે, જેમાં ફોટોગ્રાફ્સ, નાણાકીય દસ્તાવેજો અને પરિચિતોના સોગંદનામાનો સમાવેશ થાય છે. સંબંધની પ્રામાણિકતા ચકાસવા માટે દંપતીનો આકરા ઇન્ટરવ્યુ પણ લેવાશે. આ નિર્ણયથી ભારતીયોને મુશ્કેલી પડી શકે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા અરજીઓમાં ખાસ કરીને મેરેજ ફ્રોડને ટાર્ગેટ કરીને તેની પોલિસી મેન્યુએનલમાં નવા નિયમોનો ઉમેરો કર્યો છે. પોલિસી મેન્યુઅલમાં ‘પરિવાર-આધારિત ઇમિગ્રન્ટ્સ’ નામનું મહત્ત્વનું અપડેટ પહેલી ઓગસ્ટે જારી કરાયું હતું. પરિણામે સંબંધો સાચા હશે અને ખાસ કરીને વાસ્તવિક લગ્ન કરાયા હશે તો જ કાયમી ધોરણે રહેવાનો હક અથવા ગ્રીન કાર્ડ મળશે. જો બનાવટી લગ્નો હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. આ પગલાનો હેતુ ફ્રોડ અરજીઓને રોકવાનો અને ઇમિગ્રેશન પ્રક્રિયાની વિશ્વસનીયતાને મજબૂત બનાવવાનો છે. USCISએ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન હેતુઓ માટે દર્શાવાયેલા પારિવારિક સંબંધો સાચા છે કે ખોટો તેનું સંપૂર્ણ વેરિફિકેશન કરાશે.

