15 ઓગસ્ટ 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. 78 વર્ષની આ સફરમાં ભારતે ઘણા પડકારો પર વિજય પ્રાપ્ત કરીને સફળતાઓ હાંસલ કરી છે. 1947માં આઝાદી સમયે ગરીબડો ગણાતો ભારત દેશ આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ગ્લોબલ પાવરનું બિરુદ મેળવી ચૂક્યો છે. આજે ભારતની ગણના વિશ્વના સૌથી ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્ર તરીકે થઇ રહી છે.
ભારતે સ્વતંત્રતા હાંસલ કરી ત્યારે વિશ્વના ઘણા દેશોને તેની લોકશાહી કેટલો સમય ટકી રહેશે તે અંગે શંકા હતી પરંતુ આજે ભારત વિશ્વની સૌથી મોટી ધબકતી લોકશાહી છે. પડકારજનક
સમયોમાં પણ ભારત જે રીતે લોકતાંત્રિક મૂલ્યોને વળગી રહ્યો તેના કારણે સમગ્ર વિશ્વમાં સન્માનપાત્ર બન્યો છે.
આઝાદી સમયે ભારતના અન્ન ભંડારો ખાલી હતાં. તેને અનાજ માટે વિશ્વ સમક્ષ હાથ લાંબો કરવો પડતો હતો પરંતુ હરિત ક્રાંતિ દ્વારા ભારતે ખાદ્યાન્ન મામલે ન કેવળ આત્મનિર્ભરતા હાંસલ કરી પરંતુ આજે વિશ્વમાં અનાજ સહિતના કૃષિ ઉત્પાદનોની મોટાપાયે નિકાસ કરી રહ્યો છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે ભારતે પ્રાપ્ત કરેલી સિદ્ધીઓ નાની સૂની નથી. આઝાદીના આઠ દાયકામાં જ ભારત એક પરમાણુ શક્તિ બની ગયો છે. ઇસરો જેવી સંસ્થાના અંતરિક્ષ સાહસોએ ભારતને વિકસિત દેશોની શ્રેણીમાં લાવી મૂકી દીધો છે તો સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત ઘણી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી ચૂક્યો છે.
આઝાદીના દાયકાઓ સુધી ભારત સમાજવાદી આર્થિક નીતિઓને અનુસરતો હતો પરંતુ 1991માં મુક્ત બજારની નીતિ અપનાવ્યા બાદ ભારત આર્થિક મોરચે કૂદકે અને ભૂસકે વિકાસ સાધવા લાગ્યો અને આજે 4.187 ટ્રિલિયન ડોલર સાથે વિશ્વની ચોથા ક્રમની આર્થિક શક્તિ બની ચૂક્યો છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ સહિતના સેકટરોમાં ભારતે મહાસત્તાઓને સમકક્ષ કાઠુ કાઢ્યું છે. આજે ભારત ગ્લોબલ આઉટસોર્સિંગ હબ ગણાય છે.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ભારતે ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે. આજે નિરક્ષરતા લગભગ નાબૂદ થવાના આરે છે. દેશમાં હજારો યુનિવર્સિટીઓ મોટી સંખ્યામાં ડોક્ટરો, ઇજનેરો અને અન્ય સ્કીલ્ડ વર્કર્સ તૈયાર કરી રહી છે. જેનો લાભ ફક્ત ભારતને જ નહીં પરંતુ વિશ્વની મહાસત્તાઓને પણ થઇ રહ્યો છે. આજે વિશ્વના દરેક દેશમાં ભારતના સ્કીલ્ડ વર્કર્સ છવાયેલા છે. મોટી સંખ્યામાં ભારતીય ડાયસ્પોરા ન કેવળ ભારતને અબજો ડોલરનું રેમિટન્સ આપી રહ્યાં છે પરંતુ જે તે દેશના અર્થતંત્રોમાં પણ મહત્વનું યોગદાન આપે છે. આજે વિશ્વની અગ્રણી મલ્ટીનેશનલ કંપનીઓના સીઇઓ
પદે ભારતીયો બિરાજમાન છે. ભારતીય કંપનીઓ પણ દેશ-વિદેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી
રહી છે. આજે ભારત આઇટી સર્વિસ, એઆઇ રિસર્ચ, ફિનટેક અને બાયોટેકનોલોજીમાં ગ્લોબલ હબ બની રહ્યો છે.
એટલું જ નહીં વૈશ્વિક ભૂરાજકીય વ્યવસ્થામાં ભારત આજે વ્યૂહાત્મક પ્રભાવ સર્જવાની ક્ષમતા કેળવી ચૂક્યો છે. જી-7, જી-20, બ્રિક્સ, ક્વાડ સહિતના વૈશ્વિક સંગઠનોમાં ભારતનો અવાજ વજન ધરાવે છે. ભારતની વિદેશ નીતિમાં આજે આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિબિંબ જોવા મળે છે. વિશ્વની મહાસત્તાઓ આજે ભારતને ગ્લોબલ લીડર તરીકે સન્માન આપે છે. આઝાદીના 78 વર્ષમાં ભારતે ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે અને ભવિષ્યમાં પણ હાંસલ કરતો રહેશે.