ટ્રમ્પની દાદાગીરી સામે ભારતે ઝૂકવાની કોઇ જરૂર નથી

Wednesday 13th August 2025 09:19 EDT
 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર હાંસલ કરવાના ઘણા અભરખા છે. ભારત અને પાકિસ્તાન, થાઇલેન્ડ અને કમ્બોડિયા, ઇરાન અને ઇઝરાયેલ અને તાજેતરમાં અઝરબૈઝાન અને આર્મેનિયા વચ્ચે સંઘર્ષો અટકાવવાના દાવા કરીને ટ્રમ્પ જે તે દેશના નેતાઓ દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારની ભલામણો કરાવી રહ્યાં છે. પરંતુ તેમના આ અભરખા આડે રશિયાના પુતિન મોટો અવરોધ સર્જી રહ્યાં છે. ટ્રમ્પ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન દાવા કરી રહ્યા હતા કે હું ચૂંટાઇશ તો 24 કલાકમાં જ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવી દઇશ પરંતુ પ્રમુખપદે ચૂંટાયાના 8 મહિના પછી પણ તેમને યુદ્ધ અટકાવવામાં સફળતા મળી નથી.
પોતાની આ નિષ્ફળતા પચાવી ન શકતા અમેરિકી પ્રમુખે રશિયાના પુતિનને ઝૂકાવવા હવે નવી રણનીતિ અપનાવી છે અને તેનો સીધો ભોગ ભારત બની રહ્યો છે. ટ્રમ્પ હવે એમ માની રહ્યાં છે કે જો રશિયન ક્રુડનો વેપાર અટકાવી દેવાય તો પુતિનને ઘૂંટણિયે લાવી શકાશે. આ તરંગી વિચારના કારણે જ ટ્રમ્પે વર્તમાન સમયમાં રશિયન ક્રુડના સૌથી મોટા ખરીદદાર એવા ભારતને નિશાન બનાવતાં 50 ટકા ટેરિફ લાદી દીધો છે. ટ્રમ્પ એવા દીવાસ્વપ્નમાં રાચી રહ્યા છે કે જો ભારતને કચડીશું તો પુતિનને ઝૂકાવી શકાશે. પરંતુ ટ્રમ્પની આ દાદાગીરી સામે ભારતે ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે. જેના કારણે અમેરિકી પ્રમુખ વધુ ગિન્નાયા છે. અલાસ્કામાં યોજાઇ રહેલી પુતિન સાથેની મુલાકાતમાં જો તેમને યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં સફળતા નહીં મળે તો તેઓ ભારત વિરુદ્ધ વધુ આકરાં પગલાં લેશે એ વાતમાં કોઇ શંકા નથી.
આવી સ્થિતિમાં ભારતે શું કરવું જોઇએ તે સવાલ ઘણો મહત્વનો છે. ભારત આઝાદ થયો ત્યારથી તેની વિદેશનીતિ બિનજોડાણવાદી રહી છે. અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધના દાયકાઓમાં પણ ભારતે ક્યારેય કોઇ ખેમામાં જોડાવાનું પસંદ કર્યું નહોતું અને પોતાની જરૂરીયાતો તથા હિતોને પ્રાથમિકતા આપીને જ વૈશ્વિક ભૂરાજકીય સ્થિતિમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું. પશ્ચિમના દેશોના અણગમા છતાં નહેરૂકાળથી ભારત રશિયા સાથે મજબૂત મૈત્રી સંબંધો જાળવતો આવ્યો છે. સાથે સાથે ભારતે પશ્ચિમના દેશો સાથેના સંબંધોમાં પણ સંતુલન જાળવ્યું છે. રશિયા સાથે સારા અને મજબૂત દ્વિપક્ષીય સંબંધો છતાં ભારતે અમેરિકા સાથે પણ ગાઢ સંબંધો વિકસાવ્યા છે.
હવે ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત રશિયા સાથે છેડો ફાડી તેમની પંગતમાં બેસી હા માં હા ભરે પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અમેરિકાના જીહજૂરિયા બનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ભારત 140 કરોડની વસતી ધરાવતો વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. વિશ્વની ભૂરાજકીય વ્યવસ્થામાં તેનું આગવું સ્થાન છે. તેથી ટ્રમ્પની ધમકીઓને વશ થવાની કોઇ જરૂર નથી. ભારતે પોતાના હિતોને ટોચની પ્રાથમિકતાના આધારે જ કૂટનીતિ આગળ ધપાવવી જોઇએ. વસતી, અર્થતંત્ર, લશ્કરી તાકાત અને બજારની દ્રષ્ટિએ વિશ્વની મહાસત્તાઓ અને અન્ય દેશો માટે ભારત અત્યંત મહત્વનો દેશ છે. તેણે બિનજોડાણવાદી નીતિ જાળવી રાખી પોતાના લાભનો જ વિચાર કરવો જોઇએ. વૈશ્વિક પરિસ્થિતિઓ ગમે ત્યારે બદલાઇ શકે છે. આ પહેલાના અમેરિકી શાસકો પણ ભારતને ઝૂકાવવા ઘણા પ્રયાસો કરી ચૂક્યાં છે. 1947માં ભારત અત્યંત ગરીબ દેશ હોવા છતાં ઝૂક્યો નહોતો તો આજે તો તે વિશ્વની ચોથા ક્રમની આર્થિક શક્તિ બની ચૂક્યો છે. તેથી ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂકવાની ભારતને કોઇ જરૂર નથી.


comments powered by Disqus