નવનાત વણીક એસોસિએશને રવિવાર તા ૧૦ ઓગષ્ટ’૨૫ના રોજ નવનાતના વિશાળ ગ્રાઉન્ડ પર જન્માષ્ટમી મેળાનું આયોજન કર્યુ હતું. સવારથી મોડી સાંજ સુધી સેંકડો નાના-મોટા ભાઇ-બહેનોએ એની મોજ માણી હતી. ૫૦ થી વધુ વિવિધ સ્ટોલ્સમાં ગુજરાત સમાચાર, એશિયન વોઇસના સ્ટોલ પર સાપ્તાહિકોનો ચપોચપ ઉપાડ રહ્યો હતો.
મેળામાં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયો હતો. જેમાં મહાભારતના દ્રૌપદી ચીર હરણનો એપીસોડ રજુ કરતું નાટક સૌનું આકર્ષણ બન્યું હતું. જાણીતા કોરીયોગ્રાફર કલ્પનાબહેન ભટ્ટે એનું દિગ્દર્શન કર્યું હતું. ભાગ લેનાર કલાકારો સમાજના જ સભ્યો હતા જેમને હાર્દિક અભિનંદન.
સમાપન અગાઉ સૌના લાડકવાયા માખણચોર કાનુડાના જન્મની વધાઇ અને પારણું ઝૂલાવવાનો લાભ સૌ ભાવિકોએ લીધો. દરમિયાનમાં સુમધુર ભજનોની અને રાસ ગરબાની રમઝટમાં ઉત્સાહી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. મેળાના કો-ઓર્ડીનેટર શ્રી રમેશભાઇ શાહ અને ભગિનીના સભ્યો ભારતીબહેન, રેફલ ડ્રો માટે રેણુબહેન મહેતા તેમજ મુખ્ય કમિટી સહિત સ્વયંસેવકોએ ઉઠવેલ ભારે જહેમત અને સાદર કરેલ સેવા એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. સંસ્થાની પ્રગતિના પાયામાં ડેડીકેશન, વીઝન અને ઉદાર હાથોનું દાન બહુ જ અગત્યના છે.

