લંડનઃ ભારતની આઝાદીની 78મી વર્ષગાંઠ નિમિત્તે ભવન, લંડન દ્વારા ગુરુવાર 7 ઓગસ્ટે ઊજવણી સંધ્યાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રેરણાદાયી સંબોધનો અને મંત્રમુગ્ધ કરનારા સાંસ્કૃતિક પરફોર્મ્ન્સીસની ભવ્યતા દર્શનીય બની રહી હતી. સાંજનો આરંભ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.એમ. એન. નંદકુમારા MBE દ્વારા પ્રાર્થનાગાન સાથે કરાયો હતો. આ પછી, ઈવેન્ટના અધ્યક્ષ અને ભવન યુકેના વરિષ્ઠ ટ્રસ્ટી વિનોદભાઈ ઠકરારે સ્વાગત પ્રવચન કર્યું હતું.
હેમરસ્મિથ એન્ડ ફૂલહામના મેયર કાઉન્સિલર શેરોન હોલ્ડરે સ્થાનિક અને વ્યાપક ભારતીય કોમ્યુનિટી માટે ગૌરવ અને સંસ્કૃતિનાં સ્થાનક તરીકે ભવનની 50 વર્ષની વિરાસત વિશે જણાવ્યું હતું. હેરોના મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલે ભવનના નાટ્યવિભાગ સાથે પોતાની યાત્રા વિશે જણાવવા સાથે ભારતીય સમુદાયને તેના મૂળિયાં સાથે જોડવામાં ભવનની ભૂમિકા પર પ્રકાશ પાથર્યો હતો. ચેલારામ ફાઉન્ડેશનના ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ ભૂપતકરે ફાઉન્ડેશન દ્વારા કળાક્ષેત્રને દાયકાઓ જૂના સમર્થન અને તેની ત્રણ પેઢીઓ દ્વારા ભવન સાથે ભાગીદારી વિશે જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સ્વાતંત્ર્યદિન માત્ર ચાર્ટર કે દસ્તાવેજ ન હતો, પરંતુ તેમના દૈનિક જીવનનો હિસ્સો હતો.
ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટર (કો-ઓર્ડિનેશન) દીપક ચૌધરીએ જણાવ્યું હતું કે ભવન સાથે સંકળાયેલા સહુ કોઈ વિરાસત, વિચારો અથવા આધ્યાત્મિકતા થકી ભારત સાથે મૂળિયાં ધરાવે છે. તેમણે ભારતના વર્તમાન વૈશ્વિક સ્થાન વિશે કહ્યું હતું કે સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન પણ તેના સાધનો શાંતિપૂર્ણ રહ્યા હતા. તેમણે ભારતીય હાઈ કમિશનને યુકેસ્થિત રાજદ્વારી મિશન અને ભવનને સાંસ્કૃતિક અને કળાક્ષેત્રના પ્રહરી તરીકે વર્ણવ્યા હતા. ભવન યુકેના ઓનરરી ટ્રેઝરર કૌશિકભાઈ નથવાણીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.