તું નાનો, હું મોટો,
એવો, ખ્યાલ જગતનો ખોટો;
આ નાનો, આ મોટો,
એવો મૂરખ કરતા ગોટો !
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથી યે, 'લોટો' લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે, કેવો ગુલાબ ગોટો !
ઊંચા - ઊંચા ઝાડે તમને, જડશે એનો જોટો ?
મન નાનું, - તે નાનો,
મન મોટું, - તે મોટો !
- પ્રેમશંકર ભટ્ટ
અવસર આવે ત્યારે અંદરનું ‘પોત’ પરખાય છે. માફી આપવાની કે માફી માંગવાની આવે ત્યારે અંદર ‘મોટપ’ છે કે શું છે તે જણાય છે.
કવિશ્રી પ્રેમશંકર ભટ્ટની, આ ખૂબ જાણીતી કવિતા છે. કદાચ શાળાના શરૂઆતના ધોરણમાં આ કવિતા, લલકારી લલકારીને ઘણાએ ગાઈ પણ હશે ! અને તેથી એને બાળકોની કવિતા સમજી વિસારે પાડી હશે! પણ છેક એવું નથી. ભલે કદ, ભાષા, શૈલી વગેરે જોતાં બાળ-કાવ્યના ખાનામાં આને ગોઠવીએ, પણ બોધની વિચારણાં કરીએ ત્યારે? ત્યારે જેવો બોધ લેનાર હશે એવો બોધ આમાંથી જડશે. કવિએ સાવ સાદા શબ્દોમાં વેધક વાત કહી છે.
માણસના મનમાં અનેકાનેક ગ્રન્થિઓ બંધાયેલી અને ગંઠાયેલી હોય છે. એ પૈકીની એક મોટી ગાંઠ છે: ‘હું મોટો છું.’ જીવનના વિકાસમાં આ ગાંઠ બધી રીતે અવરોધક બને છે એની એને ભાગ્યે જ જાણ હોય છે.
માણસ છીએ તેથી માણસ જોડે સતત કામ પડે જ છે. કામ પડે એટલે 'હા-ના' પણ થાય જ. મનને ઠેસ પણ વાગે. ભૂલ તો આપણી પણ હોય અને સામાની પણ હોય. ભૂલની રજ ચોંટીને મેલ બને એ પહેલાં જ તેને ઉડાડી દેવાની કે ખંખેરી નાખવાની સહજ અને સરસ ઘટનામાં 'આડું' કોણ આવે છે? 'હું મોટો છું' - એ જ!
હા, એ પણ ખબર છે કે ‘માફી’ માંગ્યા અને આપ્યા પછી હળવાશનો અનુભવ થાય છે; અને ન માંગીએ કે ન આપીએ ત્યાં સુધી ભાર-ભાર લાગ્યા કરે છે. છતાં એક આ - ‘હું મોટો છું, હું માફી શા માટે માંગું?’ – એમ સતત થયા કરે. સામા પગલે તો હું નહીં જ જાઉં.
એને એમ કેમ સમજાવવું કે તું મોટો હતો તો ભૂલ કેમ થવા દીધી? મોટો એ નથી કે જે આ દુનિયામાં પહેલો આવ્યો. મોટો તો એ છે કે જેણે પહેલાં માફી માંગી; જેણે માફી આપવામાં પહેલ કરી. કવિતાની પ્રથમ છ પંક્તિ તો સાવ સીધી રીતે સમજી શકાય તેવી છે. ‘પ્રાસ તો પ્રેમશંકરના’ એવું કહેવાનું મન થાય! કવિએ છેલ્લી લીટીમાં કાવ્યનો ‘અર્ક’ આપી દીધો છે; કહો કે સાચી વ્યાખ્યા આપી છે. મન મોટું તે મોટો. મન નાનું તે નાનો. સામાને માફી આપે તે મોટા મનનો. આવા મોટા થવા માટે આપણે જનમ્યાં છીએ. માફી માગીએ, માફી આપીએ.મોટા બનીએ અને પછી કહીએ: ‘હું મોટો છું.’
