શ્રાવણ વદ બારસ, બુધવાર તા.૨૦ ઓગષ્ટ થી ૨૭ ઓગષ્ટ ભાદરવા સુદ ચોથ દરમિયાન શ્વેતામ્બર અને સ્થાનકવાસી જૈનો દેશ-વિદેશમાં જ્યાં પણ વસતાં હશે ત્યાં પર્યુષણ પર્વની આરાધના તપ-જપ-ભક્તિ-સ્વાધ્યાય-વ્યાખ્યાન શ્રવણ દ્વારા તન-મન-ધનની શુધ્ધિ કરી મૈત્રીભાવનો અને ક્ષમાપનાનો ભગવાન મહાવીરે આપેલ ઉપદેશને આત્મસાત્ કરવાનો પ્રયાસ કરશે. અહિંસા, જીવદયા, અપરિગ્રહ, અનેકાન્તવાદનું પાલન અને પ્રેમના વાવેતર કરી જીવનને આદ્યાત્મિક દિશા તરફ લઇ જવા કટિબધ્ધ બનશે. સર્વ પર્વોમાં શિરમોર સમાન આ પર્વને પર્વાધિરાજનું બિરૂદ આપવામાં આવ્યું છે એનું કારણ વર્ષ દરમિયાનમાં આવતું આ એક જ પર્વ માનવીની ભાગદોડભરી જીંદગીમાં વિશ્રામ લઇ આંતરખોજ કરવાની તક પૂરી પાડે છે. આરાધનાના આ ઉત્તમ દિવસો છે. આ અલૌકિક પર્વ છે.
વ્યવહાર-વ્યાપાર-ધંધા-નોકરીમાં વ્યસ્ત ગૃહસ્થ બારે મહિના તો ધર્મ ધ્યાન કરી શકે એવો યોગ મેળવવો કઠિન છે પરંતુ આચાર્ય ભગવંતોએ આ આઠ દિવસો પાપવૃત્તિથી અલિપ્ત થઇ જીવને શિવ (કલ્યાણ) તરફ જવાનો માર્ગ ચીંધ્યો છે. આ આઠ દિવસ નિત્ય જીવનમાં પર્યુષણને નિમિત્ત બનાવી શિસ્તબધ્ધ આરાધના કરાય તો આત્મશ્રેય થવા સંભવ છે. પર્યુષણ પર્વ પૂર્ણ થયા બાદ ધર્મભાવના દ્રઢ થઇને હંમેશ માટે એ કરવાનું પ્રેરક બળ ટકી રહે એવો તેનો ઉદ્દેશ છે.
દિગમ્બર સંપ્રદાય પર્યુષણને દશ લક્ષણી પર્વ કહે છે અને દશ દિવસ સુધી ધર્મની આરાધના કરે છે. ૨૮ ઓગષ્ટથી ૬ સપ્ટેમ્બર સુધીના આ પર્વ દરમિયાન ધર્મ ધ્યાન કરી મોક્ષ મેળવવા માટેની બારી ખોલવાની છે. કર્મની નિર્જરા કરવાની છે. આખા વર્ષનું સરવૈયું કરી જાણતાં-અજાણતાં થયેલ દુષ્કર્મોની બાદબાકી કરી એને સત્કર્મમાં પરિવર્તિત કરવાનું છે. પર્વ દરમિયાન શ્રાવક-શ્રાવિકાઓએ પાંચ કર્તવ્યોનું પાલન કરવાનું છે. પ્રથમ ત્રણ દિવસ વાંચન-સ્વાધ્યાય કરી મનને તૈયાર કરવાનું છે. આ પાંચ કર્તવ્યોમાં...
૧) અમારિ પ્રવર્તન: નિર્દોષ મૂક પ્રાણીની રક્ષા કરવાની છે. અહિંસાનો પ્રચાર અને તેનું પાલન. મન-વચન-કાયા એમ ત્રિવિધ સ્વરૂપે અહિંસાનું પાલન કરવાનું છે. જૈનો અલ્પ સંખ્યક હોવાછતાં તેનો પ્રભાવ આજે વૈશ્વિક સ્તરે ફેલાઇ રહ્યો હોય તો તેના મૂળમાં અહિંસા સાથે આચાર, આહાર શુધ્ધિ, વિચાર શુધ્ધિ અને અનેકાન્ત શૈલી છે. આપે તાજેતરમાં ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલ લેખમાં વાંચ્યું હશે કે અમેરિકાની જૈન સંસ્થાઓ સાથે મળી, ઉદાર હાથે દાન આપી યુનિવર્સિટીઓમાં જૈન તીર્થંકરોના નામની વિવિધ બેઠકો નિર્મિત કરી યુનિવર્સિટીઓમાં જૈન ફિલોસોફી અને મૂલ્યો પ્રસ્થાપિત કરવાનું શિક્ષણ સાદર કરી સમાજને વૈશ્વિક શાંતિ તરફ લઇ જવા ભારે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. જેથી વિશ્વ માનવીઓ માટે વસવાટનું આદર્શ સ્થળ બની રહે. વિશ્વમાં ચાલતા યુધ્ધો રોજ-બરોજ અસંખ્ય માનવીઓને મોતના મુખમાં ધકેલી રહ્યા છે ત્યારે જરૂર છે અહિંસા ધર્મનું મૂલ્ય સમજવાની. દરેક માનવી, પશુ-પ્રાણી-પંખી-જીવજંતુને જીવવાનો અધિકાર છે તે સમજવાની. જૈન ધર્મના સરળ સૂત્ર “જીવો અને જીવવા દો” નું ચિંતન કરી એનો અમલ કરવાની.
આપણા બ્રિટનમાં નીતિન મહેતા વર્ષોથી વેજીટેરીયન સોસાયટીની સ્થાપના કરી શાકાહારના મહત્વનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે એ આવકારદાયક છે. મોટી સંખ્યામાં જૈનેતરો પણ વેજીટેરીયન કે વીગન બની માંસાહારનો ત્યાગ કરી રહ્યા છે જે આદ્યાત્મ દિશા તરફની ગતિનું હકારાત્મક પાસું છે.
૨) સાધર્મિક વાત્સલ્ય: મનુષ્ય સ્વાભાવિકપણે જ સામાજિક પ્રાણી છે. સમૂહમાં રહેવાવાળા ગૃહસ્થાશ્રમીઓ માટે સ્વામિ વાત્સલ્યનું આયોજન અનિવાર્ય છે. પર્યુષણ બાદ સ્વામિ વાત્સલ્યના આયોજન પાછળ સમાન ધર્મી આત્માઓનું બહુમાન, અન્ય દીન દુખિયા પ્રત્યે અનુકંપા હોવા તરફનો અંગૂલિ નિર્દેશ છે. સાધાર્મિકતાનો સંબંધ પરમાર્થ પ્રેરક છે. સૌના સુખ માટેની સભાનતા હોય છે. એનામાં રહેલો સેવાભાવ, વિનય-વિવેક મુક્તિ માર્ગની આરાધનામાં સહાયક બળ છે.
૩) ક્ષમાપના: પર્યુષણ પર્વનો પ્રાણ છે ‘ક્ષમાપના”. ક્ષમા એ આત્માનો નિર્મળ ભાવ છે, સદ્ગુણ છે. એટલે જ કહેવાયું છે; ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’. અહં ઓગળે ત્યારે જ ક્ષમાભાવ ઉપજે છે. આપણું ધાર્યુ ન થાય ત્યારે ક્રોધ ઉપજે છે. એ માણસને પોતાને અને જેના પર ક્રોધ કરે તે બન્ને માટે નુકશાનકારક છે. એક સજ્ઝાયમાં કહેવાયું છે કે, ‘ક્રોધે ક્રોડ પૂરવ તણું સંયમ ફળ જાય, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય.’ મતલબ આપણે ગમે તેટલું તપ કરીએ પણ ક્રોધ પર કાબુ ન મેળવી શકીએ તો એનું ફળ મળતું નથી. ક્ષમા એ ક્રોધાદી કષાયના અસાધ્ય રોગનું એક માત્ર ઔષધ છે. કોઇપણ જીવ સાથે વૈરભાવ, આક્રોશ, દ્વેષભાવ, રીસ કે વિરોધ થયો હોય તેની ક્ષમા માગવી જેથી મનમાં નિર્મળભાવ જાગશે. મન પરનો બોજ હળવો થશે. જાણતાં-અજાણતાં મન-વચન-કાયાથી કોઇનું મન દુભવ્યું હોય તો સાચા હ્દયથી, અહંને બાજુએ મૂકી માફી માગવી એ જ સાચી ક્ષમાપના છે.
૪) અઠ્ઠમ તપ: ત્રણ દિવસના ઉપવાસ. ત્રણ સળંગ ઉપવાસ ન થાય તો આઠ સમયના આહારનો ત્યાગ. યથા શક્તિ તપ કરનાર પર્યુષણના છેલ્લા ત્રણ દિવસ ઉપવાસ કરે છે. તપ કરવાથી જઠરાગ્નિ માટે તો ફાયદામંદ છે પરંતુ ભૂખ્યાની મનોદશાનો પણ અહેસાસ કરાવે છે. એના પ્રતિ અનુકંપા જગાવવામાં સહાયરૂપ બને છે. ઉપવાસ કદાચ થાય તો કરવા અને ન થાય તો તેનો અફસોસ કરવાને બદલે સારા માનવી બનવાની કોશીષથી પણ મન શુધ્ધ બને છે. મોહ-માયા-લોભ-ક્રોધ જેવા કષાયોથી મુક્તિ મેળવવાના પ્રયાસો ઊંચા ભાવ ઉભા કરવામાં મદદરૂપ થાય છે. તપ તનની શુધ્ધિ સાથે મનને પણ વિકારમુક્ત કરે છે.
૫) જૈન ચૈત્ય પરિપાટી: જે ગામ કે શહેરમાં રહેતા હોઇએ તેના પાંચ દેરાસરોની યાત્રા કરી પ્રભુના દર્શન કરી ધન્ય થવું. સમૂહમાં ઉલ્લાસપૂર્વક ગામના દેરાસરોમાં પૂજા-સેવા-દર્શનનું કર્તવ્ય દર્શાવવામાં આવ્યું છે. જિન ભક્તિનો મહિમા નિરાળો છે. પરમાત્માની ભક્તિમાં લીન થવું. વિતરાગની ભક્તિ વૈરાગ્ય ઉત્તપન્ન કરનારી છે. ભગવાન સુધી પહોંચવાનો સરળ ભક્તિ માર્ગ છે.

