ગંભીર સવાલઃ બ્રિટનનું અર્થતંત્ર ધબકતું રાખશે કોણ?

Wednesday 14th May 2025 05:45 EDT
 

વડાપ્રધાન સ્ટાર્મરે નેટ ઇમિગ્રેશન ઘટાડવા નવા નિયંત્રણોની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ઇમિગ્રેશન વિરોધી જમણેરી રિફોર્મ યુકેના ઉદય બાદ લેબર સરકારને આ પગલાં લેવા પડ્યાં છે તેમાં કોઇ શંકા નથી. પરંતુ નવા નિયંત્રણો કેટલી હદે સફળ થશે તે એક મોટો સવાલ છે. એક વાત તો સ્પષ્ટ છે કે બ્રિટિશ અર્થતંત્રને ધબકતું રાખવા માટે માઇગ્રન્ટ વર્કર્સ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની અત્યંત આવશ્યકતા છે. આવી સ્થિતિમાં નેટ ઇમિગ્રેશનના આંકડા ઓછા દર્શાવવા આ પ્રકારના પગલાં કેટલાં યોગ્ય ગણી શકાય.
આજે બ્રિટનના કૃષિ, હેલ્થ એન્ડ કેર, એજ્યુકેશન, કન્સ્ટ્રક્શન, આઇટી સહિતના સેક્ટરોને કુશળ વિદેશી કામદારોની તાતી જરૂર છે. એકતરફ માનસિક અને શારીરિક બિમાર બ્રિટિશરોને કામ ધંધો કરવો નથી અને ફક્ત બેનિફિટ્સ પર નભવું છે. બીજીતરફ મહેનતુ વિદેશી કામદારો પર લગામ પણ કસવી છે. આ એક દોરી પર ચાલનારા નટ જેવી સ્થિતિ છે. આગે કુઆં પીછે ખાઇની સ્થિતિમાં સંતુલન અત્યંત મહત્વનું બની રહે છે અને તે માટે સમજદારીપુર્વક નિર્ણયો લેવાય તે બ્રિટિશ અર્થતંત્ર માટે અત્યંત આવશ્યક છે.
આજે એનએચએસ ખસ્તાહાલ છે. વિદેશી નર્સો વિના તેનો આરો નથી. કેર સેક્ટરને વિદેશી કેરટેકર્સ જ ચલાવી રહ્યાં છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટતાં યુનિવર્સિટીઓના બજેટ ખોરવાઇ રહ્યાં છે. એકતરફ સરકારને મોટાપાયે મકાનોનું નિર્માણ કરવું છે પરંતુ તેના માટે વિદેશી કામદારો વિના ચાલી શકે તેમ જ નથી. સીઝનલ વિદેશી કામદારો વિના બ્રિટનના ખેતરોના પાક કોણ લણશે. સરકાર લો સ્કીલ અને લો ઇનકમ કામકાજમાં માઇગ્રન્ટ્સને વિઝા બંધ કરવા વિચારી રહી છે. ગંભીર સવાલ એ છે કે તો બ્રિટનમાં કામ કરશે કોણ. ઇમિગ્રન્ટ્સ માટે એ- લેવલના કડકડાટ અંગ્રેજીની જોગવાઇ અત્યંત હાસ્યાસ્પદ લાગી રહી છે. લો સ્કીલ જોબમાં કડકડાટ અંગ્રેજીની ક્યાં જરૂર પડે છે. સરકારે આ પ્રકારના અણઘડ નિર્ણયો લેતાં પહેલાં સાંપ્રત સ્થિતિની સમીક્ષા કરવી જોઇએ.


comments powered by Disqus