ભારત-પાક. સંઘર્ષઃ 1947ના કાશ્મીર યુદ્ધથી બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક સુધીની ટાઈમલાઈન

Saturday 17th May 2025 05:52 EDT
 
 

નવી દિલ્હી: ભારતના લશ્કરી દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી સ્થળો પર હુમલા કરીને 21 આતંકી અડ્ડા તબાહ કર્યા છે. આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ અપાયું હતું જે પહલગામ આતંકી હુમલોનો જડબાતોડ જવાબ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના દાયકાઓથી ચાલ્યા આવતા સંઘર્ષમાં આને કારણે એક નવું ચેપ્ટર ઉમેરાયું છે. ભારત અને પાકિસ્તાનના લશ્કરી સંઘર્ષનો ઇતિહાસ વર્ષોજૂનો છે જેમાં 1947માં ભારતની સ્વતંત્રતા પછી બંને દેશના ભાગલા અને 1947નાં યુદ્ધથી પુલવામા ખાતે સુસાઈડ બોમ્બ દ્વારા આતંકી હુમલા પછી 2019માં બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક સુધીના સંઘર્ષને સ્થાન આપી શકાય.
• 1947માં ભારત અને પાક. વચ્ચે પહેલું યુદ્ધ
આ યુદ્ધ ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી કાશ્મીરના રજવાડા પર કબજો જમાવવા માટે ખેલાયું હતું. પાકિસ્તાનના ટેકા સાથેના આદિવાસી મિલિશિયાઓ દ્વારા કાશ્મીરને હડપ કરવા ઓક્ટોબર 1947માં કાશ્મીરમાં ઘુસણખોરી કરાઈ હતી. તત્કાલીન કાશ્મીરનાં મહારાજા હરિસિંહ દ્વારા કાશ્મીરને બચાવવા ભારતની મદદ માંગવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાનના લશ્કર વચ્ચે પહેલી વખત પૂર્ણ કક્ષાનું યુદ્ધ ખેલાયું હતું.
• 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ
કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 ઓગસ્ટ, 1965નાં રોજ બીજું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. હજારો પાકિસ્તાની સૈનિકો સ્થાનિકોની મદદથી LOC પાર કરીને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસી ગયા હતા. આ પછીના યુદ્ધને ઓપરેશન ઝિબ્રાલ્ટર નામ અપાયું હતું. ભારતે તેનો આક્રમક લશ્કરી જવાબ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય સરહદે તે વખતે બંને દેશો વચ્ચે પૂર્ણ કદનું યુદ્ધ ખેલાયું હતું. રશિયા અને અમેરિકાની મધ્યસ્થી પછી બંને દેશોએ યુદ્ધવિરામ કર્યું હતું.
• 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ
પાકિસ્તાનના આર્મી દ્વારા પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) પર કબજો જમાવવા હુમલા કરાયા હતા. બાંગ્લાદેશની પ્રજાએ તેનાં દેશની સ્વતંત્રતા માટે આંદોલન કર્યું હતું જેને બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. ભારતે બાંગ્લાદેશના લોકોને સપોર્ટ કર્યો હતો જેને કારણે 1971માં ભારત અને પાક. વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. પાક. લશ્કરે શરણાગતિ સ્વીકારી હતી. આ પછી બાંગ્લાદેશનો સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જન્મ થયો હતો.
• 1999નું કારગિલ યુદ્ધ
1999માં હિમાલય રેન્જમાં કારગિલ ખાતે ભારત અને પાક.નાં લશ્કરો વચ્ચે યુદ્ધની મે મહિનામાં શરૂઆત થઈ હતી જે જુલાઈ સુધી ચાલ્યું હતું. પાકિસ્તાની સેના દ્વારા કાશ્મીરમાં ઊંચાઈ પર આવેલા શિખરો પર કબજો જમાવ્યો હતો જેને મુક્ત કરાવવા ભારતની સેનાએ હુમલા કર્યા હતા. કારગિલને પાછું મેળવવા છેડાયેલા યુદ્ધને ઓપરેશન વિજય નામ અપાયું હતું. ભારતે કારગિલનો તમામ વિસ્તાર કબજે કર્યા પછી યુદ્ધ પૂરું થયું હતું.
• 2016 ઉરી હુમલો
આતંકીઓ દ્વારા ભારતમાં જમ્મુ-કાશ્મીરનાં ઉરી ખાતે ઈન્ડિયન આર્મીના બેઝ પર 18 સપ્ટેમ્બર 2016નાં રોજ હુમલો કરાયો હતો જેમાં 19 જવાનો શહીદ થયા હતા. તેનો બદલો લેવા ભારતે 28 અને 29ના રોજ LOCને પેલે પાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ભારતે પીઓકેમાં આવેલા અનેક આતંકી છાવણીઓનો સફાયો કર્યો હતો. ભારતમાં ઘૂસવા માટે તૈયાર કેટલાક આતંકીઓને ફૂંકી મારવામાં આવ્યા હતા.
2019માં પુલવામા એટેક
26 ફેબ્રુઆરી 2019નાં રોજ ઈન્ડિયન એરફોર્સ દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો પર હુમલા કરાયા હતા. પુલવામા ખાતે CRPFના વાહનો પર આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોનાં મોતનો બદલો લેવા આ ઓપરેશન હાથ ધરાયું હતું. આતંકી કેમ્પોને ફૂંકી મારવા ફાઇટર જેટનો ઉપયોગ કરાયો હતો. 1971નાં યુદ્ધ પછી ઊંડે જઈ હુમલો કરવાની આ પહેલી ઘટના હતી.


    comments powered by Disqus