‘સોનેરી સંગતમાં’ નવા વર્ષ 2025નાં વધામણાં કરતી સાહસકથા

પુરુષાર્થ તો પરસેવો છે, સંકલ્પ છે હાથ, સાહસ આપણા કદમ છે, શ્રદ્ધાનો છે સાથ

બાદલ લખલાણી Thursday 16th January 2025 02:41 EST
 
 

ગુજરાત સમાચાર પોતાની ફરજ સમજીને વિશ્વભરના સમાચાર, સમાજ જાગૃતિ અને વિવિધ વિષયોને લઈને દર ગુરુવારે ખાસ સોનેરી સંગત ઝૂમ કાર્યક્રમ દ્વારા આપની સમક્ષ પ્રસ્તુત થાય છે, તેની સાથે આ વખતે નવા વર્ષ 2025નાં વધામણાં કરતાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન કરતાં જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું કે, વિશ્વભરમાં ઇસુના નવા વર્ષ 2025નું સ્વાગત આતશબાજી અને ઉજવણી સાથે કર્યું. આપણે સૌએ પણ નવા વર્ષને સહર્ષ વધાવ્યું છે. નવા વર્ષના આ પ્રથમ સોનેરી સંગતમાં આપ સૌનું સ્વાગત છે. શુભકામના એક સારા વિચાર અને આચાર સાથે જોડાય છે. નૂતન વર્ષમાં આપણે કંઈ નવું મેળવવાનો ધ્યેય રાખવો જોઈએ. ગમે તેટલા અવરોધો આવે, જે ઝઝૂમે છે તે જ જીતે છે. સફળતા પ્રાપ્ત કરવાના ત્રણ પાયા છે - દૃઢ પુરુષાર્થ, દૃઢ સંકલ્પ અને સાહસ.
આપણે આજે એક એવી વ્યક્તિને મળીશું, જેણે ‘એકલો જાને રે’ પંક્તિને સાર્થક કરી બતાવી છે. આ પુરુષાર્થી અને સંકલ્પબદ્ધ એટલે 70 વર્ષના યુવાન સાહસિક નીતિનભાઈ બુમિયા. તેમણે લંડનથી સ્થળાંતર કરી વડોદરા વસવાનો સહર્ષ સ્વીકાર કર્યો છે. નીતિનભાઈ બુમિયા બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે, જેમણે ભારતના 12 જ્યોતિર્લિંગની અને ચાર ધામની 12 હજાર કિ.મી.ની યાત્રા 42 દિવસમાં હાર્લે ડેવિડસન પર કરવાનું સાહસ કર્યું હતું.
નીતિનભાઈ બાઈક પર યાત્રા કરવાનો વિચાર કેમ આવ્યો?
નીતિનભાઈઃ અમે 4 મિત્રો દ્વારા આ યાત્રાનો સંકલ્પ કરાયો હતો. મિત્રો દરેક મહિને એક મંદિર પસંદ કરી દર્શન કરવા જતા હતા. છેલ્લે અમે અંબાજી દર્શન કરવા ગયા હતા. હું ગર્ભગૃહમાં ગયો અને માતાજી તરફથી 12 જ્યોતિર્લિંગના દર્શનનો જાણે કે આદેશ થયો. બસ આ સમયે જ મેં 12 જ્યોતિર્લિંગનાં દર્શનનો સંકલ્પ લીધો. આ સમયે મારાં પત્ની દીપિકાને પૂર્ણ વિશ્વાસ હતો કે હું ગમે તેવી મુસીબત છતાં આ યાત્રા મારા બાઇક દ્વારા પૂર્ણ કરીશ જ.
ડો. દિનેશ પંડ્યા, લલિતભાઈ શાહ, શંકરભાઈ, બાલુભાઈ શુકલ દ્વારા મને માર્ગદર્શન આપવામાં આવ્યું. યાત્રા શરૂ કરતાં પહેલાં
3 મહિના સુધી અમે રૂટ નક્કી કરીને ચર્ચા કરતા હતા. એમની સલાહ પ્રમાણે જ મારી યાત્રા
પૂર્ણ થઈ.
હાર્લે ડેવિડસન દુનિયાની સૌથી મોટી મોટર બાઇક કંપની છે અને મારી પ્રથમ પસંદગી રહી છે. હું લંડનમાં પણ હાર્લી જ ચલાવતો હતો. ઇન્ડિયામાં જ્યારે હાર્લે ડેવિડસન લોન્ચ થઈ ત્યારે પ્રથમ બાઇક લેવાનું સૌભાગ્ય તેમના દ્વારા મને અપાયું હતું. મારી 12 હજાર કિ.મી.ની યાત્રા દરમિયાન રસ્તામાં આવતાં મુખ્ય શહેરોનો હાર્લે ડેવિડસન સર્વિસ સ્ટેશનનો સ્ટાફ હાઇવે પર આવી જતો હતો અને બાઇકની સર્વિસ-ઓઇલ કરી મને મદદ કરતા હતા. હું રોજ 500થી 600 કિ.મી.નું અંતર આરામથી કાપતો હતો.
હું જ્યાં જ્યાં ગયો ત્યાં મારું ઉષ્માભેર સ્વાગત કરાયું. મારી યાત્રામાં મારું થયેલું સન્માન મારા માટે ખૂબ ખાસ છે. તમામ 12 જ્યોતિર્લિંગ દર્શન દરમિયાન મારે ક્યાંય લાઇનમાં ઊભું રહેવું પડ્યું નથી. જે-તે સ્થળના કલેક્ટર, પોલીસ કમિશનર અને મંદિર ટ્રસ્ટ-સ્ટાફે મને સન્માન સાથે દર્શન કરાવ્યાં છે. મારી યાત્રાની આટલી સફળતા અંગે મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું.
ભરઉનાળે સખત ગરમીમાં બાઇક લઈ મેં યાત્રાની શરૂઆત કરી હતી. તામિલનાડુ રામેશ્વરથી ઝારખંડ જતાં 1800 કિ.મી.ની યાત્રા પર નીકળ્યો, આ યાત્રા મારે ત્રણથી ચાર દિવસમાં પૂર્ણ કરવાની હતી. આટલી ગરમીના કારણે બપોરે આશરે 12:30 વાગ્યે રસ્તામાં મારી તબિયત બગડતાં હું રસ્તાની સાઇડમાં ઊભો રહી ગયો હતો. મને આંખે અંધારા આવી રહ્યા હતા. આ સમયે મને ભગવાન શિવનો આભાસ થયો, આંખ થોડી ખૂલતાં મારી સામે એક વ્યક્તિ પાણીની બોટલ લઈને ઊભી હતી, જેણે મને પાણી તો પીવડાવ્યું જ – સાથોસાથ પાણીની બીજી ચાર બોટલ આપી અને આ યાત્રા પૂર્ણ કરવાનો મને વિશ્વાસ પણ અપાવ્યો.
મેં મારી યાત્રાની શરૂઆત રામનવમીના દિવસે સોમનાથથી કરી હતી. આ સમયે મેં મારી યાત્રાની શરૂઆતની જાણ કોઈને પણ કરી નહોતી. જો કે હું જે રસ્તે નીકળ્યો ત્યાં મને આવકાર મળ્યો હતો. હું ભીમાશંકર ગયો ત્યાં દર્શન કર્યાં. આ સમયે પોલીસ સ્ટેશન જતાં તેમણે મારું સન્માન કર્યું. મારો કાર્યક્રમ જાણી પોલીસે અને કલેક્ટર દ્વારા જ આગળ જાણ કરી દેવાતી હતી, જેનાથી મારી યાત્રા સરળ બની હતી.
મારી ગેરહાજરીમાં મારી પત્ની દીપિકાએ મારા બિઝનેસનો સુંદર રીતે વહીવટ કર્યો. આમ મારી આ યાત્રાની ક્રેડિટ સૌથી વધારે પત્ની દીપિકાને જાય છે. તેની મંજૂરી-સાથ ન હોત તો હું આ યાત્રા પૂર્ણ કરી શક્યો ના હોત! બીજો સૌથી મોટો શ્રેય હું ડો. દિનેશ પંડ્યાને આપીશ, જેઓ જીપીએસથી સતત ટ્રેક કરી મને ગાઇડ કરતા હતા.
દેશભરની સંસ્કૃતિ અને જનતાના પ્રેમને કારણે હું આ પ્રવાસ સફળતાપૂર્વક કરી શક્યો. આવો ભાઈચારો ભારત સિવાય અન્ય કોઈ દેશમાં હોઈ જ ન શકે.
અહિંસા પરમો ધર્મમાં માનનારા ભારત દેશના ભગવાન મહાવીર સ્વામી, ભગવાન ગૌતમ બુદ્ધ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ, સમ્રાટ અશોક, મહાત્મા ગાંધીના રસ્તે ચાલતા આપણા દેશનો શાંતિ અને અહિંસાનો સંદેશ મારે 7 દેશમાં પહોંચાડવો છે. એ અંગે મારી તૈયારી ચાલુ છે. જે અંતર્ગત હું કેનેડાથી અમેરિકા જઈશ, જેમાં ડો. દિનેશ પંડ્યા, શંકરભાઈ, મેહુલ પટેલ, રાજુભાઈ ભાવસાર અને મારી પત્ની દીપિકા પાયલોટિંગ કરશે. આવનારા દિવસોમાં મારું જીવન શાંતિ, અહિંસા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવામાં વ્યતિત કરીશ.
દીપિકાબહેન તમે જણાવો કે જ્યારે નીતિનભાઈએ આ સંકલ્પ લીધો, ત્યારે તમે શું અનુભવ્યું હતું?
અંબાજીમાં જ્યારે નીતિને આ સંકલ્પ લીધો ત્યારે મને ઘણો ડર લાગતો હતો. આ સમયે મેં આ પ્રવાસ ખેડવા ઇનકાર કર્યો હતો. જો કે તેમનો દૃઢ નિશ્ચય હતો એટલે ભગવાન પર વિશ્વાસ કરી મેં કોઈ વિરોધ ન કર્યો. સવારે ઊઠીને રોજ હું નીતિનનું સ્ટેટસ જાણી લેતી હતી. જે બાદ હું બિઝનેસ હેન્ડલ કરવામાં લાગી જતી.
ડો. દિનેશ પંડ્યાઃ શું તને કોઈ ચમત્કારિક અનુભવ થયો?
નીતિનભાઈઃ હું જ્યારે રામેશ્વરથી બૈજનાથ પહોંચ્યો. દર્શન બાદ ઝારખંડના જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હું રસ્તો ભૂલ્યો હતો. આ સમયે નક્સલીઓ દ્વારા મને માર મારવાનો અથવા લૂંટી લેવાનો ડર હતો. હિંમત હારી હું રસ્તાની સાઇડમાં ઊભો હતો, તેવામાં સામેથી એક સાધુ જેવો માણસ આવ્યો અને તેમણે મને 5 મિનિટમાં રસ્તા પર પહોંચાડ્યો હતો. આ સમયે મને લાગ્યું કે મને ખુદ ભગવાને જ ઉગાર્યો છે.
સી.બી. પટેલઃ દીપિકાબહેન સૌથી વધારે ધન્યવાદને પાત્ર તમે છો. નીતિનભાઈને તો માતાજીનો આદેશ થયો, પરંતુ દીપિકાબહેન અને મિત્રોએ જે પ્રકારે સહાયતા કરી તેનાથી નીતિનભાઈને શક્તિ પ્રદાન થઈ છે. તમારી યૂરોપયાત્રાનું પણ આયોજન થઈ રહ્યું છે, તમે ઘણાં મહાન કામ કરવાના છો. સાહસ કરવું આપણા સ્વભાવમાં છે.

સી.બી. પટેલનું આમંત્રણ

ગુજરાત સમાચાર 52 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે અને ટૂંક સમયમાં 53 વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગ યાદગાર બનાવવા સ્મરણયાત્રા ગ્રંથ પ્રકાશિત કરવાનું આયોજન હાથ ધર્યું છે, જેમાં દરેક લવાજમી ગ્રાહકોને સામેલ થવા નિમંત્રણ છે. આશરે 250થી 300 પેજનો આ સુંદર ગ્રંથ બનશે, જેમાં 52 વર્ષમાં પરિવર્તન અને સમાજના ઉત્થાનને સમાવી લેવાશે. આપને આ અંગે લેખ લખવા મારી અપીલ છે.


comments powered by Disqus