જૈન નેટવર્કના લાભાર્થે કિલિમાન્જારો પર્વતારોહણની સાહસિક સફરના સાથીઓને મોક્ષ મળ્યાની અનુભૂતિ

ભરતભાઇ શાહ, પ્રકાશભાઇ જોષી તથા દીપકભાઇ વિસાવાડીયાનું બહુમાન

-જ્યોત્સના શાહ Wednesday 15th October 2025 07:20 EDT
 
 

શનિવાર ૧૧ ઓક્ટોબરના રોજ જૈન નેટવર્ક, કોલીન્ડેલ સેન્ટર ખાતે પૂર્વ આફ્રિકાના સૌથી મોટા પર્વત કલીમાન્જારોની હાઇકિંગ કરીને પરત આવેલા ભરતભાઇ શાહ અને એમના સાથીઓ પ્રકાશભાઇ જોષી તથા દીપકભાઇ વિસાવાડીયાના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેઓએ ભોજનશાળા માટે લગભગ ૨૮,૦૦૦ પાઉન્ડનું ફંડ એકત્ર કરી શક્યા એ માટે અભિનંદન.
સમૂહ સામયિક બાદ ધર્મપ્રેમીઓની હાજરીમાં ટ્રસ્ટી
પ્રો. અજયભાઇ શાહે સૌનું ભાવભીનું સ્વાગત કરતા ભરતભાઇ અને એમના સાથીઓની સાહસયાત્રાને બિરદાવી.
આ ત્રિપુટીના સાહસ અને સંસ્થા માટે આપેલ અણમોલ અનુદાનનું બહુમાન પ્રો. અજયભાઇ શાહ, બીનાબહેન હોલ્ડન, વિજયભાઇ શેઠ, દીપકભાઇ શાહે કર્યું. ત્યારબાદ ભરતભાઇ શાહે એમની સાહસથી ભરપૂર, સંઘર્ષભરી પર્વતારોહણની રોમાંચક વાતો વર્ણવતા કેટલીક ક્લીપો પ્રોજેક્ટર પર દર્શાવી સૌને આશ્ચર્ય મુગ્ધ કરી દીધાં. ભરતભાઇએ આ યાત્રાની સફળતાનો યશ સ્પોન્સર્સ અને એમના તરફથી મળેલ આશીષ તેમજ પ્રાર્થનાને આપતાં આપવીતિ રજુ કરતા જણાવ્યું કે, આ સફરની સફળતા એક ચમત્કાર જ કહી શકાય!
જીવનમાં પ્રથમવાર હાઇકીંગ કરવા માટે મેં છ-આઠ મહિનાની ટ્રેનીંગ અને સાથ આપનાર SKLPC (શ્રી કચ્છ લેઉઆ પટેલ સેન્ટર)ના લેક્સ હિરાણી અને દેશી રેમબ્લર્સનો આભાર માન્યો. વધુમાં જણાવ્યું કે, પર્વતારોહણ માટે તેમના તરફથી માનસિક-શારીરિક આરોગ્ય અને સુખાકારી માટેની સેવા પૂરી પડાય છે તે સાચે જ અભિનંદનને પાત્ર છે. અમે તેમના ઋણી છીએ.
સાત દિવસના આ ચઢાણમાં ૩,૪ અને ૭મો દિવસ ખૂબ વસમા હતાં. વચમાં દરેક મુકામ પર ટેન્ટ બંધાય, લાઇટ ના હોય, ઉપર જતા જઇએ એમ હવા પાતળી થતી જાય, ઓકસિજન ઘટતો જાય, સૂવાને બેડ નહિ! નીચે સૂવાનું ને કડકડતીઠંડીમાં થરથરવાનું એમાંય તબિયત સાથ ના આપે, શરીર ફ્લુમાં તપતું હોય ત્યારે તો ભાગી છૂટવાનું મન થાય! પરંતુ અમારી થાળીમાં ગરમા ગરમ શાકાહારી ભોજન બનાવી પ્રેમથી પિરસાય ત્યારે થાય કે આ ગરીબ ટાન્ઝાનીયનો પેટ માટે કેવી વેઠ કરી રહ્યા છે અને તે પણ હસતાં મુખે! એ વિચારથી અમારામાં હિંમત આવે ને ફરી પાછા ચઢવાનું શરૂ થાય.
સમીટ (છેલ્લા ચઢાણ)ના દિવસે તો ૧૩૦૦ મીટરના એલીવેશન માટે આખી રાત સીધું ચઢાણ ચઢવાનું, કડકડતી ઠંડી, પવનના સુસવાટા અને તેમાંય જ્યારે તબિયત નરમ થાય ત્યારે હિંમત હારી જવાય. અમારા માટેની ટફેસ્ટ ચેલેન્જ આ! નવકાર મંત્રનું રટણ, ભક્તામર સ્તોત્રનું શ્રવણ અને શાંતિ મંત્રના જાપથી અમે હિમત ટકાવી રાખી. અમારી હિમતના પરિબળો હતા; સૌ સ્પોન્સર્સનું ઋણ, અમારા પરના વિશ્વાસ અને શ્રધ્ધાનું બળ, પ્રાર્થના તથા આશીર્વાદની શક્તિનો સરવાળો. કોમ્યુનિટી માટે સત્કાર્ય કરવાની હૈયે હામ હોય અને સૌનો સાથ હોય તો ચમત્કાર સર્જાય એનો અમે જાત અનુભવ કર્યો.
સાત દિવસમાં ૫૮૯૫ મીટરની ઊંચાઇના આ કપરાં ચઢાણ દરમિયાન ટાન્ઝાનીયાના સ્થાનિક ગાઇડ્સ, મહેનતુ મજદૂરો અને રસોઇયા જેઓએ અમારૂં ખૂબ જ સારૂં ધ્યાન રાખ્યું હતું તેઓની હૂંફ, પ્રેમ અને દરકાર દાદ માગી લે તેવા હતા. પોતાના પગમાં સારા શૂઝ કે શરીર પર પૂરતા ગરમ કપડાંનો અભાવ અને અમારી બેગોનું ૧૫-૨૦ કિલો વજન ઉપાડી ચઢવાનું અને તે પણ માઇનશ ૧૬-૧૮ ડીગ્રી હવામાન.આવું વિપરિત વાતાવરણ અને ગરીબાઇની ભીંસ વચ્ચે ય એમના ચહેરા પર ખુશી અને લાગણીસભરતા પ્રેરણાદાયી હતી. તેઓને સાચે જ સલામ ભરવાનું મન થાય. એમનું સાહસ જોઇ આપણે ફરિયાદ કરવાનું ભૂલી જઇએ તેવું હતું! આખરે જ્યારે અમે અમારા મુકામે ટોચ પર પહોંચ્યા, એક બાજુ બરફાચ્છાદિત પર્વતની હારમાળા ને બીજી બાજુ અમારો વિજયી ઝઁડો ફરકતો થયો ત્યારે રસ્તામાં પડેલ બધી જ તકલીફો ઓગળી ગઇ અને મોક્ષ મળ્યું હોય એવી અનુભૂતિ થઇ.
અને હવે આ સાહસ કરીને સાજાં નરવાં પાછા આવી ગયા ત્યારે હરખની હેલી ઉમટી! પોતાના સમાજ કે સંસ્થા માટે ઉપયોગી થવાનો આનંદ, સંતોષ ને ગૌરવ ઉપજ્યો. એમ થાય કે, આપણા સંતાનોને બાળપણથી જ સારા સંસ્કારનું સિંચન થાય તો સમય આવે એ જાગ્રત થાય અને સત્કાર્ય કરવાના ભાવ જાગે. પોતાના માટે તો સૌ કોઇ જીવે પણ અન્યને ખાતર કંઈક કરીએ ત્યારે જોવાની નજરીયા બદલાઇ જાય. આપણી યુવા પેઢીને અમે કહેવા માગીએ છીએ કે, દાન તો આપી દેવાય પરંતુ જ્યારે સાહસ-સંઘર્ષ ભર્યા સમયનું દાન આપીએ ત્યારે અનેરી અનુભૂતિ થાય છે. જીવનમાં એ એક લ્હાવો છે. એ જાત અનુભવે જ સમજાય.


comments powered by Disqus