ઓસ્લોઃ વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડોને લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને વેનેઝુએલામાં સરમુખત્યાર શાહીથી લોકશાહીમાં શાંતિપૂર્ણ ફેરફાર પ્રાપ્ત કરવાના તેમના અથાક પ્રયાસો બદલ નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો છે.
નોબેલ સમિતિએ કહ્યું કે, એવા સમયે જ્યારે વિશ્વના ઘણા ભાગમાં સરમુખત્યારશાહી વધી રહી છે અને લોકશાહી નબળી પડી રહી છે, ત્યારે મારિયા મચાડો જેવા લોકોની હિંમત આશા આપે છે. લોકશાહી જ સ્થાયી શાંતિની શરત છે. જ્યારે સરકાર હિંસા અને ભય દ્વારા જનતાને દબાવી દે છે, ત્યારે આવી હિંમતવાન વ્યક્તિઓનું સન્માન કરવું જરૂરી છે. માચાડોએ સુમાતે નામની સંસ્થાની સ્થાપના કરી હતી, જે લોકશાહી સુધારવા માટે કામ કરે છે. તે દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીની માગ કરી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ છેલ્લા ઘણા મહિનાથી નોબેલનો દાવો કરી રહ્યા હતા, પરંતુ નોબેલ સમિતિએ તેમને આ પુરસ્કાર માટે પસંદ કર્યા નહોતા.
ટ્રમ્પને નોબેલ ન મળતાં ચિડાયું અમેરિકા
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિનું નોબેલ પારિતોષિક જીતવાથી ચૂકી ગયા. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પોતાને નોબેલ પારિતોષિકના પ્રબળ દાવેદાર ગણાવ્યા હતા, પરંતુ તે ચૂકી જતાં વ્હાઇટ અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, નોબેલ સમિતિએ ફરી સાબિત કર્યું છે કે તેઓ શાંતિના બદલે રાજનીતિને મહત્ત્વ આપે છે.
જો કે પારિતોષિક મળ્યા બાદ મારિયાએ આ એવોર્ડ ટ્રમ્પને સમર્પિત કર્યો હતો.

