નવનાત વણિક ભગિની સમાજ અને લાઇફ ગ્લોબલ યુ.કે. દ્વારા નવનાત હોલમાં ‘The 250 Challenge’ કાર્યક્રમનું આયોજન રવિવાર, ૫ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું, જેમાં ૫૦૦થી વધુ ભાઈ-બહેનોએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યું. લંડનના જાણીતા કલાકાર બાલી બ્રહ્મભટ્ટ, પં. દિનેશ અને બીના મિસ્ત્રીએ સંગીતમય પરફોર્મન્સથી કાર્યક્રમને શોભા આપી. આ કાર્યક્રમનો લક્ષ્યાંક £100,000 એકત્રિત કરી ગુજરાતની ગરીબ મહિલાઓને સશક્તિકરણ, ટ્રેનિંગ અને જીવન પરિવર્તન માટે મદદ કરવાનું હતું.
પ્રોજેક્ટ ‘લાઇફ’, રાજકોટના પેટ્રન શ્રી બકુલ મહેતા, મસ્કત, કિરિટભાઇ વસા, મીત્તલ કોટીચા શાહ, ઋષિકેશ પંડ્યા, લાઇફ ગ્લોબલ યુ.એસ.એ.ના સ્થાપક અમર શાહ, દીપાલી મહેતા, મસ્કત, સહિત અનેક મહેમાનો કાર્યક્રમમા હાજર રહ્યા. મેયર અંજનાબહેન પટેલ, સી.બી. પટેલ, જ્યોત્સનાબહેન શાહ, પૂજાબહેન રાવલ, શશી વેકરીયા, એન્ના અને મીતેશ વેકરીયા, ચાંદની વોરા, લવીના મહેતા, માધવી વડેરા અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં સરોજબહેન વારીયાએ સૌનું સ્વાગત કર્યું અને લાઇફ ગ્લોબલના કાર્ય અને દાતાઓના યોગદાનની પ્રશંસા કરી. માત્ર ૨૫૦ પાઉન્ડનું દાન એક મહિલાના જીવનમાં આશા-ઉમંગ-ઉજ્જવળ ભાવિના સપનાં સાકાર કરે છે. આ અપીલથી દાતાઓના સહયોગ દ્વારા દાનની ઝોળી છલકાઇ ગઇ. માનવતાની મહત્તા ઉજાગર બની. એશિયન બીઝનેસ પબ્લીકેશનના પ્રકાશક અને તંત્રીશ્રી સી.બી. પટેલે પ્રોજેક્ટ ‘લાઇફ’ના સ્થાપક અને વીઝનરી એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી, શ્રી ચંદ્રકાન્તભાઇ કોટીચા કે જેઓ ૧૩ સપ્ટેમ્બર ’૨૫ના રોજ ૮૧ વર્ષની વયે અરીહંત શરણ પામ્યા તે નિમિત્તે સદગતને ભાવભરી અંજલિ આપી.અને પ્રોજેક્ટ ‘લાઇફ’ના ૪૭ વર્ષના કાર્યો, જેમ કે મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને હેલ્થ પ્રોજેક્ટ્સ, દ્વારા ૯.૮ મિલિયન લોકોના જીવન પર પડેલા પ્રભાવ દર્શાવતી વિડિઓ રજૂ કરવામાં આવી. લાઇફ ગ્લોબલ યુ.કે.ના ચેર અને ફાઉન્ડર બીના સંઘવી અને મયુર સંઘવીએ લાઇફ ગ્લોબલ યુ.કે.ના દશ વર્ષના કાર્યોની વાત કરી. પ્રોજેક્ટ ‘લાઇફ’ના જોઈન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી અને સિ.ઈ.ઓ મીત્તલ કોટીચા-શાહે ૨૦૩૦ સુધી ૧૭૧ નવી પ્રાથમિક શાળાઓ અને ૨૦,૦૦૦ મહિલાઓને સશક્ત બનાવવાનો લક્ષ્યાંક રજૂ કર્યો. પ્રોજેક્ટ ‘લાઇફ’ના જોઈન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી કિરિટભાઇ વસા અને ચીફ ડેવેલોપમેન્ટ ઓફિસર ઋષિકેશ પંડ્યાએ મહિલા સશક્તિકરણ પ્રોગ્રામનો પ્રભાવ દર્શાવતી વિગતો આપી અને વિડિઓ રજૂ કરી. લાઇફ ગ્લોબલ એવોર્ડ્સ અનિતા અને દિવ્યેશ કામદારને તેમના યોગદાન માટે આપવામાં આવ્યા અને લાઇફ એચિવમેન્ટ એવોર્ડ્સ અલ્કા અને અનિલ દોશીને એનાયત કરવામાં આવ્યા.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નવનાત ભગિની અને લાઇફ ગ્લોબલ યુ.કે.ની વિઝનરી લીડરશીપ અને માનવલક્ષી કાર્યોની પ્રશંસા કરી અને તેમના કાર્યમાં ભાગીદારી માટે શુભેચ્છાઓ પાઠવી. લાઇફ ગ્લોબલ યુ.કે. ના ટ્રસ્ટીઓ અને એમ્બેસેડર્સએ સૌને પ્રોજેક્ટ લાઇફ, રાજકોટની રૂબરૂ મુલાકાત લેવા અને માનવલક્ષી પ્રવૃત્તિઓનો અનુભવ કરવા આમંત્રણ આપ્યું.

