ભારત અને યુકે વચ્ચે સહકારના નવા અધ્યાયનો પ્રારંભ

Wednesday 15th October 2025 05:57 EDT
 

યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની પહેલી સત્તાવાર ભારત મુલાકાત બંને દેશ વચ્ચેના સંબંધો માટે મહત્વની બની રહી. જુલાઇ 2025માં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર મહોર મરાઇ હતી. સ્ટાર્મરની આ મુલાકાત વેપાર કરારને વાસ્તવિક કાર્યાન્વિત કરવાની તકસમાન બની રહી હતી. વેપાર ઉપરાંત બંને દેશ સંરક્ષણ, ટેકનોલોજી, પર્યાવરણ, ઉચ્ચ શિક્ષણ અને જનસંપર્ક જેવા ક્ષેત્રોમાં સહકારની નવી દિશાઓ ખોલવામાં પણ સફળ રહ્યાં હતાં.
એકતરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ટેરિફનો ડર બતાવીને પોતાનું ધાર્યું કરાવવા ધમપછાડા કરી રહ્યાં છે ત્યારે બ્રિટન સાથેના સંબંધો વધુ મજબૂત બનાવીને ભારતે ટ્રમ્પને સીધો સંદેશ પાઠવી દીધો છે કે વેપાર માટે અમારા માટે આખું જગત ખુલ્લું છે. સ્ટાર્મરની આ મુલાકાત દરમિયાન ન કેવળ ઇન્ડિયા યુકે જોઇન્ટ ઇકોનોમિક કમિટીને પુનર્જિવિત કરાઇ પરંતુ બંને દેશના બિઝનેસ લીડર્સ પણ પરસ્પરને લાભ થાય તેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવા સહમત થયાં હતાં. બ્રેક્ઝિટ બાદ ખાડે ગયેલા બ્રિટિશ અર્થતંત્રને બચાવવા સ્ટાર્મર સરકાર હવાંતિયા મારી રહી છે ત્યારે ભારતની 64 કંપની યુકેમાં 1.3 બિલિયન પાઉન્ડ કરતાં વધુનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી ચૂકી છે. જેના પગલે ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝમાં 7000 નવી નોકરીઓનું સર્જન થશે.
સ્ટાર્મરની આ મુલાકાત ભારત માટે પણ ફળદાયી રહી છે. મુક્ત વેપાર કરાર અંતર્ગત ભારતીય માલસામાન અને સર્વિસિઝને બ્રિટિશ બજારોમાં ઓછા ટેરિફ પર મોકળું મેદાન મળી રહેવાનું છે. બ્રિટિશ કંપનીઓ પણ ભારતમાં મૂડીરોકાણ કરવા આતુર બની છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ આપતી રિવોલ્ટ કંપની ભારતમાં રૂપિયા 340 કરોડનું રોકાણ કરવા જાહેરાત કરી ચૂકી છે તો ગ્રાફકોર સેમીકન્ડક્ટર ચિપ કંપની 1 બિલિયન પાઉન્ડનું રોકાણ કરે તેવી સંભાવના છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વેપાર કરારને અસરકારક રીતે અમલી બનાવાશે તો વર્ષ 2035 સુધીમાં બંને દેશ વચ્ચેના વેપારમાં બિલિયનો પાઉન્ડનો વધારો થઇ શકે છે.
ભારત અને યુકે વચ્ચે ટેકનોલોજિકલ અને ઇનોવેશન પાર્ટનરશિપ પણ મજબૂત બનવા જઇ રહી છે. બંને દેશ જોઇન્ટ સેન્ટર ફોર એઆઇ સાથે કનેક્ટિવિટી એન્ડ ઇનોવેશન સેન્ટરની રચના માટે સહમત થયાં છે. જેના માધ્યમથી બંને દેશ વચ્ચે નેક્સ્ટ જનરેશન નેટવર્ક્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, સાયબર સિક્યુરિટી અને એઆઇ રિસર્ચમાં ભાગીદારી વધશે. બંને દેશ મહત્વના ખનીજોની સપ્લાય ચેઇન મજબૂત બનાવવા અને ક્લાઇમેટ ટેકનોલોજીમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા પણ સાથે મળીને કામ કરશે.
સંરક્ષણ સેક્ટરમાં ભારત અને યુકે વચ્ચે મલ્ટીરોલ મિસાઇલ સિસ્ટમ માટે મહત્વનો કરાર કરાયો હતો જે અંતર્ગત બ્રિટન ભારતને મલ્ટીરોલ મિસાઇલ આપશે. તેનાથી ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં પણ વધારો થશે. આ સોદા દ્વારા ભારતે ફરી એકવાર વિશ્વને સંદેશ આપ્યો છે કે અમે ફક્ત રશિયા કે અમેરિકા પર આધારિત રહેવાના નથી પરંતુ અમારી સંરક્ષણ જરૂરીયાતો માટે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી મેળવવા ગમે તે દેશ સાથે સહકાર સાધી શકીએ છીએ. બંને દેશ મેરીટાઇમ સિક્યુરિટી મજબૂત બનાવવા પણ સહમત થયાં છે.
તે ઉપરાંત યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલવા જઇ રહી છે. વિશ્વકક્ષાની આ યુનિવર્સિટીઓના ભારતમાં આગમનથી ભારતીય વિદ્યાર્થીઓને ઘરઆંગણે વિશ્વકક્ષાનું શિક્ષણ ઉપલબ્ધ બની શકશે. જે ભારતમાંથી થઇ રહેલા બ્રેઇન ડ્રેઇનને પણ અટકાવશે.
આમ વડાપ્રધાન સ્ટાર્મરની ભારત મુલાકાત બંને દેશ માટે વિન વિન પરિસ્થિતિ લઇને આવી છે. ભારતને વેપાર માટે બ્રિટન જેવા વિકસિત દેશના બજારની જરૂર છે તો બ્રિટનને પણ ભારતના વિશાળ બજારની જરૂર છે. બંને દેશે સંખ્યાબંધ સેક્ટરમાં સહકારના દ્વાર ખુલ્લા મૂકીને અર્થતંત્રો માટે નિર્ણાયક નિર્ણયો લીધાં છે. આ સહકાર અને મિત્રતા બંને દેશની જનતા માટે ખુશહાલી લઇને આવશે તે બાબત નિર્વિવાદિત બની રહેશે.


comments powered by Disqus