હું ચેતવણી આપી જ દઉં છું કે આ લેખ દર વખત કરતાં પણ વધુ વિવાદાસ્પદ બની રહેવાનો છે અને આ બાબતે હું કોઈ માફી માગીશ નહિ. આ વિશ્વ એવા લોકોનું બનેલું છે જો રડારથી પણ નીચે રહે છે અને તમામ સંઘર્ષોને ટાળે છે, એવા પણ લોકો છે જેઓ તુષ્ટિકરણ અને તેમની પીઠ થાબડવામાં આવે તે માટે ગમે તે કરી છૂટશે. આ સાથે એવા પણ ઘણાં થોડા લોકો છે, જેઓ જેવું છે તેવું કહેવાની હિંમત રાખે છે. અત્યાર સુધી તમે સમજી ગયા હશો કે હું આ ત્રીજી કેટેગરીમાં આવું છું.
આ સપ્તાહે આપણે 21મી સદીના તારણહાર ટ્રમ્પના તડાકાભડાકા જોયાં છે જેમણે સમગ્ર મિડલ ઈસ્ટના પ્રશ્નો ઉકેલી નાખ્યા અને આ વિસ્તારમાં શાંતિ સ્થાપી દીધી. તેઓ એમ માને છે કે તેમણે ઈઝરાયેલ અને પેલેસ્ટિનીઓ વચ્ચે શાંતિ સ્થાપી છે. તેઓ એમ પણ માને છે કે આ પ્રક્રિયામાં તેમને અન્ય સ્થાનિક ખેલાડીઓ પાસેથી શાંતિ સ્થાપવાનો અધિકૃત પરવાનો મળી ગયો છે. આમ છતાં, મને કહેવા દો કે આ તરંગી ભૂમિ પરનાં વાદળાં જેવો ખેલ છે.
જે દિવસે ટ્રમ્પે હમાસ વિરુદ્ધ પોતાના વિજયની ઘોષણા કરી ત્યારે જ મેં X પર આ મુજબ લખાણ પોસ્ટ કર્યું હતું: ‘બ્રેકિંગ ન્યૂઝ એવા છે કે પેલેસ્ટિની ત્રાસવાદીઓ હમાસ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે હમાસે છેલ્લે ક્યારે પોતાનું વચન કે ખાતરી પાળ્યાં છે! જ્યાં સુધી હમાસ અને તેઓ જેની મહેચ્છા રાખે છે તે માનસિકતા અને વિચારધારા અસ્તિત્વ ધરાવશે ત્યાં સુધી કોઈ પ્રકારની શાંતિ નહિ થાય. આ લોકો રાક્ષસો છે, જેમણે પોતાને બચાવવા પોતાના જ લોકોનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો હતો. એવા રાક્ષસ જેમના લોકો ભૂખે મરતા હોય ત્યારે પોતે મિજબાની ઉડાવતા હોય. એવા રાક્ષસો જેમણે તમામ યહુદીઓનો અંત લાવવાની પ્રતિજ્ઞા કરી હોય. જો પેલેસ્ટિનીઓને સાચી શાંતિ જોઈતી હોય તો તેમણે પહેલું પગલું હમાસની સંપૂર્ણ નાબૂદીનું ભરવું જોઈશે.’
હું સ્વીકારું છું કે આ તદ્દન નિર્દયતાપૂર્ણ છે, પરંતુ સત્ય એ છે કે મોટા ભાગના રાજકારણીઓ ત્યાં જવાની હિંમત રાખતા નથી, અને સત્ય હકીકત એ પણ છે કે મોટા ભાગનું મીડિયા આને ટાળે છે-દીવાલ પરનું લખાણ વાંચવાની કે કહેવાની કોઈની હિંમત નથી. પશ્ચિમે પેલેસ્ટિનીઓને હમાસ ત્રાસવાદીઓથી અલગ પાડવાનો પ્રયાસ કર્યો છે. ત્રાસવાદી હમાસની નિંદા કરવાની અને પેલેસ્ટિની લોકોને બચાવવાની આ તેમની પદ્ધતિ છે. હું એક બાબતે ખાસ સ્પષ્ટ થવા ઈચ્છું છું કે હમાસ અને પેલેસ્ટિનીઓ વચ્ચે કોઈ જ તફાવત નથી. સાદા તર્કનો ઉપયોગ કરવાથી તમને સમજાશે કે હમાસના મોટા ભાગના સભ્યો સામાન્ય પેલેસ્ટિની વસ્તીમાંથી જ આવેલા છે અને કેટલાક વધારાના આતંકવાદીઓ પડોશના અન્ય દેશોમાંથી આવે છે.
જ્યારે ‘હમાસ’ દ્વારા 7 ઓક્ટોબર 2023ના દિવસે ઈઝરાયેલ પર હુમલો કરાયો ત્યારે ગાઝાની શેરીઓ અને વેસ્ટ બેન્ક વિસ્તાર પણ પેલેસ્ટિનીઓથી ઉભરાઈ ગયો હતો જેઓ ઈઝરાયેલીઓની સામૂહિક હત્યા અને બળાત્કારોની ઊજવણી કરવા બહાર આવી ગયા હતા. વાસ્તવમાં, આપણે મિડલ ઈસ્ટના ઘણા દેશોમાં આ પ્રકારની ઊજવણીઓ થતી નિહાળી હતી.
હમાસ ચળવળની સ્થાપના પેલેસ્ટિની ઈસ્લામિક વિદ્વાન અહમદ યાસીન દ્વારા 1987માં કરાઈ હતી. અગાઉના તમામ ‘ફરજિયાત પેલેસ્ટાઈન’ રાષ્ટ્રની રચના કરવાના ઈસ્લામિક સંદર્ભમાં પેલેસ્ટિની રાષ્ટ્રવાદિતાને હમાસ દ્વારા ઉત્તેજન અપાયું હતું. આ ‘મેન્ડેટરી પેલેસ્ટાઈન’ ટર્મિનોલોજી પર ધ્યાન આપજો, ઈઝરાયેલની નાબૂદીને જાહેર કરવા આ ચાવીરુપ શબ્દગુચ્છનો ઉપયોગ કરાયો છે. તેઓની ‘નદીથી સમુદ્ર સુધી’ જાહેર કરાયેલી નીતિ જ તેમની મહેચ્છા છે, જેનો અર્થ જોર્ડન નદીથી મેડિટેરેનીઅન (ભૂમધ્ય) સમુદ્ર સુધીની તમામ ભૂમિનો સંપૂર્ણ કબજો લેવાનો એટલે કે તમામ જ્યૂઝની નેસ્તનાબૂદી કરવાનો થાય છે.
ટ્રમ્પની 20 મુદ્દાની તથાકથિત શાંતિયોજના પેલેસ્ટિનીઓની માગણીઓ સંબંધિત કશાંનું પણ નિરાકરણ લાવતી નથી. પેલેસ્ટિનીઓએ કદી પણ હમાસની વિચારધારાને નકારી નથી. તેમણે હજુ સુધી ‘નદીથી સમુદ્ર સુધી’ના હાર્દરૂપ લક્ષ્યને વખોડી કાઢ્યું નથી. આ કામચલાઉ યુદ્ધવિરામ માટે એકમાત્ર કારણ એ છે કે ઈઝરાયેલે ગાઝાનો નાશ કર્યો છે અને બાકી રહેલા હોસ્ટેજીસ-બંધકોને પરત મેળવવાનો માર્ગ છે. એક વખત આ હેતુ સિદ્ધ કરી લેવાશે તેની સાથે હમાસ પાસેની સોદાબાજી કરવાની છેલ્લી કૂકરી પણ જતી રહેશે.
ટ્રમ્પ અને ખુશીનાદ ગજાવતી તેમની પશ્ચિમી દેશોના નેતાઓની ટોળી ગાઝાના જોરદાર રિડેવલપમેન્ટના પ્લાનને આગળ ધરી રહી છે અને તે માટે મોટા ભાગના નાણા આ પ્રદેશમાંથી જ આવશે. આ કદાચ સાચું હોઈ શકે છે અને આપણે ગાઝાનો પુનઃવિકાસ થતો અને પેલેસ્ટિનીઓને ફરીથી ઘરભેગાં કરવામાં આવે તે નિહાળવાનું છે. જોકે, પેલેસ્ટિનીઓ માટે, કટ્ટર ઈસ્લામવાદીઓ માટે તો આ તેઓ જે ખરેખર ઈચ્છે છે એટલે કે ઈઝરાયેલનો અંત હાંસલ કરવાની સમયરેખામાં સાંકેતિક અવાજ માત્ર છે.
મને ડર છે કે ટકાઉ શાંતિ એ માત્ર નાઉમેદ ઈચ્છા જ છે. એવી આસ્થા કે ધર્મ જે તમામ નોન-બિલિવર્સને ‘કાફિર’ તરીકે જાહેર કરતો હોય તથા આ ધર્મના અનુયાયીઓને યેનકેનપ્રકારેણ આ ‘કાફિર’ના ધર્માન્તરણ કરવા, તેમને ગુલામ બનાવવા અથવા તેમને ખતમ કરવાનો આદેશ આપતો હોય તેવી ઈસ્લામિસ્ટ વિચારધારામાં નોંધપાત્ર પરિવર્તન ના થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ટકાઉ શાંતિની તક મને તો જણાતી નથી. જમ્મુ અને કાશ્મીરમાં આ જ વિચારધારા કામ કરતી હતી તે યાદ હશે. દરેક મસ્જિદમાંથી એક જ હાકલ કરાતી હતી, ‘રાલિવ, ગાલિવ, ચાલિવ (Ralive, Galive, Chalive)’, એવો શબ્દસમૂહ જેનો અર્થ થતો હતો,‘ધર્માન્તર કરો, મરી જાઓ અથવા ચાલ્યા જાઓ’.
હજારો વર્ષો કરતાં વધુ સમયથી માત્ર બે ધર્મ – હિન્દુત્વ અને જ્યૂડાઈઝમના અનુયાયીઓ કહેતા આવ્યા છે કે અન્યોનું ધર્માન્તરણ કરાવાની તેઓની કોઈ જ ઈચ્છા નથી. આપણે એ પણ ન ભૂલીએ કે ક્રિશ્ચિયાનિટીનો ફેલાવો પણ તલવારના જોરે જ કરાયો હતો. જ્યારે ઈસ્લામ અસ્તિત્વમાં આવ્યો ત્યારે અબ્રાહમના બે સંતાનો સેંકડો વર્ષ સુધી પ્રભુત્વ માટે લડતા રહ્યા. આ બે પુરાણા દુશ્મનો વચ્ચેના યુદ્ધોથી વિશ્વમાં અરાજકતા ફેલાઈ જે આપણે આજે પણ જોઈએ છીએ. જોકે, ખ્રિસ્તીઓ હોશિયાર રહ્યા અને તેમણે સમયાનુસાર તેમના ગ્રંથોના અર્થઘટનોમાં સુધારા કર્યા. બીજી તરફ, ઈસ્લામ આજે પણ 7મી સદીમાં જ અટવાયેલો રહ્યો છે. રુમમાં રહેલો હાથી મહાકાય છે, પરંતુ લોકો સત્યનો સામનો કરવો ન પડે તે માટે રેતીમાં માથું નાખીને પડ્યા છે.
મને ઈઝરાયેલ અને તેના દુશ્મનો વચ્ચે ટકાઉ શાંતિ જળવાઈ રહે તેના કોઈ જ અણસાર જણાતા નથી કારણકે ઈઝરાયેલના દુશ્મનો જ આમ કદી થવા દેશે નહિ. જોકે,માનવતાને ખાતર હું ખોટો પડું તો પણ મને ગમશે.

