તેલઅવીવઃ સોમવારે ઇજિપ્તના શર્મ અલ-શેખ શહેરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા અને તેને ખૂબ જ ખાસ ગણાવ્યું. ટ્રમ્પે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે પરિષદનું નેતૃત્વ કર્યું. આ પરિષદમાં 20થી વધુ દેશોના નેતાઓ હાજર હતા, પરંતુ ઇઝરાયલ અને હમાસને આમંત્રણ અપાયું નહોતું.
ઇઝરાયલે 250 કેદી મુક્ત કર્યા
13 ઓક્ટોબરે હમાસે 20 બંધકોને ઇઝરાયલને સોંપ્યા, જેની સામે ઇઝરાયલ દ્વારા પણ જેલોમાં બંધ 250 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓને લેવા રેડ ક્રોસની એક ટીમ ઓફેર જેલ પહોંચી હતી. બાકીના 142 પેલેસ્ટિનિયન કેદીઓને વેસ્ટ બેંકથી મુક્ત કરવામાં આવ્યા.
નેતન્યાહૂએ ટ્રમ્પને શ્રેય આપ્યો
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ યુએસ પ્રમુખનાં વખાણ કરતાં જણાવ્યું કે, ટ્રમ્પની દૃઢ નિશ્ચયી મદદ અને સાતત્યપૂર્ણ પ્રયાસ અને ઈઝરાયલના સૈનિકોના અદમ્ય સાહસના પગલે આ થઈ શક્યું છે. ટ્રમ્પ આરબ વિશ્વને સાથે લાવ્યા છે અને મોટા ભાગનું વિશ્વ તેમની સાથે છે. તેમની પીસ પ્રપોઝલથી યુદ્ધનો અંત આવ્યો હતો.
આજે બંદૂકો ચૂપ છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
હમાસ દ્વારા બંધકોને મુક્ત કરાયા પછી સેનેટનું સ્પેશિયલ સેશન યોજાયું, જેમાં ટ્રમ્પના યોગદાનને બિરદાવતા ઇઝરાયલી સાંસદોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ સમયે ટ્રમ્પે કહ્યું કે, મિડલ ઈસ્ટમાં આ ઐતિહાસિક પ્રભાતનો ઉદય છે. ઘણાં બધાં વર્ષોના અવિરત યુદ્ધ અને ભયાનકતા પછી આજે આકાશ શાંત છે, બંદૂકો ચૂપ છે.
ઇઝરાયલ શું છે તેની દુશ્મનોને ખબર પડી ગઈ હશેઃ નેતન્યાહૂ
હમાસના કબજાથી 20 યહૂદી બંધકોને છોડાવાયા બાદ ઈઝરાયલના સંસદમાં નેતન્યાહૂએ આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, ઇઝરાયલ શું છે તેની તેના દુશ્મનોને ખબર પડી ગઈ હશે. ઇઝરાયલ તેના પર હુમલો કરનારાના શું હાલ કરે છે તે તેના દુશ્મનોએ જોઈ પણ લીધું છે. ઇઝરાયલે આ યુદ્ધની ભારે કિંમત ચૂકવી છે, પરંતુ અમારા દુશ્મનોને પણ ખબર પડી ગઈ કે ઈઝરાયેલ શું છે. અમે ઇરાદાના કેટલા પાકા છીએ.
ભારત-પાક. સરસ રીતે રહેશેઃ ટ્રમ્પ
ભારત મારા એક સારા મિત્ર સાથે એક મહાન દેશ છે અને તેમણે તાજેતરમાં સારુ કામ કર્યું છે અને મને લાગે છે કે પાકિસ્તાન અને ભારત એકસાથે સારીરીતે રહેવા જઇ રહ્યા છે તેમ ટ્રમ્પે સમિટને સંબોધતા કહ્યું હતું. એ પછી તેઓ પોતાની પાછળ ઊભા રહેલા પાકિસ્તાનના પીએમ શરીફ બાજુ ફર્યા હતા અને તેમણે સવાલ કર્યો હતો કે બરોબર છે ને. એને પગલે બન્ને નેતાઓ થોડાક હસ્યા હતા અને ટ્રમ્પે કહ્યું હતું કે હા, તેઓ રહેશે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ બાદ ટ્રમ્પ ગાઝાના ભાવિ અંગે યોજાનારી વૈશ્વિક સમિટમાં ભાગ લેવા ઇજિપ્ત પહોંચ્યાં હતાં.
ટ્રમ્પના પ્રયાસોને અમારું સમર્થનઃ પીએમ મોદી
હમાસ દ્વારા યુદ્ધવિરામની શરતો અંતર્ગત ઈઝરાયેલના તમામ 20 બંધકોને મુક્ત કરવાના પગલાંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકાર્યું હતું. વડાપ્રધાન મોદીએ આ મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ગાઝામાં શાંતિ સ્થાપવાના પ્રમુખ ટ્રમ્પના પ્રામાણિક પ્રયાસોને ભારતનું સંપૂર્ણ સમર્થન છે.

