લાખો ગાઝાવાસીઓને નર્કાગારમાં ધકેલી દેનારું યુદ્ધ...

Wednesday 15th October 2025 05:58 EDT
 

આખરે 13 ઓક્ટોબર 2025ના રોજ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો કહેવાતો અંત આવી ગયો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા પીસ પ્લાન અંતર્ગત હમાસે યહૂદી બંદીઓને મુક્ત કર્યાં અને સામે પક્ષે ઇઝરાયેલે પેલેસ્ટિની કેદીઓને છોડી દીધાં. હાલ પુરતી તો ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થપાઇ છે પરંતુ એ એટલી નાજુક છે કે ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે.
ગુજરાતીમાં કહેવત છે કે બે આખલાની લડાઇમાં દિવાલનો ખો નીકળે છે. આ કહેવત ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં યથાર્થ પૂરવાર થાય છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરાયો જેમાં 1200થી વધુ યહૂદીઓનાં મોત થયાં અને 251 લોકોને બંદી બનાવીને ગાઝાપટ્ટીમાં ઉઠાવી જવાયાં. ત્યારબાદ બે વર્ષ ચાલેલા યુદ્ધમાં ગાઝા પટ્ટીમાં વેરાયેલો વિનાશ ધ્રુજાવી દેનારો છે. 365 ચોરસ મીટરની ગાઝાપટ્ટીમાં વસતા 21 લાખ પેલેસ્ટિનિયનોના જીવન નર્કાગાર બની ગયાં હતાં. બે વર્ષના આ યુદ્ધમાં ગાઝામાં દર 10માંથી એક વ્યક્તિનું મોત થયું અથવા તો ઇજા પહોંચી હતી અને 9 વિસ્થાપિત બન્યાં. દર 100માંથી 4 બાળક અનાથ બન્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા પ્રમાણે ઇઝરાયેલી હુમલાઓમાં 67,000 કરતાં વધુના મોત થયાં અને 1,70,000ને ઇજા પહોંચી જેમાંથી 40,000 કરતાં વધુને કાયમી વિકલાંગતા આપતી ઇજાઓ થઇ. હજુ કાટમાળ હેઠળ કેટલાં લોકોના મૃતદેહ દટાયેલાં છે તેનો કોઇ અંદાજ નથી.
આ યુદ્ધમાં ન કેવળ હજારો જીવનદીપ બુઝાયા પરંતુ માલમિલકતને પણ વ્યાપક નુકસાન થયું. ગાઝામાં દર 10 ઇમારતમાંથી 8 ધરાશાયી થઇ ગઇ છે. દર 10માંથી 9 ઘર કાટમાળ બની ગયાં છે. ખેતીની દર 10 એકર જમીન પૈકી 8 એકર જમીન બિનઉપજાઉ બની ગઇ છે.
આમ બે આખલાની લડાઇમાં ભોગવવાનું તો ગાઝાપટ્ટીના સામાન્ય લોકોને જ આવ્યું છે. ઇરાનના ખૂંટે કૂદતા હમાસના આતંકવાદીઓએ આમ જનતાનો વિચાર કર્યાં વિના આંધળુકિયું તો કરી નાખ્યું પરંતુ ઇરાન સમર્થિત હિઝબુલ્લા, હૂથીના સહકાર છતાં ઇઝરાયેલનો વાળ વાંકો ન કરી શક્યાં. ઉલટાનું ગાઝાપટ્ટીમાં મોતે તાંડવ કર્યું અને હજારો પરિવારો આજે ભૂખમરા, ગરીબી, લાચારીના નર્કમાં ધકેલાઇ ગયાં.
એ વાતમાં કોઇ શંકા નથી કે હજારોની આહૂતિ છતાં દાયકાઓથી ચાલ્યા આવતા ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદનો અંત આ યુદ્ધ પણ લાવી શક્યું નથી. નિર્ણાયક પરિણામ વિનાનું યુદ્ધ વધુ વિનાશ લઇને આવે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે પરંતુ ગાઝાવાસીઓની નિઃસહાયતા હૃદયને હચમચાવી દેનારી છે.


comments powered by Disqus