આપણા એશિયન સમાજમાં વ્યક્તિની શારિરીક કે માનસિક વિકલાંગતા હોય તો શરમ અને સંકોચ અનુભવાય છે. વાસ્તવિકતાથી દૂર ભાગવા સમાજમાં હળવા-મળવાથી અંતર રાખવામાં આવે છે. સમાજની આ દિવાલ તોડી સત્યનો સ્વીકાર કરી આત્મ વિશ્વાસ કેળવવાની જરૂરિયાત સમજી એ અંગે લોકોમાં જાગૃતિ આવે, સમજ કેળવાય એ માટે આવા સંજોગના શિકાર બનેલ કેટલાક સમકક્ષી કુટુંબોએ ભેગાં મળી સમાજમાં બદલાવ લાવવાનું સાહસ કર્યું. પરિણામ સ્વરૂપ ‘આશિયાના ટ્રસ્ટ’ની સ્થાપના ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૦ના રોજ થઇ.
આ ટ્રસ્ટે શનિવાર ૪ ઓક્ટોબર’૨૫ના રોજ એના ૨૫ વર્ષની ઉજવણી વોટફર્ડની હિલ્ટન હોટેલમાં કરી. પ્રેમ અને મૈત્રીના સંદેશને ઉજાગર કર્યો. આ ઉજવણીમાં આ પ્રવૃત્તિના ટેકેદારો અને શુભચ્છકો હાજર રહ્યા હતા. “ગુજરાત સમાચાર” અને ”એશિયન વોઇસ’ના પ્રતિનિધિને પણ આમંત્રણ મળ્યું હતું. વિકલાંગોને પણ તક મળે તો પોતપોતાના કૌશલ્યનો વિકાસ કરી પોતે પણ કંઇક કરી શકવા સમર્થ છે એવો આત્મ વિશ્વાસ કેળવી શકાય છે એનો આ ઉજળો દાખલો હતો.
આ પ્રસંગે બાળકોએ, યુવાઓેએ ગીત-સંગીત-નૃત્ય અને ભોજનનો આસ્વાદ માણ્યો.સ્થાપક ટ્રસ્ટી શ્રી અરવિંદભાઇ જોષીએ સૌનું સ્વાગત કર્યું અને સંસ્થાની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો.
એના સ્થાપકોમાં શ્રી અરવિંદભાઇ જોષી જે એના એક ટ્રસ્ટી છે અને એમની દિકરીના કેરર પણ છે. આ કુટુંબે શરૂઆતમાં ખૂબ જ સંઘર્ષ વેઠ્યો. એમણે અને સહસ્થાપક સભ્ય હરેશભાઇ ત્રિવેદી જેઓ પણ એમની દિકરીના કેરર હતા તેમણે ભેગાં મળી એશિયન સમાજમાં જેઓને “લર્નીંગ ડિસેબીલીટી’ છે એવા બાળકો, યુવાઓ અને પુખ્તવયના માટે એક ચેરિટી શરૂ કરવાનું નક્કી કર્યું. ભગવાન સત્ય સાઇબાબાના સૂત્ર “ Love all, Serve All’ (સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો)માંથી પ્રેરણા લીધી. એમની સાથે યશ હિંડોચા, યોગેશ તેલી - ચેર પણ જોડાયાં. એમના આ સેવા યજ્ઞમાં ભરત સોલંકી (નિવૃત્ત સોલીસીટર) અને યોગા શિક્ષક ભરત મહેતા, શ્યામ ઠકરાર (બેરીસ્ટર - કોમર્શીયલ અને એમ્પલોયમેન્ટ નિષ્ણાત), સોનલ પારેખ (તેલી) -સોલીસીટર ફેમીલી લો ના નિષ્ણાત વગેરેનો સાથ મળ્યો અને વિકાસની દિશામાં આગેકૂચ થઇ.
અગાઉ દર મહિને થતી પ્રવૃત્તિઓ હવે પ્રતિ સપ્તાહે થવાની શરૂ થઇ. સમયાંતરે એને ચેરિટીનું સ્ટેટસ મળ્યું. વર્ષો વીતતાં હિંમત અને આત્મ વિશ્વાસ વધતાં ગયા. હવે તો દર શનિવારે યોગ, બોલીવુડ ડાન્સીંગ, સ્પીચ અને ભાષા શિક્ષણ, બેડમિંગ્ટન વગેરે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે અને એમાં ઉમેરો થતો રહે છે.
હોલીડેસમાં ટ્રીપનું આયોજન, નેશનલ સેવા ડે જેવા પ્રસંગોએ ભાગ લેવા સહિતની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ગયો. એ સાથે એમની તાકાતમાં વધારો થયો.
એમના ટ્રસ્ટની સમાજમાં પ્રતિષ્ઠા વધી અને હાઉસ ઓફ પાર્લામેન્ટમાં ઉજવણી માટે આમંત્રણ મળ્યું. “કીડ્સ કાઉન્ટ ઇન્સ્પીરેશન એવોર્ડ્સ’મળ્યો જે સંસ્થાઓ અને વ્યક્તિઓને સમાજમાં યુવા વ્યક્તિઓ માટે પ્રેરણા પૂરી પાડવામાં સહાયરૂપ થાય છે તેને અપાય છે. ૧૨ ઓક્ટોબરે લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે યોજાયેલ દિવાળી કાર્યક્રમમાં ય તેઓએ ભાગ લીધો. બીજાને મદદરૂપ થવામાં જાતિ, ધર્મ, વર્ણ જેવા ભેદભાવ ન હોય અને સૌને સમાન હક્ક, માન-સમ્માન મળે એવું ”આશિયાના”ના કાર્યકરો દ્રઢપણે માને છે. સૌના સાથ-સહકારથી “આશિયાના’ મૈત્રી અને પ્રેમનું નિવાસસ્થાન બની ગયું છે.
જો કે, આ અંગે હજુ સમાજમાં વધુ જાગ્રતતા લાવવાની જરૂર છે. આશા રાખીએ કે આવી સંસ્થાઓ વધુ સ્વીકાર્ય બને અને એમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવામાં આવે.

