દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા બહુચર્ચિત IRCTC હોટેલ કૌભાંડમાં આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ, તેમનાં પત્ની રાબડીદેવી અને લાલુના પુત્ર તેજસ્વી યાદવ સામે ચાર્જીસ ઘડવામાં આવ્યા છે. જેને કારણે તેમની સામે હવે કોર્ટમાં કેસ ચલાવાશે.
• ભારત-અમેરિકા વેપાર પર ફરીથી વાત થશેઃ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો ફરી શરૂ થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, વેપાર વાટાઘાટો માટે આ સપ્તાહે એક ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકાનો પ્રવાસ કરશે. જે બાદ વેપાર સમજૂતીને અંતિમ ઓપ અપાશે.
• કેનેડાના વિદેશમંત્રીની પીએમ, જયશંકર સાથે બેઠકઃ કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમએ કહ્યું કે, તેમનો પ્રવાસ બંને દેશ વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને ગતિ આપશે.
• કફ સિરપ બનાવતી કંપની સામે કાર્યવાહીઃ મધ્યપ્રદેશમાં 23 બાળકોનાં મોતને ઘાટ ઉતારનારી કફ સિરપ બનાવતી કંપની સીલ કરી ડિરેક્ટર જી. રંગનાથનની ધરપકડ કરાઈ છે.
• ચીન દ્વારા રેર અર્થ કંટ્રોલથી નારાજ ટ્રમ્પઃ ચીને અમેરિકા નિકાસ થતા રેરઅર્થની સપ્લાય કંટ્રોલ કરતાં અમેરિકાએ ચાલુ 30 ટકા ટેરિફની ઉપર વધુ 100 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે નવા ટેરિફ 1 નવેમ્બરથી લાગુ થશે.
• ટ્રમ્પની પુતિનને ચેતવણીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ જતા સમયે તેઓની સાથેના પત્રકારોને ‘એરફોર્સ-વન’માં રશિયાના પ્રમુખ પુતિનને કઠોર સંદેશો આપતાં કહ્યું હતું કે, ‘યુદ્ધ બંધ કરો નહીં તો અમે યુક્રેનને ટોમ હોક મિસાઈલ્સ આપીશું.’
• પાકિસ્તાનમાં સેંકડો અફઘાની ફસાયાઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સર્જાયેલા ઘર્ષણને પગલે પાકિસ્તાનમાં સેંકડોની સંખ્યામાં અફઘાન નાગરિકો ફસાયા છે. શનિવારે પાકિસ્તાનના સૈન્ય મથકો પર અફધાનિસ્તાનના હુમલામાં 58 પાકિસ્તાનીનાં મોત થયાં હતાં.
• ગાઝાની જેમ રશિયાના યુદ્ધનો પણ અંત આવી શકેઃ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી ગાઝાનું યુદ્ધ અટકાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઝેલેન્સ્કીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે, જો એક પ્રદેશમાં યુદ્ધ અટકી શકતું હોય તો, રશિયાનું યુદ્ધ પણ ચોક્કસપણ અટકી જ શકે.

