લંડનઃ ઈસ્ટ આફ્રિકામાં જન્મેલા એન્ટ્રેપ્રીન્યોર્સ સંજીત અને કરણ માણેક તેમની ભારે ઝડપથી વિસ્તરતી અને યુકેના હોલસેલ બજારમાં નોંધપાત્ર ખેલાડી બનેલી કંપની સેન્ડેઆ હોલસેલમાં વૃદ્ધિને વેગ આપી રહ્યા છે. મહામારીના ગાળામાં 2019માં સ્થાપના પછી નવીસવી OTC ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક્સ હોલસેલરમાંથી સેન્ડેઆ હોલસેલ FMCG પાવરહાઉસ તરીકે વિસ્તરી દેશ અને વિશ્વમાં સિક્કો જમાવી રહી છે.
ગત ચાર વર્ષમાં આર્થિક પડકારો હોવા છતાં સેન્ડેઆ હોલસેલ કંપનીએ સતત નાણાકીય વૃદ્ધિ હાંસલ કરી છે તેમજ નોકરીઓના સર્જન અને સ્થાનિક કોમ્યુનિટીઓને સપોર્ટ કરવા સાથે યુકેનાં અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. હેરોના 1,000 સ્ક્વેર ફીટના વેરહાઉસમાં શરૂઆત કર્યા પછી સેન્ડેઆ હોલસેલ હવે બે ડેપોમાં 6,000 સ્ક્વેર ફીટના વેરહાઉસ અને 20થી વધુ સેલ્સ, ઓપરેશન્સ અને લોજિસ્ટિક્સ પ્રોફેશનલ્સની સમર્પિત ટીમ સાથે કામ કરે છે
ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગની પશ્ચાદભૂ અને રોયલ હોલોવે, યુનિવર્સિટી ઓફ લંડનની ડીગ્રી સાથે સંજીત માણેક કંપનીમાં સ્ટ્રેટેજિક વિઝન અને નાણાકીય શિસ્ત લાવે છે. તેમના ભાઈ અને બ્રુનેલ યુનિવર્સિટીના ડીગ્રીધારી કરણ માણેક 2023માં બિઝનેસમાં ફૂલટાઈમ જોડાઈને રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં હાંસલ કરેલા કોમર્શિયલ કૌશલ્યનો લાભ આપે છે. ભારે ગતિશીલ કન્ઝ્યુમર ગુડ્ઝ (FMCG) બજારમાં સેન્ડેઆના વિસ્તરણ માટે કરણ માણેક કારણભૂત રહ્યા છે. માણેક પરિવારના કઝીન પ્રિયા વિર્ડી કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જોડાયાં છે અને લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટના અનુભવ થકી સંચાલકીય કાર્યક્ષમતા અને વધતી માગના સંદર્ભે બિઝનેસનો વ્યાપ વધારવા કાર્યરત છે.
સેન્ડેઆ હોલસેલની ઝડપી વૃદ્ધિ અને ઈન્ડસ્ટ્રી પર તેની અસરથી તેને પ્રતિષ્ઠિત યુકે ફાસ્ટ ગ્રોથ ઈન્ડેક્સ 2025માં સ્થાન અપાવ્યું છે જે દેશની સૌથી વધુ ઝડપે વિકસતી કંપનીઓમાં એક તરીકે માન્યતા આપે છે. યુકેના હોલસેલ સેક્ટરમાં માર્કેટ હિસ્સો વધારવા અને પોતાનું સ્થાન મજબૂત બનાવવા સેન્ડેઆ હોલસેલ દ્વારા તાજેતરમાં અગ્રણી પ્રતિસ્પર્ધી સ્વસ્તિક ઈન્ટરનેશનલ પર કબજો મેળવાયો છે. આ કંપની હસ્તક લેવા સાથે સેન્ડેઆનો પ્રોડક્ટ પોર્ટફોલીઓ અને ગ્રાહક આધાર વિસ્તર્યાં છે અને સ્પર્ધાત્મક સરસાઈ તીક્ષ્ણ બની છે. મહત્ત્વાકાંક્ષી વિકાસયોજનાઓને આગળ વધારવા માણેકબંધુઓએ HSBC સાથે ક્રેડિટલાઈન હાંસલ કરી છે જેનાથી કંપનીની ખરીદશક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉભરતાં બજારોમાં વપરાશકારોની માગને પહોંચી વળવા માણેકબંધુઓએ આફ્રિકામાં સેન્ડેઆ હોલસેલને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંજીત અને કરણ માણેક કહે છે કે ‘ઉભરતી પેઢીઓની મહેચ્છા અને જરૂરિયાતોને પહોંચી વળવા અમે સેન્ડેઆને આફ્રિકા લઈ જવા ઈચ્છીએ છીએ. ઝડપથી વિસ્તરતાં અને ભારે ક્ષમતા ધરાવતા બજારોમાં અમારા વિશ્વસનીય ઉત્પાદનો અને સેવાઓ પહોંચાડવાની આ રોમાંચક તક છે.’
આંતરરાષ્ટ્રીય કસ્ટમર બેઝને સપોર્ટ કરવા તેઓ આફ્રિકા ઉપરાંત, મિડલ ઈસ્ટમાં પણ રીજિયોનલ ઓફિસો ખોલવાનું વિચારી રહ્યા છે.
વેપારી સફળતાથી આગળ વધીને માણેક પરિવાર ચેરિટેબલ ઈનિશિયેટિવ્ઝ અને સામુદાયિક સંપર્કો મારફત સામાજિક અસરને પ્રાધાન્ય આપી ઈનોવેશન, ઉત્તરદાયિત્વ અને વિશ્વાસ સાથેની વિરાસતનું નિર્માણ કરવા ધારે છે.

