12 એપ્રિલના રોજ યુકે પાર્લામેન્ટની તાકિદે બોલાવાયેલી બેઠકમાં સ્ટાર્મર સરકારે સ્ટીલનું ઉત્પાદન કરતી બ્રિટનની છેલ્લી ફેક્ટરીનું નિયંત્રણ તેના ચીની માલિકો પાસેથી પોતાને હસ્તક લેવાના ઇમર્જન્સી ખરડાને પસાર કરી દીધો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ સંસદની તાકિદે બોલાવાયેલી આ 6ઠ્ઠી બેઠક હતી. સરકાર હવે બ્રિટિશ સ્ટીલના સ્કનથોર્પે પ્લાન્ટનું રાષ્ટ્રીયકરણ કરવાની દિશામાં આગળ વધી રહી છે.
લેબર સરકાર દ્વારા ઉતાવળે લેવાયેલો નિર્ણય બ્રિટિશ ઇન્ડસ્ટ્રીમાં ચીની ઘૂસપેઠ અને બ્રિટિશ ઉદ્યોગોને મૃતપાય કરવાના ષડયંત્ર સામે મોડે મોડે લાદેલા ડહાપણ સમાન છે. બ્રિટિશ સ્ટીલના આ પ્લાન્ટના બેઇજિંગ સ્થિત માલિકો ધીમું ઝેર આપીને આ ઉદ્યોગને મંદ કરી રહ્યાં હતાં જેથી બ્રિટનને ચીનની સસ્તી આયાતો પર નિર્ભર બનાવી શકાય. આ સ્ટીલ પ્લાન્ટનો ઘટનાક્રમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સહિતના અન્ય મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોમાં ચીની સામેલગીરી સામે પણ ચેતવણીસમાન છે. બેઇજિંગની વ્યૂહરચનાઓની ચકાસણી કરતા નિષ્ણાતો કહે છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી અન્ય દેશોના ઔદ્યોગિક માળખાને જ ધરાશાયી કરવાની ભયજનક નીતિ અપનાવી રહી છે તેમ છતાં આપણે આપણા જ વિનાશ માટે બેઇજિંગના હાથા બની રહ્યાં છીએ.
બ્રિટિશ સ્ટીલમાંથી પદાર્થપાઠ લઇને યુકેના અત્યંત મહત્વના ઉદ્યોગો અને સેક્ટરોમાં ચીની રોકાણની પુનઃસમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે. જે સેક્ટરોમાં ચીન અને બ્રિટન સાથે મળીને કામ કરી શક્તાં નથી તેવા સેક્ટરોમાં કામ કરતી ખાનગી માલિકીની કંપનીઓ પણ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સીધું જોડાણ ધરાવતી હોવાનું સામે આવ્યું છે. ખંધો ચીન તેના ઉત્પાદનોનું બજાર જાળવી રાખવા માટે કઇ હદે જઇ શકે છે તેનું આ વરવું ઉદાહરણ છે.
ચીન એકતરફ વિકાસશીલ અને ગરીબ દેશોને પોતાની લોનની માયાજાળમાં ફસાવીને પોતાના ઉત્પાદનોનું ગુલામ બનાવી રહ્યો છે તો વિકસિત દેશોના ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરોમાં મૂડીરોકાણ કરીને ખોખલા બનાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યો છે. સ્ટીલ કોઇપણ દેશના વિકાસ માટે અત્યંત આવશ્યક કોમોડિટી છે. ટાટા સ્ટીલનો પ્લાન્ટ કામ કરતો બંધ થયો છે ત્યારે દેશની જરૂરીયાત માટે બ્રિટિશ સ્ટીલ પરનો આધાર વધી ગયો હતો. પરંતુ તેના ચીની માલિકો દ્વારા કંપનીને માંદી કરીને ચીની સ્ટીલ બ્રિટનમાં ઘૂસાડવાનો કારસો હવે સ્ટાર્મર સરકારની સમજમાં આવી ગયો છે. તેના કારણે જ તાકિદના ધોરણે સંસદની બેઠક બોલાવી બ્રિટિશ સ્ટીલ સરકાર હસ્તક લેવાનો ડહાપણભર્યો નિર્ણય લેવાયો છે.
સ્ટાર્મર સરકારે હવે અન્ય સેક્ટરોમાં પણ હાવી થઇ ગયેલા ચીની રોકાણો અને કંપનીઓ સામે સાવધ વ્યૂહરચના અપનાવવી પડશે. લશ્કરી યુદ્ધ કરતાં પણ વેપાર યુદ્ધ ઘણું ખતરનાક હોય છે. વેપાર યુદ્ધ દેશને આર્થિક ગુલામી તરફ ઢસડી શકે છે. જાગ્યા ત્યાંથી સવાર. બ્રિટને હવે ચીની ખંધાઇ સામે સાહસિક નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે.