સત્તાનો મદ આપખુદશાહીને નોતરું આપે છે તેનું તાદ્દશ ઉદાહરણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બની રહ્યાં છે. અમેરિકન પ્રમુખ જાતે સ્વીકારી રહ્યાં છે કે હું કોઇ વ્યૂહરચના નહીં પરંતુ મારી મરજી પ્રમાણેના નિર્ણય લઉં છું. ટ્રમ્પના અત્યાર સુધીના નિર્ણયો અને જાહેરાતો પણ સ્પષ્ટ કરે છે કે તમામ નિર્ણયો વગર વિચાર્યે જ મન ફાવે તેમ જ લેવામાં આવ્યા છે.
ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં શેખી મારી રહ્યાં હતાં કે હું સત્તામાં આવીશ તેના 24 કલાકમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત આવી જશે. આજે ટ્રમ્પને સત્તાના સૂત્ર સંભાળ્યાને 3 મહિના કરતાં વધુનો સમય વીતી ગયો છે તેમ છતાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત તો છોડો યુદ્ધ વિરામ કરાવવામાં પણ સફળતા પ્રાપ્ત કરી શક્યાં નથી. રશિયા રોજબરોજ યુક્રેનના વિસ્તારો પર હુમલા કરી રહ્યો છે અને ટ્રમ્પ મોં વકાસીને જોઇ રહ્યાં છે. રશિયન પ્રમુખ પુતિન ટ્રમ્પની મનમરજી પર ભારે પડી રહ્યાં છે.
આવી જ સ્થિતિ મીડલ ઇસ્ટમાં પણ છે. ગાઝામાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમલી બનાવાયેલા યુદ્ધવિરામનું સૂરસૂરિયું થઇ ગયું છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ પણ ટ્રમ્પને ગાંઠી રહ્યાં નથી. યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પે ગાઝાને અમેરિકા હસ્તક લેવાનું ગતકડું રજૂ કર્યું હતું તેનું પણ હવે ક્યાંય નામોનિશાન દેખાતું નથી. હવે ટ્રમ્પે ઇરાનને ધમકાવવાનું શરૂ કર્યું છે. આમ અમેરિકી પ્રમુખ નીતનવા ગતકડાંના સહારે લાઇમલાઇટમાં રહેવાનો પ્રયાસ કરી રહ્યાં હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે.
ટ્રમ્પની વૈશ્વિક કૂટનીતિ બુઠ્ઠી ધારવાળી તલવાર સમાન પૂરવાર થઇ રહી છે તો આર્થિક મોરચે પણ તેમના દ્વારા કરાતા ઉલાળિયા ન કેવળ અમેરિકી પ્રમુખપદ પરંતુ અમેરિકાની શાખનું પણ ધોવાણ કરી રહ્યાં છે. ટેરિફ લાદવાના મામલે ટ્રમ્પ દ્વારા લેવાતા એક પછી એક નિર્ણયો અને તેમાં કરાતી પીછેહઠે તેમની વિશ્વસનીયતાને તળિયે લાવી દીધી છે. સત્તા સંભાળતાની સાથે જ દાયકાઓના વેપાર ભાગીદાર અને મજબૂત પાડોશી એવા કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત ટ્રમ્પે કરી હતી પરંતુ થોડા જ દિવસમાં તેનો અમલ પાછો ઠેલી દીધો હતો.
બીજી એપ્રિલે ટ્રમ્પે દુનિયાના તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની મોટા ઉપાડે જાહેરાત કરી પરંતુ બીજા જ દિવસે ટેરિફનો અમલ 90 દિવસ માટે મોકૂફ રાખવાની ઘોષણા કરી થૂંકેલું ચાટવા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. ચીન જેવા અત્યંત મહત્વના વેપાર ભાગીદાર દેશ પર 145 ટકા ટેરિફ લાદવાની જાહેરાત પણ આજ સમયગાળામાં કરાઇ પરંતુ મોબાઇલ ફોન, કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક પરનો ટેરિફ બીજા જ દિવસે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
આટલી પીછેહઠો છતાં સત્તાના મદમાં રાચી રહેલા ટ્રમ્પ શેખી મારવાનું છોડતાં નથી. તેમના કેટલાક નિવેદનો તો નાલાયકીની હદ પાર કરી જનારા હોય છે. વિશ્વના તમામ દેશો પર ટેરિફની જાહેરાત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, વર્લ્ડ લીડર્સ આર કિસિંગ માય એસ.... આ પ્રકારનું નિવેદન વૈશ્વિક મહાસત્તાના સર્વસત્તાધીશને શોભે તેવું જો જરાપણ નથી. ટ્રમ્પ તેમના મનસ્વી નિર્ણયો દ્વારા અસંમજસનું વાતાવરણ સર્જી રહ્યાં છે. પ્રમુખપદની સત્તાઓનો બેફામ ઉપયોગ કરતાં ઘરઆંગણે પણ તેઓ નિર્ણયો લેવા માટેની પરંપરાગત વિચારવિમર્શની પ્રક્રિયાઓનો ત્યાગ કરી ચૂક્યા છે. તેઓ પોતાની આ નીતિને અંતરાત્માથી લીધેલા નિર્ણયો ગણાવે છે. ટ્રમ્પ કહે છે કે તમે હંમેશા વ્યૂહરચનાઓ ઘડવામાં વ્યસ્ત રહી શકો નહીં. હું આંતરસૂઝથી મારા નિર્ણયો લઉં છું. જો ટ્રમ્પે આ તમામ નિર્ણયો પોતાની આંતરસૂઝથી લીધા હોય તો તેમની આંતરસૂઝ પર ગંભીર સવાલો ઊભા થઇ શકે છે.
લોકતાંત્રિક પ્રક્રિયાઓની અવગણના કરી પોતાની મનમરજીથી નિર્ણયો લેતો શાસક આપખુદ શાસક બનતાં જરાપણ સમય લાગતો નથી. પીછેહઠો છતાં ટ્રમ્પ હજુ સત્તાના મદમાંથી બહાર આવી રહ્યાં નથી. તેમનું આ વલણ ન કેવળ અમેરિકા પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરનાક સાબિત થઇ રહ્યું છે.