અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાના કારણોની તપાસ કરી રહેલા ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તેનો પ્રાથમિક અહેવાલ રજૂ કરી દીધો છે. બ્યુરોએ તેના અહેવાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટમાં વિમાન કેવી રીતે ક્રેશ થયું તે માટેના અત્યંત મહત્વના સવાલનો જવાબ આપ્યો છે પરંતુ આ જવાબ એટલો અસ્પષ્ટ છે કે નવા ઘણા સવાલો સર્જાયાં છે. પીડિત પરિવારજનો બ્યુરોના આ અપારદર્શક રિપોર્ટથી અત્યંત નારાજ થયાં છે.
બ્યુરોએ તારણ આપ્યું છે કે એન્જિનને મળતો ઇંધણનો પૂરવઠો બંધ થતાં બંને એન્જિન અટકી ગયાં હતાં અને એન્જિનને ફરી શરૂ કરવાનો પ્રયાસ વિમાને નિશ્ચિત ઉંચાઇ હાંસલ ન કરી હોવાથી નિષ્ફળ રહ્યો હતો અને વિમાન ક્રેશ થઇ ગયું હતું. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ફ્યુઅલ સ્વિચ કટ ઓફ પર આવી જતાં એન્જિનને ઇંધણ મળતું બંધ થયું હતું.
સવાલ એ છે કે સ્વિચ કટ ઓફ કોણે કરી. નિષ્ણાતો કહે છે કે ફ્યુઅલ સ્વિચ ઓટોમેટિક ઓફ કે ઓન કરી શકાતી નથી. તેને મિકેનિકલી જ ઓપરેટ કરવી પડે છે. મુખ્યત્વે આ સ્વિચ વિમાન સંપુર્ણપણે લેન્ડ થયા પછી કટ ઓફની સ્થિતિમાં પાયલટ દ્વારા લવાતી હોય છે. આવી સ્થિતિમાં એર ઇન્ડિયાના વિમાનની સ્વિચ કેવી રીતે કટ ઓફની સ્થિતિમાં આવી ગઇ તે એક મહત્વનો સવાલ છે.
બ્યુરોએ કોકપિટમાં બે પાયલટ વચ્ચે થતી વાતચીતનો નજીવો અંશ પ્રસિદ્ધ કર્યો છે જેમાં એક પાયલટ બીજાને પૂછી રહ્યો છે કે તેં સ્વિચ કટ ઓફ કેમ કરી જ્યારે બીજો પાયલટ જવાબ આપે છે કે મેં નથી કરી. રિપોર્ટમાં બેમાંથી કયા પાયલટે સવાલ પૂછ્યો અને કયા પાયલટે જવાબ આપ્યો તે પણ સ્પષ્ટ કરાયું નથી. આમ કોકપિટમાં થયેલી વાતચીતમાંથી પસંદગીનો જ હિસ્સો પ્રસિદ્ધ કરવા સામે પણ શંકાઓ સેવાઇ રહી છે. પાયલટ જ્યારે મે ડેની ગુહાર લગાવી રહ્યાં હોય ત્યારે તેમની વચ્ચે ફક્ત બે વાક્યની જ વાતચીત થઇ હોય તે અસંભવિત જણાઇ રહ્યું છે. સવાલ એ છે કે શું કોકપિટ વોઇસ રેકોર્ડરમાંથી તપાસકર્તાઓને ફક્ત આટલો જ ડેટા મળ્યો હતો? શા માટે બ્યુરોની તપાસ સમિતિ દ્વારા સંપુર્ણ વાતચીત અહેવાલમાં રજૂ કરાઇ નથી?
બ્યુરોના તપાસ અહેવાલ સામે ભારતના પાયલટ એસોસિએશને પણ સવાલ ઉઠાવ્યા છે. એસોસિએશને તો સીધો આરોપ મૂકી દીધો છે કે દુર્ઘટના માટે પાયલટને જ જવાબદાર ગણાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. એવિએશન નિષ્ણાતો પણ કહી રહ્યાં છે કે બંને ફ્યુઅલ સ્વિચ એક જ સેકન્ડમાં કટ ઓફ થઇ જાય તેની સંભાવના એક અબજમાં એકની રહેલી છે. બંને સ્વિચ એક સાથે કટ ઓફની સ્થિતિમાં કેવી રીતે આવી ગઇ તે શોધવું મુશ્કેલ છે. કોઇ પાયલટ જાણીજોઇને બંને એન્જિનને મળતો ઇંધણનો સપ્લાય અટકાવે તે માન્યામાં આવી રહ્યું નથી. તેમાં પણ જ્યારે વિમાન ટેક ઓફ કરતું હોય ત્યારે બંને પાયલટનું ધ્યાન વિમાનને સરળતાથી ઉડાન ભરાવવામાં કેન્દ્રિત હોય છે. આવી સ્થિતિમાં પાયલટને મિકેનિકલી ઓપરેટ થતી સ્વિચ સાથે ચેડાં કરવાનો સમય મળતો નથી.
ફ્લાઇટ ડેટા રેકોર્ડર દ્વારા પણ ફ્યુઅલ સ્વિચ કેવી રીતે કટ ઓફની સ્થિતિમાં આવી તે જાણી શકાય છે પરંતુ બ્યુરો દ્વારા તેની સંપુર્ણ માહિતી જાહેર કરાઇ જ નથી તેથી શું થયું હશે તે અંગેનું સ્પષ્ટ કારણ સુનિશ્ચિત કરવું અઘરૂં છે. તપાસકર્તાઓ દ્વારા પણ આ અંગે કોઇ વધુ સ્પષ્ટતા કરાઇ નથી. બંને એન્જિન બંધ થયા તેના કારણે વિમાન ક્રેશ થયું તેવું કારણ અપાયું પરંતુ એન્જિન ખરેખર કેવી રીતે બંધ થયાં તેની વિગતવાર કોઇ જ માહિતી અપાઇ નથી જે તપાસ પર જ શંકાના વાદળો ઘેરી રહી છે.
ઉચ્ચ સ્તરીય તપાસોમાં ઘણા હિતો સંડોવાયેલા હોય છે. મલેશિયાનું વિમાન ક્રેશ થયાના કારણો આજે એક દાયકો વીતી ગયા પછી પણ સામે આવી શક્યાં નથી. જ્યારે મોટી કંપનીઓના હિતો જોખમાતા હોય ત્યારે નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઇ ગઇ તેની કોઇ પરવા કરતું નથી. લીપાપોતી કરીને આનન ફાનનમાં પ્રકરણો સમેટી લેવાતા હોય છે. આશા રાખીએ કે એર ઇન્ડિયા ક્રેશના મૃતકો અને પીડિત પરિવારજનોને ન્યાય મળે અને દુર્ઘટના માટે જવાબદાર સાચા કારણો સામે આવે.
