વોશિંગ્ટનઃ અમેરિકાની ટોચની ગુપ્તચર સંસ્થા એફબીઆઇએ ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકી પવિત્તર સિંઘ બટાલાની ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની કાર્યવાહીના ભાગરૂપે કેલિફોર્નિયામાંથી ધરપકડ કરી છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઇ) સાથે સંકળાયેલા બટાલાની સામે ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જારી કરાઇ હતી. તેની સાથે અન્ય સાત જેટલા ગુનેગારો પણ પકડાયા છે તે ઉપરાંત હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કરાયો છે.
ભારતીય સંસ્થાઓ બટાલાને પ્રત્યાર્પિત કરવા માટે અમેરિકી સંસ્થાઓ સાથે સંપર્કમાં છે. પકડાયેલા અન્ય લોકોમાં બટાલા ઉપરાંત, દિલપ્રીત સિંઘ, અર્શપ્રીત સિંઘ, અમૃતપાલ સિંઘ, વિશાલ, ગુરતાજ સિંઘ, મનપ્રીત રંધાવા અને સરબજીત સિંઘ સામેલ છે.
એનઆઇએએ જૂનમાં જતિન્દર જોતી અને ડેઝિગ્નેટેડ બીકેઆઇ આતંકી લખબીર લાન્ડાની સાથે બટાલાનું નામ પણ ચાર્જશીટ પણ સામેલ કર્યું હતું. જોતીની પંજાબ સ્થિત ગેંગસ્ટરોને ગેરકાયદે શસ્ત્રોની ખરીદી અને સપ્લાય કરવામાં કથિત રીતે સંડોવણી હતી. તે બટાલાના માણસોને શસ્ત્રો પૂરા પાડવામાં મદદ કરતો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાજ્યમાં ખાલિસ્તાન સમર્થન નેટવર્કને પ્રોત્સાહન આપવા વર્ચ્યુઅલ નંબર અને એન્ક્રિપ્ટેડ એપ્લીકેશન વાપરતા હતા. આ લોકો આઇએસઆઇ સાથે સંકળાયેલા રિંદા સંધૂના નિર્દેશો પર કામ કરે છે. બટાલાની ધરપકડથી ભારતને પણ મહત્વની સફળતા મળી છે.

