મિલાનઃ આપણે બધા A, B, AB, O (પોઝિટિવ અને નેગેટિવ) જેવાં આઠ સામાન્ય બ્લડ ગ્રૂપ્સ વિશે જાણીએ છીએ. આમ તો કુલ મળીને 47 પ્રકારના બ્લડ ગ્રૂપ્સ છે પરંતુ, વિશ્વમાં એક વ્યક્તિ એવી પણ છે જેમનું બ્લડ ગ્રૂપ કોઈની સાથે મળતું નથી. આ નવા 48મા બ્લડ ગ્રૂપનું નામ ગ્વાડા નેગેટિવ (Gwada Negative) અપાયું છે. નવા બ્લડ ગ્રૂપની ઓળખ સાથે મેડિકલ સાયન્સ અને સંશોધકોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ઈટલીના મિલાનસ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISBT) દ્વારા 48મા બ્લડ ગ્રૂપ ગ્વાડા નેગેટિવને ગયા જૂનમાં જ સત્તાવાર માન્યતા અપાઈ છે.
અતિ દુર્લભ જનીનિક વિકૃતિ કહો કે આનુવાંશિક પરિવર્તનના પરિણામે નવતર બ્લડ ગ્રૂપ સર્જાયું છે. ફ્રાન્સના કેરેબિયન ટાપુ ગ્વાડેલોપનાં 68 વર્ષીય નિવાસી મહિલામાં આ નવતર બ્લડ ગ્રૂપ જોવાં મળ્યું છે. ખરેખર તો 2011માં આ વૃદ્ધાંની સામાન્ય સર્જરી અગાઉ બ્લડ ટેસ્ટ કરાયા ત્યારે એક એવું અસામાન્ય એન્ટિબોડી મળ્યું હતું, જે કોઈ પણ બ્લડ ગ્રૂપ સાથે મેળ ખાતું ન હતું. બસ, ત્યારથી આ કોયડો વણઉકેલ હતો. આ બ્લડ ગ્રૂપમાં EMM એન્ટિજનની ગેરહાજરી તેને વિશિષ્ટ બનાવે છે. ચોક્કસ EMM પ્રકારના એન્ટિજન્સ દરેક વ્યક્તિના રેડ સેલ્સ (લાલ રક્તકણો)માં જોવાં મળે છે, પરંતુ ફ્રાન્સનાં આ મહિલાના લોહીમાં આ એન્ટિજેન જ નથી. આથી, તેને અન્ય કોઈ પણ ગ્રૂપનું બ્લડ ટ્રાન્ફ્યુઝન કરી શકાય તેમ નથી.
બ્લડ ગ્રૂપ્સની ઓળખ ડોક્ટર અને પેશન્ટ માટે જીવનમરણનો પ્રશ્ન બની રહે છે કારણ કે ભળતું લોહી ચડાવી દેવાય તો પેશન્ટનું મોત નીપજી શકે છે. બ્લડ ટાઇપ્સ લાલ રક્તકણોની સપાટી પર ચોક્કસ એન્ટિજેન્સની હાજરી અથવા ગેરહાજરી દ્વારા નિશ્ચિત થાય છે, જેમાં સૌથી સામાન્ય બ્લડ ગ્રૂપ સિસ્ટમ ABO તરીકે ઓળખાય છે. આ સિસ્ટમ હેઠળ, A અથવા B એન્ટિજન્સ ધરાવતી વ્યક્તિઓને A અથવા B બ્લડ ગ્રૂપ ટાઇપમાં મૂકાય છે, અથવા જો તેમની પાસે આ બંનેમાંથી કોઈ એન્ટિજેન ના હોય તો O ગ્રૂપમાં મૂકાય છે. આ પછી, રહેસસ (Rh) એન્ટિજેન્સની હાજરી કે ગેરહાજરીના આધારે પોઝિટિવ અથવા નેગેટિવ ટાઈપમાં વિભાજિત કરાય છે. A, B અને Rh એન્ટિજેન્સ ના હોય તેવા પણ અનેક દુર્લભ બ્લડ ગ્રૂપ છે.

