કોરોના મહામારી બાદ બ્રિટનની એનએચએસની માઠી બેઠી છે. નબળી ગાય અને બગઇઓ ઘણી જેવી સ્થિતિ સામે ઝઝૂમી રહેલી આ રાષ્ટ્રીય આરોગ્ય સેવા એક સાંધે છે ત્યાં તેર તૂટે એવો ઘાટ સર્જાતો આવ્યો છે. કન્ઝર્વેટિવ શાસનકાળમાં ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફની હડતાળોના કારણે વેઇટિંગ લિસ્ટ રેકોર્ડ સપાટી પર પહોંચ્યું હતું અને હવે લેબર સરકાર સેવાઓ સુધારવા હવાંતિયા મારી રહી છે ત્યારે ફરી એકવાર ડોક્ટરોએ હડતાળનું એલાન કરી દીધું છે. ડોક્ટરોની પાછળ નર્સો પણ હવે હડતાળની તૈયારી કરી રહી છે.
તોતિંગ પગાર વધારાની માગ કરી રહેલા ડોક્ટરો જનતાનો વિશ્વાસ ગુમાવી રહ્યાં છે. ડોક્ટરો દ્વારા અવારનવાર પડાતી હડતાળોથી નારાજ થઇને યુકેમાં ફર્ટિલિટી ટ્રિટમેન્ટનો પ્રારંભ કરનારા લોર્ડ વિન્સ્ટને બ્રિટિશ મેડિકલ એસોસિએશનમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમનું કહેવું છે કે દેશ સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે હડતાળો યોગ્ય નથી. લોર્ડ વિન્સ્ટન જ નહીં પરંતુ અન્ય અગ્રણી મેડિકલ લીડર્સ પણ ડોક્ટરોને ચેતવણી આપી રહ્યાં છે કે હડતાળ પર જવાથી તેઓ દર્દીઓનો વિશ્વાસ હંમેશ માટે ગુમાવી દેશે. ડોક્ટરો દ્વારા અવારનવાર પડાતી હડતાળથી જનતા નારાજ થઇ ચૂકી છે. એક સરવે અનુસાર 49 ટકા જનતા આ હડતાળનો વિરોધ કરી રહી છે. જનતા એમ પણ માને છે કે ડોક્ટર દ્વારા માગવામાં આવી રહેલો 29 ટકાનો પગારવધારો વ્યાજબી નથી. જનતા ડોક્ટરોની હડતાળ પર પ્રતિબંધ લાદી દેવાની તરફેણ કરી રહી છે.
ડોક્ટરો સમાજમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમ છતાં જનતા ડોક્ટરો પર આંધળો વિશ્વાસ મૂકતી નથી પરંતુ તે અર્જિત કરવો પડે છે. આ પ્રકારની અયોગ્ય માગણી સાથેની હડતાળો ડોક્ટરોને અપ્રિય બનાવી દેશે એ વાતમાં કોઇ શંકા નથી. ડોક્ટરોએ સૌથી પહેલાં તો એ વિચારવાની જરૂર છે કે તેમની માગણી વ્યાજબી છે કે કેમ. હડતાળના કારણે દર્દીઓને જે હાડમારીનો સામનો કરવો પડશે તે ઉચિત છે કે કેમ.
