યુ.કે.માં નવા નવા ઇમિગ્રન્ટોના આગમન બાદ ભાવિકોની જરૂરિયાતને ધ્યાનમાં લઇ જૈન ધર્મના સિધ્ધાંતો અને મૂલ્યોને અનુસરનારા કેટલાક અગ્રણીઓએ ભેગાં મળી શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળની સ્થાપના ૧૯૭૪માં કરી. એના સ્થાપક સભ્યોમાં શ્રી રમણભાઇ શાહ, સ્કાયવેઝ ટ્રાવેલના શ્રી વિનોદભાઇ શાહ અને સ્વ. દિનેશભાઇ શાહે મળી એ વેળાની અને ભાવિ પેઢીમાં જૈન સિધ્ધાંતો અને મૂલ્યોના પ્રસ્થાપન માટે આ સંસ્થાનો શુભારંભ કર્યો.
સંસ્થાની ૫૦ વર્ષની ઉજવણી ૧૪ થી ૧૯ જુન દરમિયાન કરાઇ. આ પ્રસંગે યોગાનુયોગ જૈનોના ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના ૧૩ ઇંચના ચાંદીના પ્રતિમાજીની ભારતથી પધરામણી સંસ્થાના કોલીન્ડલ હોલમાં હર્ષોલ્લાસભેર કરાઇ. એનો પ્રતિષ્ઠા મહોત્સવ એલસ્ટ્રીના એલુમ હોલમાં શ્રી કુલદીપભાઇ નકોડાવેલના માર્ગદર્શન અને સંગીતકાર પ્રતીકભાઇ ગેમાવતના સૂર-સંગીત-ભક્તિના ભાવભર્યા માહોલ વચ્ચે ઉજવાયો. સંસ્થાના યુવા અને વયસ્ક સભ્યોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી શાનદાર ઉજવણીમાં ભાગ લીધો. આ પ્રસંગે જૈન સમાજના અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી.

