ઇસ્લામાબાદઃ બલૂચિસ્તાનના અધિકારીઓએ શુક્રવારે પુષ્ટિ કરી કે બંદૂકધારીઓએ ક્વેટાથી લાહોર જઈ રહેલી બસના મુસાફરોનું અપહરણ કરીને ગોળીબાર કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 9 મુસાફરનાં મોત થયાં છે. આ ઘટના ઉત્તરીય બલૂચિસ્તાન શહેર ઝોબ નજીક બની હતી, જ્યાં સશસ્ત્ર હુમલાખોરોએ બસ રોકી મુસાફરોને નીચે ઉતાર્યા અને તેમાંથી 9 લોકોની ઓળખ કરી અને તેમને નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી દીધી.
પોલીસે શું કહ્યું?
ઝોબના સહાયક કમિશનર નવીદ આલમે જણાવ્યું કે, હુમલાખોરો મુસાફરોને બસમાંથી ઉતારીને એક બાજુ લઈ ગયા હતા અને તેમના પર ગોળીબાર કર્યો હતો. મૃતકોના મૃતદેહને બરખાન જિલ્લાની રેખાની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
પાક. સરકારે તેને આતંકી હુમલો ગણાવ્યો
પ્રાંતીય સરકારના પ્રવક્તા શાહિદ રિંદે હુમલાની સખત નિંદા કરી છે અને તેને આતંકી કૃત્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું, ‘આતંકીઓએ મુસાફરોને બસમાંથી ઉતારી લીધા અને તેમની ઓળખ કરી અને પછી નિર્દોષ પાકિસ્તાનીઓની નિર્દયતાથી હત્યા કરી.’

