ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારકઃ જયશંકર

Wednesday 16th July 2025 06:49 EDT
 
 

બૈજિંગ: ચીનના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું છે કે, ભારત અને ચીન વચ્ચેનો મુક્ત વેપાર ફક્ત બંને દેશ માટે જ નહીં આખા વિશ્વ માટે ફાયદાકારક છે. તેમણે વેપાર અવરોધ હટાવવા અને બંને દેશના લોકોનો એકબીજા સાથે મેળમિલાપ વધારવા પર ભાર મૂક્યો. તેમણે ચીનના ઉપરાષ્ટ્રપતિ ઝેંગ અને વિદેશ પ્રધાન વાંગ યી સાથે બેઠક કરી હતી.
જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશે એકબીજા સાથે વેપાર કરવા દરમિયાન પ્રતિબંધો ન લગાવવા જોઈએ. તેનાથી બંનેને નુકસાન થશે. બંને દેશ વચ્ચેના સારા સંબંધ ફક્ત બંને દેશ માટે જ નહીં આખા વિશ્વ માટે જરૂરી છે. છેલ્લા નવ મહિના દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધમાં નોંધપાત્ર સુધારો થયો છે. ચીનના વાઇસ પ્રેસિડેન્ટ ઝેંગે જણાવ્યું કે ડ્રેગન અને હાથી એકસાથે આવી જાય તો બંને જબરદસ્ત વિકાસ સાધી શકે છે. બંને દેશ ગ્લોબલ સાઉથના મહત્ત્વના સભ્ય છે. બંને દેશ એકબીજાના વિકાસમાં મદદ કરી શકે છે.
વિદેશપ્રધાન એસ. જયશંકરે સિંગાપોર અને ચીનના તેમના ત્રણ દિવસના પ્રવાસે ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સંમેલનમાં ભાગ લીધો. લદ્દાખ અને ગલવાનમાં 2020માં થયેલી અથડામણ પછી જયશંકરે ચીનનો ખેડેલો આ પ્રથમ પ્રવાસ છે.
જયશંકરે ચીનના વાઇસ પ્રેસિડેન્ટ હાન જેંગ સાથે મુલાકાત કરી. તેમણે આ મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારત અને ચીને ખુલ્લા વિચારો અને અનુભવોનું શેરિંગ કરવું જોઈએ. તેમની મુલાકાત પહેલાં ભારતના ચીની દૂતાવાસે તિબેટ સંલગ્ન મુદ્દાને ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં મોટો અવરોધ ગણાવ્યો હતો.
એસસીઓમાં સામેલ દસ સભ્ય દેશોમાં ચીન, રશિયા, ભારત, ઇરાન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક મહિનાથી બંને દેશ વચ્ચે સંબંધ સુધારવાના પ્રયત્નો શરૂ થયા છે.


comments powered by Disqus