નવી દિલ્હીઃ યમનમાં મોતની સજા મળેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા હાલ પૂરતી મુલતવી રખાઈ છે. તેને 16 જુલાઈએ મૃત્યુદંડની સજા થવાની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટિવિસ્ટ ગ્રૂપ અને પ્રભાવશાળી ધાર્મિક નેતાઓએ આ કેસમાં હસ્તક્ષેપ કર્યો હતો, જે બાદ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા મુલતવી રખાઈ છે.
આ પહેલાં નિમિષાને મૃત્યુદંડથી બચાવવા રાજદ્વારી સ્તરે અનેક પ્રયાસો કરાયા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે પીડિતાનો પરિવાર હજુ સુધી ક્ષમાદાન કે બ્લડ મની સ્વીકારવા સંમત થયો નથી.
ભારતીય નર્સ નિમિષા 2017થી જેલમાં છે, તેના પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીને ડ્રગ્સનો ઓવરડોઝ આપી તેની હત્યા કરવાનો આરોપ છે. નિમિષા અને મહદી યમનના એક ખાનગી ક્લિનિકમાં ભાગીદાર હતાં. એવો આરોપ છે કે મહદીએ નિમિષાનો પાસપોર્ટ પોતાના કબજામાં રાખ્યો હતો અને તેના પર ત્રાસ ગુજાર્યો હતો.
યમનમાં ભારતનું કાયમી રાજદ્વારી મિશન (દૂતાવાસ) નથી. 2015માં રાજકીય અસ્થિરતાને કારણે રાજધાની સનામાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવ્યું હતું અને તેને જીબુતીમાં ટ્રાન્સફર કરાયું હતું. ભારત સરકાર મુખ્યત્વે 'નોન-રેસિડેન્સ રાજદૂત' દ્વારા યમન સરકાર સાથે વાત કરે છે. હાલમાં ભારત સરકાર રિયાધમાં હાજર રાજદૂત દ્વારા વાત કરી રહી છે.

