સ્ટાર્મર સરકારે 22 જુલાઇથી નવા ઇમિગ્રેશન નિયમો લાગુ કર્યાં છે. તે અંતર્ગત નવા વિદેશી કેર વર્કર પર સંપુર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે. લેબર સરકારનો આ નિર્ણય દેશના સોશિયલ કેર સેક્ટર માટે હારાકિરી સમાન પૂરવાર થવાની સંભાવના છે. હાલ સોશિયલ કેર સેક્ટરમાં 1,30,000 જગ્યા ખાલી પડી છે. લેબર માર્કેટમાં કર્મચારીઓની સૌથી વધુ અછત આજ સેક્ટરમાં છે અને એક અંદાજ પ્રમાણે વર્ષ 2040 સુધીમાં દેશને 5,40,000 નવા કેર વર્કર્સની જરૂર પડશે. સ્ટાર્મર સરકારે વિદેશી કેર વર્કર્સ પર પ્રતિબંધ તો લાદી દીધો છે તેના કારણે આગામી એક દાયકો સોશિયલ કેર સેક્ટર માટે મોટો પડકાર બની રહેવાનો છે. સરકાર સારી રીતે જાણે છે કે તેનું આ પગલું બૂમરેંગ સાબિત થવાનું છે તેમ છતાં તેણે આ દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. મૂળ વાત તો એ છે કે નેટ ઇમિગ્રેશન સામે કાગારોળ મચાવી રહેલી નાઇજલ ફરાજની રિફોર્મ યુકે લોકપ્રિયતાના શિખરો સર કરી રહી છે અને લેબર પાર્ટીને ગમે તે ભોગે પરાજય ટાળવો છે તેથી વાસ્તવિકતાઓથી દૂર હટીને સ્ટાર્મર સરકાર તર્કવિહિન નિર્ણયો લઇ રહી છે.
સરકારનો આરોપ છે કે કેટલાક એમ્પ્લોયર દ્વારા વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરાયય છે પરંતુ તેને અટકાવવાનું કામ પણ સરકારનું જ છે ને... પાડાના વાંકે પખાલીને ડામ દેવો તે ક્યાંનો ન્યાય છે. એ વાતમાં કોઇ શંકા નથી કે કેર વર્કર્સનું શોષણ થતું આવ્યું છે પરંતુ તે અટકાવવાની જવાબદારી પણ સરકારની જ છે ને..... આમ કરવાને બદલે સરકારે વિદેશી કેર વર્કર્સની નિયુક્તિ પર જ પ્રતિબંધ લાદી દીધો જે એક નીતિવિષયક નહીં પરંતુ રાજકીય નિર્ણય વધુ પ્રતીત થઇ રહ્યો છે.
વધતા જતા ખર્ચ અને કર્મચારીઓની અછતના કારણે સોશિયલ કેર સેક્ટર પડી ભાંગવાના આરે પહોંચી ગયું છે. આમ પણ અગાઉની કન્ઝર્વેટિવ સરકારે કેર વર્કર્સના આશ્રિતોને વિઝા આપવાનું બંધ કર્યા બાદ છેલ્લા એક વર્ષમાં યુકે આવતા કેર વર્કર્સની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો. આજે પણ સોશિયલ કેર સેક્ટરમાં વિદેશી કેર વર્કર્સની હાજરી અનિવાર્ય બની રહી છે.
સરકાર ઇચ્છે છે કે કેર પ્રોવાઇડર્સ વધુ ઘરેલુ કેર વર્કર્સને તક આપે પરંતુ ઓછા વેતનના કારણે બ્રિટિશરો આ સેક્ટરની પસંદગી કરતાં નથી. એમ્પ્લોયર્સની માગ છે કે જો સરકાર વેતનનું ધોરણ સુધારવા ઇચ્છે છે તો આર્થિક સહાયમાં વધારો કરે. હાલની સરકારની તિજોરીની સ્થિતિને જોતાં તે સોશિયલ કેર સેક્ટરને વધારાની આર્થિક સહાય આપે તે વાતમાં કોઇ દમ જણાતો નથી. અત્યાર સુધીની તમામ સરકારો આ સેક્ટરને ફંડિંગના વચનો આપતી હતી પરંતુ ક્યારેય પૂરાં કરી શકી નથી. આર્થિક અછતોનો સામનો કરી રહેલી કાઉન્સિલો પણ કોઇ મદદ કરી શકે તેમ નથી.
આવી સ્થિતિમાં વિદેશી કેર વર્કર્સ પર પ્રતિબંધ લાદવો કેટલા અંશે યોગ્ય ગણી શકાય.. સરકારે આ પ્રકારના રાજકીય નિર્ણયોને બદલે વ્યવહારૂ નીતિવિષયક નિર્ણય લેવા જોઇએ જેથી અત્યંત મહત્વના ગણાતા સેક્ટરની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ આવી શકે.
