ગયા શુક્રવારે બ્રહ્મનિષ્ઠ મિનલબહેન રાજસોભાગ આશ્રમ સાયલાના આદ્યાત્મિક ગુરૂ લંડનની ટૂંકી મુલાકાતે પધાર્યા છે એમને મળવાનો મોકો મળ્યો. સ્વભાવે શાંત, મીતભાષી, સરળ અને નમ્ર, સફેદ વસ્ત્રમાં સંસારી સાધ્વી સાથે થયેલ પ્રેરણાદાયી વાર્તાલાપ સૌ વાચકોને વાંચવો ગમશે. તેઓશ્રીની આધ્યાત્મિક શિબિરો ગયા સપ્તાહે હેરોમાં ગુજરાતી-અંગ્રજીમાં યોજાઇ જેનો લાભ મોટી સંખ્યામાં વડિલો અને યુવાઓેએ લીધો. જેમાં ધ્યાનની એકાગ્રતા, તપ-જપનો મહિમા, આત્માની ઓળખ,સુખ-શાંતિની પ્રાપ્તિ જેવા વિષયો પરના વાર્તાલાપો મુમુક્ષો માટે નવી ચેતનાનો સંચાર કરતા મિનલબહેનને મળવાનો અવસર રાજસોભાગ સત્સંગ મંડળ યુ.કે.ના શ્રી જયસુખભાઇ મહેતાના સહયોગથી સાંપડ્યો.
પ્રઃ મિનલબહેન, આપ શ્રી રાજસોભાગ સંસ્થા ક્યારથી સંલગ્ન થયા અને એમાં સહભાગી થવાના આકર્ષણો કયા?
૨૦ વર્ષની યુવા વયે ગુરૂનો મેળાપ. સંસાર શરૂ કરતા પહેલાની વાત છે. મારા પિતાશ્રી સી.યુ.શાહનો માનવતાનો વારસો અને માતુશ્રી સદગુણાબહેનનો ધાર્મિક વારસો મને મળ્યો જેથી હું આધ્યાત્મિક જગત તરફ આકર્ષાઇ.
શ્રીમદ્ રાજચંદ્રજીનો પંથ એવો છે કે તમે સંસારમાં રહીને પણ માનવતવાદી કાર્યો અને આત્માની ઉન્નતિ ભગવાન મહાવીરે ચીંધેલા માર્ગે અને શ્રીમદ્જીની વાણીને સમજી કરી શકો. આદ્યાત્મિક જગતમાં પ્રવેશવા માટેની આ લાયકાત કેળવીએ તો મોક્ષ હાથવેંતમાં છે એવું હું દ્રઢપણે માનું છું. આવો સુંદર સુભગ સમન્વય જીવનમાં મળ્યો એ મારૂં સદભાગ્ય છે.
સાયલાની શ્રી રાજસોભાગ સંસ્થા એ આદ્યાત્મિક સંસ્થા છે જેનો પાયો ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ પર રચાયો છે. જેનો ઉદ્દેશ શ્રીમદ્ રાજચંદ્ર અને ભગવાન મહાવીરની અનુભવવાણીના અમલીકરણનો છે. પ્રેમ, કરૂણા, દયા, સંવેદનશીલતાના પાયા પર માનવતાની ઇમારત બંધાઇ છે અને પૃથ્વી પરના તમામ જીવો પ્રત્યે દયા-કરૂણા ભાવ રાખી માનવીય ફરજ બજાવવામાં જ એની સાર્થકતા છે.
રાજસોભાગ આશ્રમની સ્થાપના ૧૯૭૬ના ડીસેમ્બર મહિનામાં થઇ એને આ વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થશે.
સ્વ. પ.પૂ. લાડકચંદ માણેકચંદ વોરા, જેઓ ત્યાગ, શાણપણ અને નિ:સ્વાર્થ સેવાના પ્રતાપે બાપુજીના હુલામણા નામે જાણીતા થયા. સાયલાની આસપાસનો વિસ્તાર પછાત અને અવિકસિત. ગરીબાઇની રેખા હેઠળ જીવતા પ્રજાજનો, શિક્ષણની સુવિધાથી વંચિતના જીવન ધોરણને સુધારવાના લક્ષ્ય સાથે આ આશ્રમની સ્થાપના થઇ. એમની એ લેગસી સ્વ.પૂ.સદ્ગુણાબહેન સી.યુ.શાહ (ગુરૂ મા) અને પૂ.ભાઇશ્રી નલિનભાઇ કોઠારી આગળ વધારી રહ્યા છે. બાપુજીના વીઝનને યોજનાબધ્ધ આગળ વધારવા ભાઇશ્રીએ કમર કસી. સેવાભાવી સ્વયંસેવકોના સાથથી ગ્લોબલ નેટવર્ક બનાવ્યું.
સાયલા અને એની આસપાસના ગામોના પછાત વિસ્તારોમાં સામાજિક સુખાકારી માટે અનાજ, કપડાં વિતરણથી શુભ આરંભ કર્યો બાદમાં શિક્ષણ, આરોગ્ય, શારિરીક અને માનસિક વિકલાંગોના પુર્નવસન, કન્યા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ, વોકેશનલ ટ્રેનિંગ, એનિમલ વેલફેર, પર્યાવરણની જાળવણી,ડેમો બાંધવા અને કૂવા ખોદાવવા તેમજ તત્કાળ રાહત આદિ વિવિધ પ્રોજેક્ટોની વિશાળ શ્રેણી ગ્રામ્યજનો માટે જ્ઞાન અને આશાના દીપ પ્રગટાવવામાં સફળ રહી અને એમનું જીવનધોરણ પણ સુધરી રહ્યું છે.
હું મારા માતા-પિતાનું એક માત્ર સંતાન છું. એમના સંસ્કારોએ મને સત્કાર્ય કરવા તરફ પ્રેરી છે. મારા પિતાશ્રીનો ધંધો નૈરોબી, વતન સુરેન્દ્રનગર, દેવલાલી, મુંબઇ, ચેન્નાઇ વગેરે સ્થળોએ વિસ્તરિત છે. સ્વર્ગસ્થે એમની સંપૂર્ણ મિલકત સમાજની સેવા માટે ધરી દીધી છે અને હું અને મારો પરિવાર બીઝનેસ સાથે આશ્રમના વહિવટની જવાબદારી સંભાળી ઋણ અદા કરી રહ્યા છીએ.
પ્ર: સાંસારિક જવાબદારીઓ સાથે આદ્યાત્મિક જગત સાથે તાલમેલ કઇ રીતે કરો છો?
આ સવાલ ઘણાંબધાં મને પૂછે છે. અમે સંયુક્ત કુટુંબમાં ૪ પેઢી સાથે રહી શક્યા છીએ એના કારણોમાં વડિલોનો અનુભવ, યુવાનોનું ટેકનોલોજીનું જ્ઞાન, એકબીજા પ્રત્યેની સમજ-આદર, અરસ-પરસ સન્માનનો ભાવ અને સંસ્કારોની લેગસી છે. અમારી વ્યવસાયિક અને આધ્યાત્મિક પ્રગતિના પંથના એ પરિબળો છે. મારા સાસુને ડિમેન્શીયા થયો હતો તો બધાંને ઓળખતા નહિ પરંતુ મને એકલીને જ ઓળખતા એથી ડોક્ટરોને ય નવાઇ લાગતી. આ અમારા પ્રેમનું બોલતું ઉદાહરણ છે. જો કે તાજેતરમાં તેઓ દેવલોક પામ્યાં છે.
મારી પુત્રવધૂ મને કહે કે, મમ્મી અમે તમારી પાંખ બનીને રહીશું. તમારે આધ્યાત્મિક જગતમાં જેટલી ઊંચી ઉડાન ભરવી હોય એટલી ભરો! એકબાજુ સાસુ અને બીજી બાજુ વહુ બન્નેનો પ્રેમ સંપાદન કરી શકી એ જ મારી અમૂલ્ય મૂડી. મારા પતિ રોહિત શાહ પણ મારી પડખે છે. તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે એથી સાયલાના હિસાબ-કિતાબની જવાબદારી સંભાળે છે. દીયેર વિક્રમભાઇ પણ સંસ્થાના ટ્રસ્ટી છે, અમારી આદ્યાત્મિક યાત્રાના સાથી છે. કુટુંબના સાથ-સહકાર હોય તો જીવનમાં બધા જ તાલમેલ થઇ જાય. મારી દ્રષ્ટિએ સંયુક્ત કુટુંબમાં સંપ હોવો ખુબ જરૂરી છે. સાથે મળીને ઘણાંબધાં પડકારો ઝીલી શકાય છે. હું તો સંયુક્ત કુટુંબની જ હિમાયતી છું. સાથે રહેવાના ફાયદા ઘણાં છે.
પ્રઃ ધર્મની વ્યાખ્યા તમે કઇ રીતે કરો?
ધર્મ એ જીવન જીવવાની કળા છે. પ્રેમ એ એનો પાયો છે. પ્રેમથી બધાંનો પ્રેમ સંપાદન કરી શકાય! આત્માનું લક્ષણ પ્રેમ છે. પ્રેમથી સૌના દિલ જીતી શકાય અને શીખ પણ આપી શકાય. માનવતા ધર્મના કેન્દ્ર સ્થાને છે. ધર્મ એ રોકડિયો ધંધો છે. તમે જે કર્મ કરો એનું ફળ તરત મળે. કંઇક સારૂં કરો કે સાંભળો ને તેને અનુસરો તો તરત જ એનું ફળ મળશે, મનને શાંતિ મળશે. આત્મશુધ્ધિ થશે. સાધના અને ધર્મની આરાધના કરવાથી ચિત્તની સમતુલા જળવાઇ રહે છે. ધર્મ અંગેના સાચા જ્ઞાનની જ્યોત પ્રજ્જવલિત રહે તો આપોઆપ આસપાસમાં અજવાળું પથરાઇ જાય, જીવનની સાર્થકતા અનુભવાય.
પ્રઃ આત્માની ઓળખ જેવા ભારેખમ વિષયને શ્રોતાગણ પચાવી શકે ખરા?
એનો જવાબ સરળ છે. આપણા દેહનું સંચાલન કોણ કરે છે? દેહમાંથી આત્મા નીકળી જાય પછી એમાં ચેતન રહે છે? આત્મા અરૂપી છે. પવન/વાયુ/હવા આપણે જોઇ શકતા નથી. ઇલેક્ટ્રીક કરંટ દેખાતો નથી છતાં એનો સ્વીકાર આપણે કરીએ છીએ એમ જીવનનું અસ્તિત્વ આત્મા છે એનો સ્વીકાર કરવો જ રહ્યો! સદ્ગુરૂ, જ્ઞાની પુરૂષો એ સમજાવી શકે-માર્ગ બતાવી શકે-અનુભવ શેર કરી શકે. આપણા માટે આપણી જાતને જાણવી એ સૌથી સહેલું હોવા છતાં એ તરફ લક્ષ્ય નથી રાખતા, દુન્યવી ઝાકઝમાળમાં અને દેહની આળપંપાળમાં આત્માને વીસરી જવાય છે. દેહને સ્વસ્થ રાખવો જરૂરી છે પરંતુ આત્માની ઓળખ પણ મહત્વની છે. એ જ્ઞાન લાધ્યા પછી બીજા પ્રલોભનો આપણને સ્પર્શી શકતા નથી. મોહમાયામાં ફસાતા અટકાવે છે.
--------------------------
ખુશીના સાત પગલાંનો સાર વિદ્વાન દીપકભાઇ બારડોલીની મુખેથી
- જ્યોત્સના શાહ
“ જે મને નથી જોઇતું એ મારે કોઇને ન આપવું
મારે જે જોઇએ તે સર્વને આપવું’
શનિવાર ૨૬ જુલાઇ અને રવિવાર ૨૭ જુલાઇ ૨૦૨૫ના દિવસોએ કિંગ્સબરી હાઇસ્કુલનો હોલ ખુશીના વાવેતરથી લહેરાતો હોય એવો માહોલ જામ્યો હતો. મહાવીર ફાઉન્ડેશનના ઉપક્રમે ભારતથી પધારેલ જૈન વિદ્વાન શ્રી દીપકભાઇ બારડોલીના મુખેથી વહેતી વાણીમાં પ્રભુ મહાવીરની વાણીનો અહેસાસ થતાં ઉપસ્થિત સૌ ભીંજાઇ ગયા હતાં. સૌના ચહેરા પર ખુશીની લહેર દોડતી હતી.
શ્રી રમણલાલ સોનીના ‘ધર્મના સાત પગલાં’ (અત્રે કુન્દનિકા કાપડીયાના સાત પગલા આકાશમાં”ની યાદ આવે છે.) કાવ્યના આધારે સમજની રજુઆત સૌના દિલને સ્પર્શી જાય તેવી માર્મિક હતી. વચ્ચે જાણીતા કવિઓની રચનાઓની સંગીતબધ્ધ રજુઆત, ઘટનાઓ-ઉદાહરણોના ઉલ્લેખ સહની સમજમાં સૌ ઓળઘોળ થઇ ગયા. સમગ્ર જીવનના સારને આવરી લેતું આ કાવ્ય અત્રે પ્રસ્તુત કરી પછી સમજવાની કોશીષ કરીએ.
ધર્મના સાત પગલાં
શ્રી રમણલાલ સોની
“ધર્મતણું પહેલું પગલું આ, કોઇને દુ:ખ ન દેવું,
કોઇ દુ:ખી થઇ પીડા પામે એવું કશું ના કરવું. - ૧
ધર્મતણું બીજું પગલું આ, દુ:ખીનું દુ:ખ હરવું,
તનમનથી સેવા દઇ એના દુ:ખને હળવું કરવું - ૨
ધર્મતણું ત્રીજું પગલું આ, સુખને કેદ ન કરવું,
સૌને સુખમાં ભાગ આપવો, સુખને વહેંચી દેવું.- ૩
ધર્મતણું ચોથું પગલું આ, ક્રોધે કદી ના જલવું
સૌના મિત્ર બની સૌ સાથે, હેતે હળવું ભળવું. - ૪
ધર્મતણું પાંચમું પગલું આ,ઇર્ષા થકી ન બળવું
સુખના કણને મણ માનીને, સંતોષે સંચરવું. - ૫
ધર્મતણું છઠ્ઠું પગલું આ, ધન ભેગું નહીં કરવું
ધનની સાથે ભાવ અને ભક્તિનું વિતરણ કરવું - ૬
ધર્મતણું સાતમું પગલું આ, મૃત્યુથી નહીં ડરવું
પ્રસન્નચિત્તે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવું. - ૭
ધર્મ પ્રત્યેનું પ્રથમ ચરણ છે દંભ વિના પ્રભુ સમક્ષ હાજર થવાની પાત્રતા કેળવવાનું. વગર બોલ્યે આપણા વ્યવહાર/આચરણની અસર અચૂક થાય છે જો એમાં સચ્ચાઇનો રણકો હોય તો! એ સમજવા એક કવિની આ સુંદર પંક્તિઓ:
“અમૃત પીધું પણ અમર થયો નહિ..
પીવાની રીત ન જાણી, કાં તો ઢળી ગયો
અથવા પીધું પાણી” મતલબ છે જીવનમાં ધર્મ સરસ છે પરંતુ એની સમજ ન કેળવાય તો ઉપરોક્ત પંક્તિઓમાં કહ્યું એવા હાલ થાય. સૌ પ્રથમ કોઇને પીડા આપીએ એવું વર્તન ન કરવું. સામેની વ્યક્તિ ક્ષોભ પામે એવો પ્રશ્ન ન પૂછવો એમાં એનો આદર છે. આ શુભની શરૂઆત ધર્મ સ્થાન અને પરિવારથી કરવી. દરેક જીવની પ્રકૃતિ છે કે એને શુભ ગમે છે. વિનયથી માત્ર વિદ્યા જ નહિ જીવન પણ શોભી ઉઠે છે, મહેંકી ઉઠે છે.
બીજું પગલું છે, દુ:ખીનું દુ:ખ હરવું. જ્યાં સુધી આપણે આપણા જ સુખ-દુ:ખમાં જ રચ્યા પચ્યા રહીએ ત્યાં સુધી કોઇના દુ:ખ હરવાનો વિચાર કઇ રીતે આવે? આપણા જ સુખ-દુ:ખના ગાણાં ગાવવાને બદલે બીજાના દુ:ખને સમજવાની સમજ કેળવીએ.
એ જ રીતે આપણી પાસે સુખ હોય તો એને કેદ કરી રાખવાને બદલે સૌ સાથે વહેંચીએ તો એનો આનંદ આવે. ક્રોધને દૂર રાખવાની વાત છે. ક્રોધના કડવા પરિણામો આપણે જોયા ને અનુભવ્યા પણ હશે! સૌના મિત્ર બનવાથી અને સૌ સાથે હળી મળી રહેવાથી મન પ્રફુલ્લિત રહે છે. “અંતર અદકેરૂં જાળવતા આવડે તો સંબંધો ફુલે નહિ ફાલે!..’ ઇર્ષાના ભાવને અળગો રાખવો. જે સુખ મળ્યું એનો સંતોષ માનવો. ધનનો સંચય ન કરવો. સારા કાર્યોમાં એ વાપરવાથી વધે છે. ભાવ અને ભક્તિ બેયની વહેંચણ ખુશમાં રાખે છે. અને અંતમાં મૃત્યુનો ડર ન રાખવાની વાત છે. સદાય પ્રસન્નચિત્તે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીએ તો જીવનમાં ખુશીના જ વાવેતર થાય છે. કેટલી સરળતા ને સહજતાથી ધર્મની વ્યાખ્યા કવિએ આ કાવ્યમાં વણી લીધી છે. ધર્મના ક્રિયાકાંડ એક વખત ન આવડે તો ચાલે પરંતુ સારા માનવી બનવાની દિશામાં પગલા માંડીએ તો હેપીનેસ હાથવેંતમાં છે. એ બહાર વેચાતી નથી મળતી! અંતરમાં જ ધરબાયેલ છે. સવારના બ્રેકફાસ્ટ, લંચ, બપોરની ચાય અને સાંજનું ડીનર બધી જ વ્યવસ્થા એના પ્રેસિડેન્ટ નિરજભાઇ સૂતરીયા, વાઇસ પ્રેસિડેન્ટ મુકેશભાઇ, કમિટી સભ્યો સૌએ મળી ખૂબ જ સરસ રીતે કરી હતી. આવા સુંદર, હેતુલક્ષી કાર્યક્રમો યોજવા બદલ યુવા કમિટીને અભિનંદન.
સમાપનમાં વિયોગની વ્યથા, ફરી મળવાના કોલ સહિતની આ શિબિર સાચે જ જ્ઞાનવર્ધક રહી. આમ તો આપણે કેટલાય સાધુ-સંતોના સત્સંગો, પ્રવચનો કે કથાઓના શ્રવણનો લાભ લેતા હોઇએ છીએ પણ આ કંઈક અલગ અનુભવ હતો. ભીતરના ચૈતન્યને જીવંત કરવાનો કિમિયો. સુમધુર ગીત-સંગીત સાથે હળવાશભરી શૈલીમાં ભગવાન સાથેના સીધા કનેક્શનની અનુભૂતિ!!
એક વાત દીપકભાઇ સરસ કરે છે, મકરંદ દવેની પંક્તિઓ દોહરાવીને
“મેં તો વેર્યા બીજ છૂટ્ટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા..’