વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓ મધ્યે બ્રિટન અને ભારતે મુક્ત વેપાર કરાર કરીને દ્વિપક્ષીય સંબંધોનો નવો અધ્યાય શરૂ કર્યો છે. કોઇપણ જી-7 દેશ સાથે ભારતનો આ પહેલો વેપાર કરાર છે. આ વેપાર કરાર દ્વારા ભારતે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે હવે સંરક્ષણાત્મકમાંથી વ્યૂહાત્મક વેપાર તરફ આગળ વધી રહ્યો છે અને પોતાની શરતે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સામેલ થવા માગે છે. બ્રિટન માટે પણ બ્રેક્ઝિટ બાદ યુરોપની બહારના કોઇ દેશ સાથે મહત્વના વેપાર સંબંધો આવશ્યક હતા અને વિશ્વના સૌથી ઝડપથી વૃદ્ધિ કરતું અર્થતંત્ર અને વિશાળ બજાર ધરાવતો ભારત સિવાય અન્ય કયો દેશ પસંદગી બની શકે.
ભારતે જે રીતે પોતાની શરતો પર યુકે સાથે કરાર કર્યો તેનો સીધો લાભ હવે યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથેના વેપાર કરારમાં પણ થઇ શકે છે. બ્રિટનમાં જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, ગારમેન્ટ્સ અને એન્જિનિયરિંગ ગૂડ્સની નિકાસમાં ભારતને વિયેટનામ, બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોની સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે 99 ટકા નિકાસો પર ઝીરો ટેરિફ થતાં ભારત ઉચ્ચ માગ ધરાવતા બ્રિટિશ બજારમાં પોતાનો માર્ગ કંડારી શકશે. તેમાં પણ સેનિટરી એન્ડ ફાયટોસેનિટરી સમાનતા જોગવાઇઓના કારણે ભારતની કૃષિ અને મરીન નિકાસોને મોટો લાભ થશે.
ભારતીય આઇટી, એગ્રિકલ્ચર, લીગલ સર્વિસ, ફાઇનાન્સિયલ કન્સલ્ટિંગ અને એજ્યુકેશન સેકટરના પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવાતાં સર્વિસ સેક્ટરને પણ કરારનો મોટો લાભ થશે. ભારત ઇચ્છતો હતો કે તેનું હ્યુમન કેપિટલ વ્યાજબી શરતો પર બ્રિટનમાં કામ કરે અને તે તેણે હાંસલ કરી લીધું છે. ફાર્મા સેક્ટરમાં પણ યુકેના સ્ટાન્ડર્ડ પ્રમાણેની સુવિધાઓ અપાતાં ભારતની જેનરિક દવાઓની નિકાસ વધશે.
યુકેએ પણ આ વેપાર કરારમાંથી ઘણું હાંસલ કર્યું છે. ભારતમાં થતી તેની 64 ટકા નિકાસો પરનો ટેરિફ તો તાત્કાલિક અસરથી દૂર થશે અને એક દાયકામાં 85 ટકા નિકાસો ટેરિફ મુક્ત બની જશે. વેપાર કરારને પગલે બ્રિટનના ઓટોમોબાઇલ્સ, આલ્કોહોલિક બેવરેજિસ અને પબ્લિક પ્રોક્યોરમેન્ટ સેક્ટરને ઘણા લાભ થવાના છે. જોકે સ્કોચ વ્હિસ્કી પરના ટેરિફમાં ઘટાડાના કારણે ભારતની રાજ્ય સરકારો નારાજ છે અને ઓટોમોબાઇલ સેક્ટર પણ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. બીજી સૌથી મહત્વની વાત એ છે કે બ્રિટિશ કંપનીઓ હવે ભારત સરકાર દ્વારા કરાતી ખરીદી પક્રિયામાં ભાગ લઇ શકશે અને ભારત સરકારના 3.3 લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટોમાં હિસ્સો પ્રાપ્ત કરી શકશે. આ જોગવાઇના કારણે ભારતના એમએસએમઇ સેક્ટરમાં ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે. તેમને હવે સરકારી કોન્ટ્રાક્ટોમાં બ્રિટિશ કંપનીઓની સ્પર્ધાનો સામનો કરવો પડશે.
રાજકીય રીતે જોઇએ તો આ વેપાર કરાર અર્થતંત્રના પ્રતીક સમાન બની રહ્યો છે. બ્રિટન માટે બ્રેક્ઝિટ બાદ વેપાર ક્ષેત્રે આ સૌથી મોટી સફળતા ગણી શકાય તો ભારતે વૈશ્વિક વેપાર વ્યવસ્થાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પોતાની નીતિઓમાં બાંધછોડ કર્યા વિના કરાર કરશે. કરાર પરથી ભારતની વ્યૂહરચના સ્પષ્ટ દર્શાવે છે કે તે ઓછા સંવેદનશીલ સેક્ટરોમાં વધુ રાહતો આપશે પરંતુ ઘરેલુ હિતોના મામલે આકરું વલણ અપનાવશે અને કોઇ સમાધાન નહીં કરે.
હવે આ વેપાર કરાર કેટલો સફળ રહેશે તે જોવાનું રહ્યું. તેની સફળતા કે નિષ્ફળતા વેપાર આંકડાના આધારે જ નક્કી થશે નહીં પરંતુ નિકાસમાં વધારો, કોર સેક્ટરોની સુરક્ષા, ઘરઆંગણાની નારાજગી જેવા પડકારો મધ્યે ભારતનું નવું વેપાર મોડેલ કેટલું કારગર રહે છે તે પણ જોવાનું રહેશે.