સામુદાયિક વિરાસત, ઓળખ અને સ્થિતિસ્થાપકતાનું સન્માન કરતા ગુજરાત સમાચાર દ્વારા બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને સેવા અને ઘડતરના 53 નોંધપાત્ર વર્ષોની ઉલ્લાસિત ઊજવણી કરવામાં આવી હતી. વિશ્વાસ, વિરાસત અને સામુદાયિક સંબંધોના પાંચ દાયકાથી પણ વધુ સમયને ઉજવતા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે 4 જુલાઈએ ગુજરાત સમાચારની 53મી વર્ષગાંઠના પ્રસંગે સંસ્મરણીય સોવિનિયર ‘સોનેરી સ્મૃતિગ્રંથ-એ ટાઈમલેસ ટ્રેઝર’ના લોકાર્પણ સાથે ગૌરવશાળી માઈલસ્ટોન સ્થાપિત કરાયો હતો. આ વિશિષ્ટ દ્વિભાષી પ્રકાશન આ સમાચાર સાપ્તાહિકોની સ્થાપના થઈ ત્યારથી તેમની સાથે આત્મસાત કરાયેલા સમૃદ્ધ વિરાસત અને પત્રકારિત્વના મૂલ્યોને હાર્દિક આદરાંજલિ છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલ હંમેશાં કહેતા આવ્યા છે તેમ, ‘અમે દસ્તાવેજી નોંધવહીનાં પેપર છીએ’ અને આ સંવેદના આ સોવિનિયર એડિશનમાં વિશેષરૂપે પ્રતિબિંબિત થાય છે.
સોનેરી સ્મૃતિગ્રંથ વિશિષ્ટ બિઝનેસમેન્સ, પરગજુ અને ઉદારચરિત મહાનુભાવો, રાજકારણીઓના પ્રેરણાદાયક સ્થળાંતરની કથાઓની સાથોસાથ હિંમત, ધીરજ અને રૂપાંતર-પરિવર્તનની કથાઓનું આલેખન છે. અતિ દુર્લભ તસવીરો અને ગાઢ અંગત વિચારચિંતનો સાથે આ ગ્રંથ વિનમ્ર આરંભથી બ્રિટિશ સમાજના સ્તંભ બનવા સુધી પહોંચેલા વિશિષ્ટ વ્યક્તિત્વોની જીવનયાત્રાની તવારીખ આલેખે છે. આ પુસ્તક માત્ર ભૂતકાળની ઝાંખી કરાવવા પૂરતું નથી, એ તો આપણે ક્યાંથી આવ્યા, આપણે શું બન્યા અને આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવા માર્ગદર્શન આપનારા મૂલ્યોનું શાશ્વત સ્મૃતિપત્ર છે.
નમિતા શાહે ઈવેન્ટનું સંચાલન કર્યું હતું જેનો આરંભ ભારતીય વિદ્યા ભવનના ડાયરેક્ટર ડો. એમ એન નંદકુમારા MBE દ્વારા વેદિક પ્રાર્થનાઓના ગાનથી કરાયો હતો. ઈવેન્ટમાં ઉપસ્થિત મહાનુભાવોમાં લોર્ડ ડોલર પોપટ, પૂર્વ સાંસદ વીરેન્દ્ર શર્મા, લોર્ડ ક્રિશ રાવલ, લોર્ડ નવનીત ધોળકિયા, કાઉન્સિલર અંજના પટેલ, માઈક પટેલ, WO અશોક ચૌહાણ, કમલ પાણખણીઆ, પ્રણવ વોરા, નિરવ પટેલ, કાઉન્સિલર પરવીન રાની, વિમલજી ઓડેદરા, ડો. ભરત શાહ તેમજ પત્ની સજની ધામેચા સાથે આનંદ ધામેચાનો સમાવેશ થયો હતો. MFS ટીમનું પ્રતિનિધિત્વ મારીઆ ગિલ્બર્ટ, ઝીશાન ખાન, શેરોન હેવેસ, લીહ બ્રનસ્કીલે કર્યું હતું. કોમ્યુનિટીના અન્ય અગ્રણીઓએ પણ ઈવેન્ટની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
આ સલૂણી સંધ્યાના યજમાન લોર્ડ ભીખુ પારેખે જણાવ્યું હતું કે, ‘આ પળે હું પાંચ દાયકા કરતાં વધુ સમયથી સમર્પણ અને નિષ્ઠા સાથે આ પ્રકાશનને આગળ વધારનારા મારા પ્રિય મિત્ર સીબી પટેલને અભિનંદન પાઠવવાની તક ઝડપી લેવા ઈચ્છું છું. તેઓ વધુ 50 વર્ષ આ કામગીરી સંભાળતા રહે અને તે સીમાચિહ્નની ઊજવણી કરવા આપણે બધા એકત્ર થઈએ તેવી મારી લાગણી છે! કોઈ પણ જર્નલનું એડિટિંગ કરવું તે પુસ્તકો લખવા કરતાં પણ ઘણું જટિલ અને મુશ્કેલ કાર્ય છે. આ અનેક પેઢીઓ, સંસ્કૃતિઓ, આસ્થા-ધર્મો, અને કોમ્યુનિટીઓ, નવા માઈગ્રન્ટ્સ અને દીર્ઘકાળથી વસેલા પરિવારોની એકસરખી સેવા કરવાની બાબત છે. સફળ પબ્લિકેશને ધ્યાનકેન્દ્રી અને બહુઆયામી હોવાં સાથે તમામ પશ્ચાદભૂના વાચકોને આકર્ષિત કરવાની શક્તિ ઉપરાંત, સ્પષ્ટ એડિટોરિયલ અવાજ જાળવતા રહેવું આવશ્યક છે.’ લોર્ડ પારેખે ઉમેર્યું હતું કે, ‘આ કરવા માટે વ્યક્તિ પાસે ગાઢ કોમ્યુનિટી સંપર્કો, પ્રજાની સેવા કરવાની પ્રતિબદ્ધતા અને મજબૂત એડિટોરિયલ વિઝન હોવું જરૂરી છે. ગુજરાત સમાચારે સાતત્યપૂર્વક આપણી સાથે સંપર્ક, આપણને માહિતગાર રાખવા અને ઘણી વખત આપણું મનોરંજન કરવાના ગુણો દર્શાવ્યા છે. આ માટે સીબી આપણા હૃદયપૂર્વકના આભાર અને ઉષ્માસભર અભિનંદનોના અધિકારી છે.’
કોમ્યુનિટીના અગ્રણીઓએ સંસ્કૃતિઓનાં સેતુ બની રહેવામાં સીબી પટેલની ભૂમિકાને બિરદાવી
માર્કેટિંગ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ (MFS)ના માર્કેટિંગ વડા લીહ બ્રનસ્કીલે જણાવ્યું હતું કે ‘આજનો દિવસ માત્ર જર્નાલિઝમના 53 વર્ષ વિશે નથી, પરંતુ કોમ્યુનિટીના નિર્માણને સંબંધિત છે. સીબી પટેલ યુકે, ઈન્ડિયા અને તેનાથી પણ આગળના પ્રદેશો વચ્ચે ટાઈમલેસ બ્રિજ-સમયાતીત સેતુ બની રહ્યા છે. ‘ટાઈમલેસ ટ્રેઝર’ સુંદર રીતે આ વિરાસતને પ્રતિબિંબિત કરે છે. MFSમાં અમે આ નકશકદમને અનુસરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. ધીરાણ આપવા ઉપરાંત, અમે ચિલ્ડ્રન વિથ કેન્સર યુકે, ગો બિયોન્ડ સહિતના ઉદ્દેશો અને ‘લોહાણા બિઝનેસ ડિનર’ જેવા ઈવેન્ટ્સને સપોર્ટ કરીએ છીએ. અમારું મિશન ફાઈનાન્સથી પણ આગળ વધેલું છે. અમે CPD-એક્રિડેટેડ કોર્સીસથી પ્રોપર્ટી ટૂલ્સ સુધી નિઃશુલ્ક શૈક્ષણિક વિષયો ઓફર કરીએ છીએ. 2.4 બિલિયન પાઉન્ડની લોન બૂક અને 3.5 બિલિયન પાઉન્ડના લક્ષ્ય સાથે વૈવિધ્યતા મુખ્ય ચાવી છેઃ અમારો 44 ટકા સ્ટાફ અને 41 ટકા લીડર્સ મહિલાઓ છે તેમજ 37 ટકા વૈવિધ્યપૂર્ણ પશ્ચાદભૂ સાથે આવે છે. અમે સમાવેશિતા અને સેવા, બંને માટે બિરદાવાયા બદલ ગૌરવ અનુભવીએ છીએ.’
આનંદ ધામેચાએ જણાવ્યું હતું કે,‘હું આ સન્માન માટે સીબી અંકલ, લોર્ડ પારેખ અને સર્વ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી શરૂ કરવા ઈચ્છું છું. ગુજરાત સમાચારના 53 વર્ષની ઊજવણી એ વિશિષ્ટ ઘટના અને અભૂતપૂર્વ સિદ્ધિ છે. સીબીના કાર્યોએ માત્ર ભારતીય કોમ્યુનિટીની સેવા કરી નથી, પરંતુ પેઢીઓને સાંકળી બ્રિટન અને ભારત વચ્ચે ટકાઉ સેતુનું નિર્માણ કર્યું છે.’ આનંદભાઈએ પોતાના પરિવારની યાત્રા વિશે જણાવ્યું હતું કે, ‘મારા દાદા સારા જીવનની ઈચ્છા સાથે તેમના ભાઈઓ સહિત 1974માં ઈસ્ટ આફ્રિકાથી સ્થળાંતર કરી યુકે આવ્યા હતા. તેમના બલિદાનો અને સખત પરિશ્રમ થકી તેમણે આજે અમારી પાસે જે પણ છે તેનો પાયો નાખ્યો હતો. અમે તેમને ગુમાવ્યા છે, છતાં તેમની વિરાસત આજે પણ અમને માર્ગદર્શન આપી રહી છે. ભારત સાથે અમારા સંબંધો-મૂળિયાં મજબૂત રહ્યાં છે. અમારો ઉછેર લંડનમાં કરાયો છે, પરંતુ અમારા મૂળ જોડાયેલાં રહે તેની ચોકસાઈ અમારા માતાપિતાએ રાખી છે. અમે મારા દાદીનાં 90મા જન્મદિનની ઊજવણી કરવા આગામી સપ્તાહે ભારત જઈ રહ્યા છીએ. તેઓ હજુ ત્યાં જ રહે છે. અમારા પરિવારની નારીશક્તિએ અમારી યાત્રાનું ઘડતર કર્યું છે. યુવાનીમાં વિધવા થયેલાં મારા પરદાદીએ 1976માં અમારો પારિવારિક બિઝનેસ શરૂ કરવામાં મદદ કરી હતી. આજે અમે 13 કેશ એન્ડ કેરીઝ ચલાવીએ છીએ અને તેમની ધીરજ અને મક્કમતાના સન્માનમાં અમારા તમામ સખાવતી કાર્યો તેમના નામે જ કરવામાં આવે છે.
લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે,‘ બૌદ્ધિકતાના દિગ્ગજો અને આપણને સહુને પ્રેરણા આપનારા સ્ટોરીટેલર્સ સીબી પટેલ અને લોર્ડ ભીખુ પારેખના સંબોધન પછી બોલવાનું કદી સરળ હોતું નથી. આજે અહીં એશિયન પ્રતિભાઓની આકાશગંગા એકત્ર થઈ છે તેને નિહાળી મને ગૌરવ અનુભવાય છે. એક વખત કોઈએ મને પૂછ્યછયું હતું કે હું કેવી રીતે નાણા વગર બ્રિટન આવ્યો અને સફળ જીવનનું નિર્માણ કર્યું. મેં તેઓને કહ્યુઃ હું કદાચ નાણા વિના અહીં આવ્યો હોઈશ, પરંતુ હું મારી સાથે કસોટીની એરણે અડીખમ રહેલાં સમૃદ્ધ સનાતની મૂલ્યો લાવ્યો હતો. આ મૂલ્યો અને સીબી પટેલ જેવા આદર્શ નાયકોએ આપણી કોમ્યુનિટીને એક અવાજ આપ્યો જે અગાઉ કદી હતો નહિ. ગુજરાત સમાચારે અમને ચિંતન કરતા શીખવ્યું છે કે જો આપણી કોમ્યુનિટીના અન્ય લોકો સફળ થઈ શકતા હોય તો અમે પણ થઈ શકીએ છીએ.’ લોર્ડ રેન્જરે ઉમેર્યું હતું કે, ‘અમે કઠોર પરિશ્રમ, વફાદારી અને મજબૂત મૂલ્યો સાથે આ દેશ માટે સંપત્તિ બન્યા છીએ. યુગાન્ડા છોડી જવાની ફરજ પડી હતી તેવા અમને અહીં ભરપૂર તક અપાઈ હતી, હવે યુગાન્ડા પણ અમને પાછા આવવા આમંત્રણ આપી રહ્યું છે. નાણા થકી નાણા બનાવી શકાતા નથી, લોકો બનાવે છે. પ્રદીપ ધામેચા જેવા અગ્રણીઓએ બિઝનેસીસનું નિર્માણ કર્યું છે અને ઋણપરત કર્યું છે. હું બ્રિટનને સલામ કરું છું, જ્યાં વૈવિધ્યતાને માત્ર સ્વીકારાતી નથી, કાયદા થકી રક્ષણ પણ અપાય છે, આ જ સાચી શક્તિ છે.’ તેમણે લાગણીભીના થઈ ઉમેર્યું હતું કે, ‘અને સીબી ભાઈ, તમે તો ગણનાપાત્ર રોલ મોડેલ છો. તમારી અતિ તીક્ષ્ણ યાદદાસ્તને કઈ ચીપથી શક્તિ મળે છે તે મારે જાણવું છે. તમે દાયકાઓ અગાઉના લોકો અને યાદગાર ક્ષણોને એવી રીતે મમળાવો છો જાણે તે ગઈ કાલે જ બની હોય!’
યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણીએ જણાવ્યું હતું કે,‘યુકે અને વિશ્વને ઘડનારા વિચારોએ આકાર લીધો છે તેવા ઐતિહાસિક હાઉસ ઓફ લોર્ડ્સમાં આપ સહુની સમક્ષ ઉભા રહેવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. આજે માત્ર ભૂતકાળની વાત નથી, આપણા સાંસ્કૃતિક અને સાહિત્યિક ફલકને સાંપડેલા યોગદાનની ઊજવણી છે. આપણી ઓળખ, સ્થિતિસ્થાપકતા અને તમામ ખંડોમાં આપણને સાંકળી રાખનારા પ્રગાઢ મૂલ્યોને આવરી લેતાં સોનેરી, સમયાતીત, ખજાના સ્વરૂપ સોનેરી સ્મૃતિગ્રંથના લોકાર્પણ પ્રસંગે સીબી પટેલ અને તેમની ટીમને આપણે તાળીઓથી વધાવી લઈએ. આ પુસ્તક સાહિત્યિક સિદ્ધિથી વિશેષ છે, આ તો યુગાન્ડાથી ભારત અને યુકેની પેઢીઓ, રાષ્ટ્રો અને સમુદાયો વચ્ચેનો સેતુ છે. પ્રતિનિધિત્વ વિનાના અવાજો અને ખાસ કરીને મહિલાઓ અને યુગાન્ડાથી હકાલપટ્ટી કરાયેલા લોકોના અવાજોને ઊંચે ઉઠાવવાની તમારી આજીવન પ્રતિબદ્ધતા ખરેખર નોંધપાત્ર છે. તમે આ કથાઓનું જતન કર્યું છે, સંવાદની પ્રેરણા આપી છે અને વૈશ્વિક બિરદાવલીને પાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાથર્યો છે. આ પુસ્તક સમગ્ર વિશ્વમાં શાળાઓ, લાઈબ્રેરીઓ અને ઘરેઘરમાં પહોંચવું જોઈએ. અને સીબી, આ સમયે આખરે તમે યુગાન્ડાની મુલાકાત લીધી છે, તમે દાયકાઓ સુધીની અમારી કહાણીઓ કહી છે. અમે ખુલ્લા દિલના છીએ, સ્વાગત માટે તૈયાર છીએ અને પ્રગતિ સાધી રહ્યા છીએ. યુગાન્ડા એરલાઈન્સની સપ્તાહમાં ચાર ડાયરેક્ટ ફ્લાઈટ્સ અને બે જ દિવસમાં વિઝા એપ્રુવલ સાથે અમે કહીએ છીએઃ આવો અને ધરતી પરના અમારા સ્વર્ગને નિહાળો.’
લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા, આનંદ ધામેચા, કમલ પાનખણીઆ, કમલેશ માધવાણી, હાઈ કમિશનર નિમિષા માધવાણી, સી.બી. પટેલ, લોર્ડ ક્રિશ રાવલ, લોર્ડ રેમી રેન્જર અને ડો ભરત શાહે સોનેરી સ્મૃતિગ્રંથની સ્મરણીય પ્રતનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત સમાચારની પડખે રહેલા પ્રણેતાઓનું સન્માન
યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષાબહેન માધવાણીએ ABPL સાથે ચાર દાયકાથી વધુ સમયથી અભૂતપૂર્વ યોગદાનો તેમજ વ્યાપક સમુદાયને સમર્પિત સેવા આપવા બદલ ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટરો, જ્યોત્સનાબહેન શાહ અને કોકિલાબહેન પટેલને સન્માનિત કર્યાં હતાં.
આ ટાઇમલેસ ટ્રેઝરમાં આપણી વસાહતના માઇગ્રેશનની ગાથા, ગૌરવવંતો ઇતિહાસ, અતીતના અઢળક સંસ્મરણો છેઃ જ્યોત્સનાબહેન શાહ
ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘આજની ઘડી સાચે જ રળિયામણી છે. આપ સૌ માનવંતા મહેમાનો સાથે મળીને એની ઉજવણી થઇ રહી છે. ગુજરાત સમાચારની ૫/૧૦/૧૫/૨૫ નહિ, પૂરાં ૫૩ વર્ષની લાંબી જર્ની-દીર્ઘ સફરની સફળતાનો શુભ અવસર હાઉસ ઓફ લોર્ડ્સના આંગણે લોર્ડ ભીખુભાઇ પારેખની નિશ્રામાં અને આપ સૌ માનવંતા મહેમાનોની હાજરીમાં ઉજવાઇ રહ્યો છે. આટલી લોંગ ઇનીંગ્સ વિદેશની ધરતી પર સફળતાપૂર્વક કરવી એ એક ઐતિહાસિક, સીમાચિહ્ન સમી ઘટના છે. આ ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ’ના લોકાર્પણની મંગળ ઘડીને વધાવતા આનંદ અને ગૌરવ ઉપજે છે.
અમારા તંત્રીશ્રી સી.બી.પટેલનું વિઝન હંમેશાં જરા હટકે હોય છે. આ ઉંમરે પણ એમનું દિમાગ ૧૮ વરસના થનગનતા યુવાન જેમ નવાં નવાં સોપાનો સર કરવા થનગનતું હોય છે.
સાથે-સાથે અમને બધાંને પણ દોડતાં કરી દે છે. અમે નસીબદાર છીએ કે એમની આગેવાનીને કારણે દિમાગી કસરત ચાલુ રહે છે જે અમને યંગ રાખે છે!
આ ટાઇમલેસ ટ્રેઝરમાં મારી-તમારી-આપણા સૌની કહાણી માત્ર નથી, આપણી વસાહતના માઇગ્રેશનની ગાથા પણ છે. ગૌરવવંતો ઇતિહાસ છે. જેમાં આપણા ગુજરાતીઓની સાહસસભર, પરિશ્રમ અને ખમીરવંતી પ્રજાની પ્રેરક કથાઓ છે. આ સદાબહાર સંગ્રહના પાનાં ઉથલાવીશું ત્યારે આપણાં અતીતનો સમૃદ્ધ ખજાનો ખોલવા જેવો આનંદ થશે.
આપણે બધાં જ્યારે સ્વદેશની ધરતી છોડી વિદેશની વાટે નીકળ્યા હોઇશું ત્યારે આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકરની કવિતા જેવા ભાવ ઉપજ્યા હશે!
‘ભોમિયા વિના
મારે ભમવા છે ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી,
જોવી’તી કોતરો
ને જોવા’તા કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી’
પંક્તિની જેમ સપનાંઓની પાંખે બેસી કંઈ કેટલાય ઝગારા મારતા ઇરાદાઓનું આંજણ આંજી આપણે સફર ખેડી હશે? વિદેશની ધરતીને કર્મભૂમિ બનાવવા પાછળના મનોરથો: સારૂં શિક્ષણ મેળવીએ, બે પૈસા કમાઇએ, પેઢીઓની પેઢી ખાય એટલું ધન ભેગું કરીએ, આપણી જીવનશૈલી ઊંચા દરજ્જાની બનાવીએ, સફળતા અને સિદ્ધિ આપણને વરે વગેરે વગેરે.
એ જ રીતે પત્રકારત્વ પ્રવેશના પાયાની ABC- એક્યુરસી, બ્રેવીટી અને ક્લેરીટીને લક્ષ્યમાં રાખી તંત્રીશ્રીએ ’ગુજરાત સમાચાર’નું સુકાન હાથમાં લીધું એમાં 4 R - Responsive, Resourceful, Rapid and Respect કેન્દ્ર સ્થાને રાખી લખાણમાં ઉતાર્યા. સાહિત્ય-સંગીત-કલા-સંસ્કૃતિ-ધર્મને ઉત્તેજન આપ્યું, સમાજનું દર્પણ બનીને રહ્યા…સદાય વાચકોને મહત્ત્વપૂર્ણ દરજ્જો આપ્યો. સામે એટલો જ, એથી વધુ પ્રેમ વાચકો-ચાહકો-શુભેચ્છકોનો મળ્યો જેના કારણે ગુજરાત સમાચાર આ લાંબી, સફળ, સિદ્ધિ મેળવવા સમર્થ બન્યું.
ગુજરાત સમાચાર સાથે એશિયન વોઇસ અને પહેલાનું ન્યુ લાઇફ સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અસ્તિત્વમાં આવ્યાં અને ABPL group ના અનેક વિવિધ વિષયોલક્ષી પ્રકાશનો સમાજના હિતાર્થે પ્રસિદ્ધ થતાં રહ્યાં. હું ચાર દાયકા કરતા વધુ સમયથી એનો હિસ્સો બની છું એનું મને ગૌરવ છે. મને ઘણું બધું શીખવાં મળ્યું છે. સહતંત્રીથી મેનેજીંગ તંત્રી અને હાલ કન્સલ્ટિંગ એડીટર સુધી મારાં વ્યક્તિત્વને ખીલવાનો અવકાશ મળ્યો છે જે ગુજરાત સમાચારને આભારી છે.
આ ગ્રંથમાં અતીતના અઢળક સંસ્મરણો છે, વ્યક્તિવિશેષોની યશગાથાઓ છે, મોજ ગઠરીયા છે, જીવંત પંથ છે. બ્રિટનભરની આપણી વિવિધ હેતુલક્ષી સંસ્થાઓની, જ્ઞાતિસમાજોની સ્થાપના, વિકાસ અને પ્રવૃત્તિઓનું આલેખન કરતા સચિત્ર લેખો વગેરેનો સમાવેશ કરાયો છે.
સાહસ-સંઘર્ષ-સિદ્ધિઓનો બોલતો ઇતિહાસ... ૩૫૦ પાનાંનો આ દળદાર ગ્રંથ જેમાં વિપુલ પ્રમાણમાં સામગ્રી છે. દશે દિશાઓએથી પ્રાપ્ત થયેલ શુભ વિચારો અને સૌના સાથ-સહકારથી અમારી પત્રકારત્વની યાત્રા રોમાંચક બની. આ સોનેરી ગ્રંથના પ્રકાશનથી રોમ રોમ પુલકિત થઇ રહ્યું છે. આ ગ્રંથ આપના પુસ્તકાલયનો શિરમોર બની રહેશે. એમાં ઘણું બધું છે અને ઘણું બધું બાકી છે.. આપણે સૌ મળ્યા છે આજે, હૂંફાળું હેત લઇને, મૈત્રીની મહેંક ફેલાવતા રહીશું ને નવા નવા સીમાડા સર કરતા રહીશું. જય ગુજરાત, જય ગુજરાત સમાચાર.
નિષ્પક્ષ, નીડર અને નીતિપૂર્ણ પત્રકારત્વના
ત્રિવેણીસંગમ જેવા સી.બી.નું વ્યક્તિત્વ વ્યક્તિલક્ષી નહીં,
પણ સમાજલક્ષી છેઃ
કોકિલાબહેન પટેલ
આ પ્રસંગે ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે જણાવ્યું હતું કે, ‘ભારતથી હજારો માઈલ દૂર ઈંગ્લેન્ડની ધરતી પર ગુજરાત અને ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતા એશિયન અખબારોમાં ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ની એક આગવી પ્રતિભા છે. બ્રિટન – યુરોપ સહિત વિશ્વભરમાં જેનો વિશાળ વાચક વર્ગ છે એ ‘ગુજરાત સમાચાર’ના ૫૩ વર્ષની સિદ્ધિદાયક વિકાસયાત્રાની સોનેરી સ્મૃતિઓને, યાદોને સંગ્રહિત કરાયેલા દળદાર સ્મૃતિગ્રંથનું હાઉસ ઓફ લોર્ડસમાં લોકાર્પણ થઇ રહ્યું છે એ ઐતિહાસિક પળે મને પણ ‘ગુજરાત સમાચાર’ સાથેની ૪૨ વર્ષની મારી કારકિર્દી દરમિયાન અનુભવેલી, જોયેલી કેટલીક સ્મૃતિઓને તાજી કરવાનો અવસર સાંપડયો છે. મને ઘણા પત્રકારો, વિદ્વાનો પૂછે છે કે તમે જર્નાલિઝમ કયાં કરેલું? મારી પાસે જર્નાલિઝમની કોઇ ડિગ્રી નથી અથવા મેં કોઇ જર્નાલિઝમનો કોર્ષ કર્યો નથી. આપણા રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૧-૨૨ના અરસામાં એમના જીવનની બનેલી સત્ય ઘટનાને રજૂ કરતાં જણાવ્યું છે કે, કલકત્તામાં કલાર્કની મારી નોકરી છૂટી ગયા પછી હું સાવ દિશાશૂન્ય બની ગયો હતો. એ દરમિયાન શિક્ષકની નોકરી કરવી કે કેમ એવી અવઢવમાં હતો ત્યાં ખરાબે ચડેલા મારા નાવને કિનારો મળે તેમ મારા બે ત્રણ લેખો ‘અમર રસની પ્યાલી’ અને ‘ચોરાનો પોકાર’ સૌરાષ્ટ્ર પત્રમાં છપાયા અને એ પછી પત્રકાર અમૃતલાલ શેઠે મારો હાથ ઝાલ્યો. બસ... આવું જ કંઇક મારા જીવનમાં બન્યું. ન્યુઝ એજન્ટની શોપ વેચ્યા પછી હું પણ સાવ દિશાશૂન્ય હતી. ત્યાં ડી.આર શાહ અને જ્યોત્સનાબહેનનો ભેટો થયો. એમના સંપર્કથી મને અંગ્રેજી કે ગુજરાતી ટાઇપીંગનો કશો અનુભવ નહીં તેમ છતાં ૧૯૮૩ના ઓકટોબરમાં યુકેસ્થિત ગુજરાત સમાચારમાં ગુજરાતી ટાઇપસેટર તરીકે નોકરી મળી. જર્મન મેક લાઇનોટર્મ કમ્પયુટર કયારે ય જોયું ન હતું તેમ છતાં એકાદ વીકમાં જ કીબોર્ડ પર સમાચારોનું કમ્પોઝીંગ કરતાં ઝડપભેર આંગળીઓ ફરતી થઇ. એ દરમિયાન એકાદ મહિનામાં ગુજરાત સમાચારના તંત્રીશ્રી શ્રી સી.બી.પટેલે મારામાં ત્વરિત ટાઇપસેટર બની શકવાની ધગશ અને આત્મશક્તિને પિછાણી તંત્રીમંડળની મિટીંગમાં કહ્યું ‘કોકિલાબેન, તમે પણ લખવું હોય તો લખી શકો છ’! જાણે સાહેબે મારાં હૈયે બળબળતા વિચારોને વાચા આપવાનું આહવાન કર્યું. સંકુચિત વિચારધારા અને કુરિવાજોના કટુ અનુભવોને વાચા આપવા માંહ્લલો જાગ્રત થયો અને મારી કલમેથી ‘દહેજનું દૂષણ’ અને ‘નારી તું નારાયણી’ના લેખ કંડારાયા. જે મેં સી.બી સાહેબના હાથમાં મૂક્યા. મેં સ્વાનુભાવી લેખો વાંચી સાહેબ લાગણીસભર બન્યા. બસ...! અહીંથી મારાં પત્રકારત્વની કેડીનો આરંભ થયો.
‘ગુજરાત સમાચાર’ને મારાં માટે એક પત્રકારત્વની પાઠશાળા ગણું છુ. ગુજરાત સમાચાર સાથેના લાંબા કાર્યકાળ દરમિયાન સી.બી. સાહેબના માર્ગદર્શન અને પ્રેરણા થકી હું ટાઇપસેટરથી માંડી સ્પેશિયલ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, એસોસિએટ એડિટર, મેનેજિંગ એડિટર અને કન્સલ્ટિંગ એડિટર એમ વિવિધ હોદ્દેથી ફરજપરસ્તી નિભાવી શકી. પત્રકારત્વની કેડી પર માર્ગદર્શક બનેલા સી.બી.સાહેબને હં મારા ગુરુવર્ય માનું છું. મારી કારકિર્દીના નિચોડ સમા કેટલાક લેખો, બોલીવુડ હસ્તીઓ, રાજકારણીઓ, વ્યવસાયીઓના ઇન્ટરવ્યુ કરતા લેખોનો સંચય કરતા ૩૫૦ પાનના દળદાર પુસ્તક ‘એક જ દે ચિનગારી’ને મેં સી.બી. સાહેબને અર્પણ કર્યું છે.
પત્રકારત્વ સમાજજીવનની આરસી છે.' અખબારને લોકશાહીનો પ્રહરી કહેવામાં આવે છે. લોકશાહીમાં લોકમત ઘડવાની સાથે લોકરુચિનું ઘડતર કરવાની અઘરી જવાબદારી અખબારે નિભાવવાની હોય છે. નીડરતા અને વિચારગાંભીર્ય એ પત્રકારના આભૂષણો છે. સી.બી. પટેલની આવી વિચારધારા, ધગશ, નીડરતા અને ટીમ વર્કે ‘ગુજરાત સમાચાર’માં જાણે જોમ પૂર્યું.
તંત્રીમંડળ સાથે સી.બી. સાહેબની દર સોમ, મંગળ અને બુધવારે સવારે મીટિંગ થાય ત્યારે સૌએ લેટેસ્ટ સમાચારોના લિસ્ટ સાથે હાજર રહેવાનું. વર્ષોથી ચાલતા નિત્યક્રમની કવાયત આજેય ચાલુ જ છે. સમાચારોમાં શરતચૂક થાય તો સી.બી.સાહેબ મીઠી ટકોર સાથે રોજના દૈનિક અખબારો અને રેડિયો-ટીવીના સમાચારો પર નજર રાખવા તાકીદ પણ કરે. સૌ સાથે બેસીને અગત્યના સમાચારોનું વિશ્લેષણ પણ કરે અને તંત્રીમંડળને સચેત રાખવા ‘ચિંતનથી ચેતના આવે’ એવા પ્રેરણામંત્ર પણ આપે. તંત્રીમંડળ સાથે માર્કેટીંગ, એડવર્ટાઇઝીંગ વિભાગના કર્મચારીઓને હંમેશાં જાગૃત રહેવા તાકીદ કરે. એમની સાથે દર સપ્તાહે અચૂક મીટિંગ યોજાય અને નવી દિશામાં નવા દ્વાર ઉઘાડવા પ્રોત્સાહિત કરે. સાથીદારની સારી કામગીરીને બિરદાવવામાં સી.બી. સહેજેય દિલચોરી ન કરે અને ક્યાંક કોઇથી કાચું કપાયું હોય તો આંગળી ચીંધતા પણ ન ખચકાય. ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ એ એમનું સૂત્ર. સહિયારી મહેનત, કર્મનિષ્ઠા અને કુનેહપૂર્વકના આયોજનથી ગ્રૂપના પ્રકાશનો વધુને વધુ લોકભોગ્ય બનતાં ગયાં. નિર્ભય–નિષ્પક્ષ પત્રકારત્વની સાથોસાથ સી.બી.ના સતત જનસંપર્ક અને વ્યવહારુ દૃષ્ટિથી જાણે સોનાના સુગંધ ભળી. સમાજમાં બનતા સારા, માઠા પ્રસંગોએ તેમજ અનેક કાર્યક્રમો, સમારંભોમાં સી.બી.ની હાજરી અચૂક હોય જ. એમની સાથે હું, જયોત્સનાબહેન, સુરેન્દ્રભાઇ, કિશોરભાઇ કે પૂજાબેન તથા એશિયન વોઇસની મેનેજીંગ એડિટર અમારી રુપાંજનાએ ઘણા સમારંભોમાં હાજરી આપી છે.
‘મારા ઈષ્ટદેવ ભગવાન શંકર પછી મારો વાચક જ મારો ભગવાન છે ’ એવો મનોભાવ વારંવાર અમારી સમક્ષ રજૂ કરતા સી.બી. પટેલને વાચકોએ ખૂબ પ્રેમ, આદર, સત્કાર અને સહકાર આપ્યો છે. સી.બી.એ અખબારી વ્યવસાયને ધનોપાર્જનનું સાધન નહીં, પરંતુ સમાજ પર આવી પડતી આપત્તિઓથી બચાવતી ઢાલરૂપ બનાવ્યો છે. આથી જ લોકોએ તેમને અઢળક માન-સન્માન આપ્યાં છે.
સમાજ પર કોઈ આફત કે વિટંબણા આવે ત્યારે ગમે તેવા ચમરબંધીની લેશમાત્ર શેહશરમ રાખ્યા વિના નિર્ભીકપણે અંગૂલિનિર્દેશ કરવાની તેમણે ફરજ સમજી છે. આથી જ નિષ્પક્ષ, નીડર અને નીતિપૂર્ણ પત્રકારત્વના ત્રિવેણીસંગમ જેવા સી.બી.નું વ્યક્તિત્વ આજે વ્યક્તિલક્ષી નહીં, પણ સમાજલક્ષી બની ગયું છે.
સી.બી. સાહેબ સાથે અમને પણ સમાજે ખૂબ પ્રેમ, સન્માન અને સહકાર આપ્યાં છે. આપણા સમાજના સૌ અગ્રગણ્ય મહાનુભાવો, જાહેરાતદાતાઓ શુભેચ્છકોએ સદા સર્વદા અમને માન આપી મીઠો આવકાર આપી ગુજરાત સમાચારના સેવાયજ્ઞ જ્ઞાનયજ્ઞને સતત ઝળહળતો રાખ્યો છે એ બદલ સૌનો હું સહ્રદય આભાર વ્યક્ત કરૂં છું.
કારમા કોરોનાકાળ વખતે ઘરમાં પૂરાયેલા વાચકોને નિયમિત અખબાર પહોંચાડીને વાંચન પૂરું પાડ્યું છે. એવા કપરાકાળમાં મારાં ‘રમૂજ ગઠરિયા’ના હાસ્યલેખોએ ઘરમાં બેઠેલા વાચકોને આનંદ આપ્યો એનાથી જ અમારો પત્રકારત્વનો ધર્મ-કર્મ સફળ થયો.
ધન્યવાદ. જય ભારત જય બ્રિટન’
આ સોવિનિયર આપણી કોમ્યુનિટીની ભાવના, સંઘર્ષો અને સિદ્ધિઓનું પ્રતિબિંબ છેઃ સીબી
ઈવેન્ટના સમાપન સમયે સી.બી પટેલે જણાવ્યું હતું કે, ‘હું અહીં ઉપસ્થિત રહેલા અને હાજર ન રહી શકેલા તમામ પ્રત્યે હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરવા ઈચ્છું છું. આ પુસ્તક સોવિનિયરથી પણ વિશેષ છે, તે ભારતીય મૂળના 2 મિલિયનથી વધુ લોકોની યાત્રાની તવારીખ છે. તે આપણી કોમ્યુનિટીની ભાવના, સંઘર્ષો અને સિદ્ધિઓનું પ્રતિબિંબ છે. આ કથાઓ તમારા ગ્રાન્ડચિલ્ડ્રનને વાંચી-કહી સંભળાવવા અનુરોધ કરું છું, જેથી તેઓ પણ સમજી શકે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે શું નિર્માણ કર્યું છે અને આપણે કેટલી પ્રગતિ સાધી છે. આ દેશે આપણને ઘણું આપ્યું છે અને આપણે પણ તેની મહાનતામાં યોગદાન આપ્યું છે. આપણી આસ્થાઓ અને પરંપરાઓનું વૈવિધ્ય આ પાનાઓ પર આલેખાયું છે, જે દર્શાવે છે કે બ્રિટિશ ભારતીય કથા અસામાન્યથી જરા પણ ઉતરતી નથી. આપણે માત્ર ભૂતકાળમાં ડોકિયું કરી રહ્યા નથી, આપણી નજર ભવિષ્ય તરફ પણ છે. આપણે અત્યાર સુધી જે હાંસલ કર્યું છે તે તો માત્ર શરૂઆત છે. આ પ્રકાશન અને આપણી કોમ્યુનિટીના ભવિષ્ય બાબતે અમારી પાસે મહત્ત્વાકાંક્ષી યોજનાઓ છે. આપણી વિરાસતને આગામી 50 વર્ષ અને તેથી પણ આગળ લઈ જવાં અહીં અને ભારતમાં પણ નવી પેઢીએ ઉત્સાહપૂર્વક કામગીરી સાથે આગેકૂચ માંડી છે. આ માત્ર ઈતિહાસની જાળવણી કરવાની વાત નથી, આ ઈતિહાસ રચવાની વાત છે. અમારે તમારા સતત સમર્થન અને સહભાગિતાની જરૂર છે. આ પુસ્તક વાંચો, એકબીજા સાથે વહેંચો અને તેના થકી વિચારો અને વાતચીતની પ્રેરણાને આગળ વધારો. જ્ઞાન ચોક્કસપણે શક્તિ છે, પરંતુ તેમાં તમારા સમય, કુતૂહલ-જિજ્ઞાસા અને હૃદયની લાગણીઓનું રોકાણ કરાવું જોઈશે. આ વિશે હું ઘણો આશાવાદી છું.
આ ઈવેન્ટ, આ ટીમ અને આ સહભાગી યાત્રાએ મને જોમ, જુસ્સો અને શક્તિ આપ્યાં છે. હું ભલે 89 વર્ષનો હોઈશ, પરંતુ વૃદ્ધ હોવાનું મને કદી લાગ્યું નથી. આનું કારણ એ જ છે કે હું કાળજી રાખનારા લોકોથી ઘેરાયેલો રહી સતત અર્થસભર કાર્ય કરવાનું ચાલુ રાખું છું.’ Photo courtesy: Vineet Johri