ઝાલાવાડમાં સરકારી શાળાના મકાનનો એક ભાગ ધરાશાયી થવાથી 7 બાળકોનાં મોત થયાં છે, જ્યારે 9 બાળકો ગંભીર રીતે ઘયાયાં હતાં. શુક્રવારે સવારે જિલ્લાના મનોહર થાણા બ્લોકની પીપલડા સરકારી શાળામાં એક ક્લાસરૂમ ધરાશાયી થયો હતો. ઘટના સમયે શાળામાં 35 બાળકો હાજર હતાં.
• ટ્રેન બ્લાસ્ટ કેસના આરોપીઓની મુક્તિ પર રોકઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે 2006ના મુંબઈ સિરિયલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. હાઇકોર્ટે 21 જુલાઈએ તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
• આગ્રા ધર્માંતરણ કેસનું પાકિસ્તાન કનેક્શનઃ આગ્રાના રહેવાસી રમેશે પોતાની બંને દીકરી લાપતા હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસની તપાસમાં એક આંતરરાષ્ટ્રીય ધર્માંતરણ સિન્ડિકેટનો પર્દાફાશ થયો. આ પછી સિન્ડિકેટ સાથે જોડાયેલા 11 લોકોની 6 રાજ્યથી ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને વિદેશથી મોટું ફંડ મળી રહ્યું હતું.
• ભારતનો પાસપોર્ટ મજબૂત બન્યોઃ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની હેનલી ઇન્ડેક્સ દ્વારા તાજેતરની યાદી બહાર પાડવામાં આવી છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતીય પાસપોર્ટ 77મા સ્થાને પહોંચી ગયો છે. છેલ્લા 6 મહિનામાં ભારતે 8 ક્રમાંકનો ઉછાળો નોંધાવ્યો છે અને સૌથી ઝડપી સુધારો ધરાવતા દેશોમાં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
• 17 સાંસદો ‘સંસદરત્ન પુરસ્કાર’થી સન્માનિતઃ લોક્સભામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 17 સાંસદોની 'સંસદરત્ન પુરસ્કાર 2025' માટે પસંદગી કરાઈ, જેમાં એનસીપી-શરદ જૂથનાં સુપ્રિયા સુલે, ભાજપના રવિકિશન, નિશિકાંત દુબે તેમજ શિવસેના યુબીટીના અરવિંદ સાવંતનું નામ સામેલ છે. 'સંસદરત્ન પુરસ્કાર'થી સન્માનિત સાંસદોમાં સૌથી વધુ 7 સાંસદો મહારાષ્ટ્રના છે.
• મનસે કાર્યકરોએ ગુજરાતી બોર્ડ તોડ્યાંઃ મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ વકરી રહ્યો છે. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મુંબઈ-અમદાવાદ હાઇવે પરની રેસ્ટોરન્ટ્સના ગુજરાતીમાં લખાયેલા સાઇનબોર્ડ તોડી નાખ્યાં હતાં અને તેમને બોર્ડ તેમજ મેન્યૂ મરાઠી ભાષામાં જ રાખવા ચેતવણી આપી હતી.
• લાડકી બહેન યોજનાના લાભાર્થી 14 હજાર પુરુષોઃ મહારાષ્ટ્ર સરકારની લાડકી બહેન યોજનામાં મોટી છેતરપિંડી આચરાઈ. બહેનો માટેની આ યોજનાના લાભાર્થી 14 હજાર પુરુષો પણ બની ગયા. આ અંગે ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યું કે આ લોકો પર કાર્યવાહી કરાશે અને તેમને મળેલી રકમ પરત વસૂલવામાં આવશે.
• જવાનો માટે ‘વીર પરિવાર મદદ યોજના’: 26 જુલાઈએ કારગિલ દિવસની ઊજવણી નિમિત્તે જવાનોના પરિવારોને કાયદાકીય મદદ માટે સરકારે વિશેષ યોજના લોન્ચ કરી. જેમાં જવાનોના પરિવારોને નિઃશુલ્ક કાયદાકીય સહાય અપાશે.
• રુદ્ર બ્રિગેડ તૈયાર થઈ રહી છેઃ સૈન્ય વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે 26મા કારગિલ વિજય દિવસ પ્રસંગે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં સૈન્યની રુદ્ર બ્રિગેડ દુશ્મનોનો કાળ બનશે. દ્રાસમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ભારતીય સૈન્યના ભવિષ્યની યોજનાની રૂપરેખા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભારતીય સેના વધારે તાકાતવર બનશે.
• દિલીપકુમાર, રાજ કપૂરના નિવાસોનો જિર્ણોદ્ધારઃ જાણીતા ભારતીય અભિનેતા દિલીપકુમાર તથા રાજ કપૂરના પૂર્વજોના પાકિસ્તાનના પેશાવરમાં આવેલા નિવાસસ્થાનોના જિર્ણોદ્ધારનું કામ સોમવારે શરૂ કરાયું. અંદાજે રૂ. 7 કરોડના ખર્ચે અને બે વર્ષમાં સાકાર થનારા આ પ્રોજેક્ટ માટે ખૈબર પખ્તુનખ્વાં સરકાર નાણાં ફાળવશે.
• નેતન્યાહૂની હત્યાના કાવતરામાં વૃદ્ધ મહિલાની ધરપકડઃ ઇઝરાયલની સુરક્ષા એજન્સી શિનબેટે બુધવારે બેન્જામિન નેતન્યાહૂની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં 70 વર્ષીય વૃદ્ધાની ધરપકડ કરી હતી. ઇઝરાયલી પબ્લિક બ્રોડકાસ્ટર અનુસાર મહિલા પર આઈઈડી બ્લાસ્ટ દ્વારા નેતન્યાહૂ પર હુમલો કરવાની યોજના બનાવવાનો આરોપ છે.
• ઓસ્ટ્રેલિયામાં ભારતીય પર હુમલોઃ શનિવારે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં એક ભારતીય ચરણપ્રિતસિંહ પર ક્રૂરતાપૂર્વક હુમલો કરાયો. ચરણપ્રિતસિંહ તેની પત્ની સાથે કારમાં બહાર ગયા હતા. આ દરમિયાન રાત્રે 9 વાગ્યે કાર પાર્કિંગને લઈને તેમનો સ્થાનિક લોકો સાથે ઝઘડો થયો હતો. આ યુવાનોએ ચરણપ્રિત સાથે જાતિગત દુર્વ્યવહાર કરી તેના પર હિંસક હુમલો કર્યો.

