છેલ્લા કેટલાક સમયથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જી-7, જી-20 અને યુરોપ પ્રત્યે બદલાયેલા વલણે સમગ્ર વૈશ્વિક વ્યવસ્થામાં ભૂકંપના આંચકા સર્જ્યા છે. હવે ટ્રમ્પ સી-5 અથવા તો કોર –ફાઇવ નામની એક નવી ગ્લોબલ ફોરમની રચના કરવા વિચારણા કરી રહ્યાં છે. ટ્રમ્પ જી-7 અને જી-20 જેવા પશ્ચિમી આગેવાની હેઠળના પરંપરાગત સંગઠનોને હાંસિયામાં ધકેલી અમેરિકા, ચીન, રશિયા, ભારત અને જાપાનને એક મંચ પર એકઠા કરવા માગે છે.
ગયા સપ્તાહમાં અમેરિકાની 33 પાનાની નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજી જારી કરવામાં આવી હતી. તેમાં પણ કોર-ફાઇવનો કન્સેપ્ટ રજૂ કરાયો છે. ટ્રમ્પ કોર-ફાઇવમાં વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા ભારત, મેન્યુફેક્ચરિંગના કિંગ બની ચૂકેલા ચીન, આર્થિક મહાસત્તા એવા જાપાન અને સંરક્ષણની દ્રષ્ટિએ અત્યંત સશક્ત અને પ્રભાવી રશિયાને પોતાની કાખમાં લઇ વિશ્વમાં ઘટી રહેલા અમેરિકાના વર્ચસ્વને પુનઃસ્થાપિત કરવા માગતા હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે.
એક જમાનામાં સમગ્ર વિશ્વ પર રાજ કરનારા બ્રિટન, સ્પેન, પોર્ટુગલ સહિતના યુરોપના દેશોની સ્થિતિ હવે કફોડી બની રહી છે. તેમનો આર્થિક વિકાસ રૂંધાઇ રહ્યો છે તો સંરક્ષણના મામલે પણ તેઓ અમેરિકા પર બોજારૂપ જ બની રહ્યાં છે. આવી સ્થિતિમાં યુરોપના દેશોના સહારે વિશ્વ પર આધિપત્ય જમાવી રાખવું અમેરિકા માટે શક્ય નથી. 150 કરોડ જેટલી વિશાળ જનસંખ્યા અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ધરાવતા ભારત, મેન્યુફેક્ચરિંગ અને એઆઇમાં વિશ્વને હંફાવી રહેલા ચીન અને પરમાણુ સંપન્ન એવા રશિયા સામે અમેરિકા હવે બાથ ભીડવાની સ્થિતિમાં નથી. તેમાં પણ ભારત, ચીન અને રશિયાનો સમાવેશ કરતા એસસીઓ અને બ્રિક્સ જેવા સંગઠનોના વધતા વૈશ્વિક પ્રભાવને ખાળવા માટે પણ ટ્રમ્પને અલગ વ્યૂહરચના અપનાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વિશ્વમાં અમેરિકાનું પ્રભુત્વ ટકાવી રાખવા કોર-ફાઇવ જેવા હાર્ડ પાવરની આવશ્યકતા ટ્રમ્પને મહત્વની લાગી રહી છે. આજે ભારત, રશિયા, ચીન અને જાપાન વસતીની સાથે સાથે લશ્કરી ક્ષમતા અને વૈશ્વિક પ્રભાવમાં પણ અગ્રેસર છે. કોર-ફાઇવનો આઇડિયા સ્પષ્ટ કરે છે કે અમેરિકા હવે નબળાઓનો નહીં પરંતુ સબળાનો સાથ મેળવીને વિશ્વ પર રાજ કરવા માગે છે. અમેરિકા સારી રીતે જાણે છે કે 21મી સદીમાં એશિયામાં ભારત, ચીન અને જાપાન સુપર પાવર બની રહેવાના છે. યુરોપમાં રશિયાની સામે કોઇનો ગજ વાગવાનો નથી. તેથી જ તેઓ ભારત, રશિયા અને ચીનને વિશેષાધિકાર ધરાવતા વતૃળમાં સમાવવા માગે છે. યુરોપને હાંસિયામાં ધકેલવાથી અમેરિકાને કોઇ નુકસાન થવાનું નથી. હવે જોવું રહ્યું કે અમેરિકાનો આ દાવ કેટલો સફળ થાય છે.
