ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન દિલ્હી ખાતે પક્ષના મુખ્યાલયે પહોંચતાં તેમનું જોરદાર સ્વાગત કરાયું હતું. ભાજપ મુખ્યાલયે પહોંચીને તેમણે કાર્યકારી અધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. આ સમયે અમિત શાહ સહિતના દિગ્ગજોએ અભિનંદન આપ્યા હતા.
• ‘મોદી તેરી કબર ખુદેગી’ નારા લાગ્યા: દિલ્હીમાં કોંગ્રેસે ‘વોટ ચોર ગદ્દી છોડ’ નામે રેલી યોજી, જેમાં મહિલા નેતા મંજુલતા મીણાએ ‘મોદી તેરી કબર ખુદેગી’ નારા લગાવ્યા હતા. આ મુદ્દે ભાજપે સોનિયા ગાંધી પાસે માફીની માગણી કરી છે.
• પહલગામ આતંકી હુમલામાં NIA દ્વારા ચાર્જશીટઃ પહલગામ આતંકી હુમલા સંદર્ભે NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઓપરેશન મહાદેવ હેઠળ આ કેસમાં કામગીરી કરાઈ હતી, જેમાં કુલ 9 લોકોનાં નામ પૈકી 3 પાકિસ્તાની આતંકીનાં નામ પણ સામેલ કરાયાં છે.
• મહારાષ્ટ્રમાં મુંબઈ BMC ચૂંટણીની જાહેરાતઃ મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ BMC ચૂંટણીની જાહેરાત કરી છે. કમિશન અનુસાર મુંબઈમાં 15 જાન્યુઆરીએ મતદાન થશે અને બીજા દિવસે મતગણતરી થશે.
• ડો. રામવિલાસ વેદાંતીનું નિધનઃ રામમંદિર આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પૂર્વ સાંસદ ડો. રામવિલાસ દાસ વેદાંતીનું સોમવારે એક કથા દરમિયાન મધ્યપ્રદેશના રિવામાં તબિયત લથડ્યા બાદ અવસાન થયું હતું.
• યુક્રેન નાટોનો આગ્રહ છોડશે, જમીન નહીં: યુદ્ધનો અંત લાવવા યોજાયેલી મંત્રણામાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, સલામતીની ખાતરી મળે તો તેઓ નાટોનું સભ્યપદ છોડવા તૈયાર છે, પરંતુ યુક્રેનની એક ઇંચ જેટલી જમીન પણ છોડવા તૈયાર નથી.
• પાકિસ્તાનમાં સંસ્કૃત, ગીતાના પાઠ ભણાવાશેઃ પાકિસ્તાનની એક યુનિવર્સિટીએ પ્રથમ વખત પ્રાચીન ભાષા સંસ્કૃતનો કોર્સ શરૂ કર્યો છે. લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટે શરૂ કરેલા આ અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતા અને પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ પણ સામેલ હશે.
• જ્હોન્સન બેબી પાવડરથી કેન્સરઃ જ્હોન્સન એન્ડ જ્હોન્સનના ટેલ્કમ આધારિત બેબી પાવડરથી અંડાશયનું કેન્સર થયું હોવાનો બે મહિલાએ આરોપ લગાવ્યો છે. જેને લઈ કેલિફોર્નિયા જ્યૂરીએ બંને મહિલાને 4 કરોડ ડોલરનું વળતર ચૂકવવા કંપનીને આદેશ આપ્યો હતો.
• વિશ્વમાં સૌથી ધનિક બન્યા મસ્કઃ એક જ દિવસમાં નેટવર્થમાં રૂ. 15 લાખ કરોડના વધારાને લઈ ઇલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ સાથે ઇલોન મસ્કની સંપત્તિ 600 બિલિયન ડોલર પાર કરી ગઈ છે.

