યુકેમાં મહિલા વિરોધી હિંસા અને નફરત પર નિયંત્રણ મેળવવા સરકાર હવે કિશોરોને શાળાજીવનથી જ મહિલા સન્માનના પાઠ ભણાવવાની તૈયારી કરી રહી છે. મહિલા અને સગીરાઓનું સન્માન કેવી રીતે કરવું તેના પાઠ હવે શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરાશે.
એ વાતમાં કોઇ શંકા નથી કે યુકેમાં મહિલા વિરોધી હિંસા માનવ અધિકાર અને જાહેર સુરક્ષાના સૌથી ગંભીર મુદ્દાઓ પૈકીનો એક છે. પુરુષ પ્રધાન સમાજમાં મહિલાને એક નબળું પાત્ર ગણવામાં આવે છે અને તેને પુરુષો દ્વારા ગમે ત્યારે ગમે તે બાબતે નિશાન બનાવવામાં આવે છે. પુરુષ હંમેશા મહિલા પર પોતાના આધિપત્યને એકાધિકાર ગણતો આવ્યો છે. તેના કારણે વિશ્વમાં સૌથી સભ્ય સમાજોમાં સામેલ બ્રિટન પણ મહિલા વિરોધી અત્યાચારોથી અછૂતો નથી.
આ એક એવી વ્યાપક સમસ્યા છે જે તમામ વયજૂથ, પશ્ચાદભૂ અને સામાજિક દરજ્જો ધરાવતી મહિલાઓને અસર કરે છે. મહિલાઓ હંમેશા ઘરેલુ હિંસા, છેડતી, હેરાનગતિ, સેક્સ્યુઅલ હિંસા અને પ્રતિષ્ઠાના નામે કરાતા અત્યાચારોનો ભોગ બનતી રહે છે. આ અસમાનતાના મૂળ સામાજિક, સાંસ્કૃતિક અને માળખાકીય અસમાનતાઓમાં રહેલાં છે. પુરુષ પ્રધાન સમાજ હંમેશા સ્ત્રીને એક સાધન તરીકે જ જોતો આવ્યો છે. શારીરિક રીતે મહિલા નબળી હોવાના કારણે તેને હંમેશા પુરુષ પ્રધાનના અત્યાચારોનો ભોગ બનવું પડે છે.
મહિલા સન્માન અને ગૌરવ એક સભ્ય સમાજની નિશાની છે પરંતુ પશ્ચિમનો કહેવાતો સભ્ય અને સુસંસ્કૃત સમાજ પણ આ દુષણથી અળગો નથી. બ્રિટનમાં સરકાર મહિલા વિરોધી અત્યાચાર અને અપરાધો અટકાવવા સંખ્યાબંધ વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી રહી છે. સરકારે ઘરેલુ હિંસા અટકાવવા કાયદામાં સુધારા કર્યાં છે. મહિલાઓનું શોષણ થતું અટકાવવા વાયોલન્સ અગેન્સ્ટ વિમેન એન્ડ ગર્લ્સ સ્ટ્રેટેજી પણ અપનાવી છે. સેક્સ્યુઅલ અસૉલ્ટ સામે સ્પેશિયાલિસ્ટ પોલીસ યુનિટોની રચના પણ કરવામાં આવી રહી છે. સવાલ એ છે કે કાયદાકીય જોગવાઇઓ સમાજમાં મહિલાઓને સન્માનયુક્ત સ્થાન અપાવી શકે ખરું?
સ્ટાર્મર સરકાર હવે કિશોરોને બાળપણથી જ મહિલા સન્માન અને ગૌરવના પાઠ ભણાવવાની તૈયારી કરી રહી છે. સુસભ્ય ગણાતા બ્રિટિશ સમાજમાં આ પ્રકારના પગલાં લેવા પડે તેનાથી વધુ શરમજનક સ્થિતિ કઇ હોઇ શકે. હકીકતમાં મહિલા સન્માન તો સંસ્કારની વાત છે જે હંમેશા બાળકને તેના માતા-પિતા અને પરિવારજનો પાસેથી પરિવારમાં જ બાળપણથી મળતાં હોય છે. જો પરિવારમાં જ મહિલાને ગુલામ બનાવીને રખાતી હોય તો બાળક મોટો થઇને પણ તેની સાથે એ પ્રકારનો જ વ્યવહાર કરવાનો છે. ન કેવળ પરિવારની મહિલાઓ પરંતુ ઘરની બહાર પણ તે મહિલાને ઉતરતી કક્ષામાં જ ગણવાનો છે. બ્રિટનમાં ઘરેલુ હિંસા મોટી સમસ્યા છે. આ ઘરેલુ હિંસા જ્યારે બાળકની આંખ સામે થતી હોય અને મહિલા મૂંગે મોઢે તેને સહન કરતી હોય ત્યારે બાળકમાં મહિલા પ્રત્યે માન સન્માનની લાગણી કેવી રીતે જન્મી શકે.
મહિલા સન્માનની વાત આવે ત્યારે સૌથી મહત્વની બાબત મહિલા વિરોધી હિંસા અટકાવવાના પગલાં છે. સૌથી પહેલાં તો સમાજને પુરુષ પ્રધાન માનસિકતામાંથી મુક્તિ અપાવવી પડશે. પરિવારોમાં તંદુરસ્ત સંબંધોને પ્રોત્સાહન આપવું પડશે. પુરુષ પ્રધાન માનસિકતા દૂર કરવા શાળા, સમાજ, નોકરીદાતાઓ અને મીડિયા એમ તમામે પોતાની સકારાત્મક ભુમિકા ભજવવી પડશે. યુકેમાં મહિલા વિરોધી હિંસા એક જટિલ સમસ્યા છે. તે દૂર કરવા સરકાર, સંસ્થાનો અને સમાજે એકજૂથ થઇને કામ કરવું પડશે.
