સમયનો પોકાર છેઃ સમય સાધી લો...

Wednesday 17th December 2025 08:24 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સનાતન સંસ્કૃતિનું આને સદભાગ્ય જ ગણવું રહ્યું છે કે સંતો-મહાત્માઓ-કથાકારો-લેખકો-કવિઓ અને સર્જકો એક યા બીજા સમયે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને સહુને સાચા-ખોટાનો દિશાનિર્દેશ કરતાં રહ્યા છે, અને વ્યાપક જનહિતનું જતન-સંવર્ધન કરતા રહ્યા છે. તેમના બોધપાઠમાંથી સહુકોઇએ - પોતપોતાની વિવેકબુદ્ધિ અનુસાર - કંઇક અપનાવ્યું ને કંઇક ઉવેખ્યું. તેમણે તેમનું કામ કર્યું (અને આજે પણ કરી રહ્યા છે). આપણે આપણું કામ કર્યું. તુંડે તુંડે મર્તિ ભિન્ના... કંઇ અમસ્તું તો નથી કહેવાયું.
છેલ્લા 800 વર્ષમાં ભારત વર્ષ ઉપર અનેક વિધર્મીઓ અને વિદેશી આક્રાંતાઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ આક્રમણો કર્યા, જનસમુદાય પર જુલમ-સિતમ ગુજાર્યા. શારીરિક-માનસિક-આર્થિક શોષણ પણ કર્યું ને લોહીઝાણ ક્રૂરતા ય આચરી. (ધર્માંતરણ કાજે) અઢળક પ્રલોભનો આપ્યા. છતાં
પણ આજે ભારતીયો વિશ્વતખતે બેઠાં થઇ રહ્યા - ઉભા થઇ રહ્યા છે ત્યારે પણ વસ્તીના 80થી 85 ટકા સનાતન ધર્મને સમર્પિત છે. આકરો સંતાપ છતાં સનાતન સંસ્કૃતિ અક્ષુણ્ણ રહી છે તેના મૂળમાં સંત પુનિત મહારાજ જેવા અનેકાનેકના આશીર્વાદ અને ઉપદેશ રહેલાં છે.
બીજા વિશ્વયુદ્ધ પછીના સમયકાળમાં ગુજરાતમાંથી - સવિશેષ તો મધ્ય ગુજરાતમાંથી જે કથાકારો - ઉપદેશકો ઉભરી આવ્યા તેમાં પુનિત મહારાજનું અદકું નામ હતું. સંત સ્વરૂપ ડોંગરેજી મહારાજ પણ એ જ ગાળામાં થઇ ગયા. મને યાદ છે કે 1945 પછી ખાસ કરીને ચરોતરમાં ખંભાતના ફુલાશંકર મહારાજનું આગવું નામ હતું. (એક આડ વાત કરું તો, આપણે ‘કર્મયોગ હાઉસ’માં પ્રવેશ કર્યો તે વેળા ફુલાશંકર મહારાજના સુપુત્ર ચીમનભાઇએ ખાસ ઉપસ્થિત રહીને પૂજનવિધિ કરી હતી. ફુલાશંકર મહારાજ પણ સંત સમાન હતા. કૃષ્ણશંકર શાસ્ત્રી તો પછી ઉભરી આવ્યા.
મને યાદ છે ત્યાં સુધી લગભગ પણ આ જ ગાળામાં અમદાવાદના નટવરલાલ ભારે ચર્ચાસ્પદ બન્યા હતા. તેમનું નામ નટવર ને સ્વભાવમાંય નટખટ! હતા. પછી તો રંગરેલિયા માટે બહુ નામીચા બન્યા હતા ને ચરોતરના ગામોમાંથી તેમને મારી મારીને તગેડી મૂકવામાં આવ્યા હતા. શંકરલાલ બારોટ કલોલના કથાકાર તરીકે બહુ પ્રભાવી. અદ્દલ ફિલ્મી એક્ટર જેવો દેખાવ. બાદમાં તેઓ ખરેખર બોલિવૂડમાં ગયા પણ ખરા, પરંતુ પછી ખબર નહીં ક્યાં ખોવાઇ ગયા. મોટા ગજાના વિદ્વત સંતગણ વચ્ચે તકસાધુઓ પણ સમાચારોમાં ચમકતા રહેતા હતા. ગામ હોય ત્યાં ઉકરડો પણ હોવાનો જ ને...
જોકે આ બધામાં પુનિત મહારાજનું વ્યક્તિત્વ મુઠ્ઠીઊંચેરું હતું. એમના અનુયાયીઓએ તેમના જીવનકાર્યો ચાલુ રાખ્યા છે તો સાથે સાથે જ સનાતન ધર્મની સુવાસ ફેલાવતા સુપ્રસિદ્ધ સામયિક ‘જનકલ્યાણ’નું પ્રકાશન પણ ચાલુ રાખ્યું છે. પુનિત મહારાજના અનુયાયીઓ અને સેવકોની વાત ચાલતી હોય ને હું રામભક્તનો ઉલ્લેખ ના કરું તો વાત અધૂરી જ રહે. નામ જેવા જ ગુણ ધરાવતા રામભક્તનું વતન વડોદરાનું સાવલી, પણ તેમણે ધર્મ-અધ્યાત્મનો રંગ જમાવ્યો વડોદરા, સુરતમાં.
1960ના દસકામાં રામભક્તને ધર્મ-અધ્યાત્મના કાર્યાર્થે આફ્રિકાના ઝામ્બિયામાં જવાનું બન્યું. ત્યાંથી તેઓ લેસ્ટર આવ્યા. લેસ્ટરના સનાતન મંદિર તથા પ્રેસ્ટનના મંદિર નિર્મણમાં રામભક્તે સંગીન અનુદાન આપ્યું છે તેની સવિશેષ નોંધ લેવી રહી. આવા ભક્તો ના તો ધનનાં લોભી હોય. ના તો તેમને કીર્તિ-પ્રસિદ્ધિની ખેવના હોય. સનાતન ધર્મની સેવા જ સર્વોચ્ચ પ્રાથમિક્તા હોય છે. સંત પુનિત મહારાજ પણ આ પરંપરાના અગ્રેસર.
પુનિત મહારાજ લિખિત અનેક જાણીતાં ભજનોમાંનું એક એટલે ‘સમય મારો સાધજે, વ્હાલા...’ ભજન વિશે ખ્યાલ ન હોય તો આખી કૃતિ વાંચી લો... આ રચનામાં પુનિત મહારાજ જીવનના અંત વેળાએ સમય સાધી લેવા પરમ કૃપાળુ પરમાત્માને કાલાવાલા કરે છે. સમય સાચવી લેવાની વાત કરે છે. મિત્રો, પુનિત મહારાજ કહે છે એમ જીવનના અંત વેળાએ તો સાવધ રહેવું જ પડે, પરંતુ હું તો કહીશ કે આજના સમયમાં તો જીવનના અંત પહેલાં એટલે કે આયુષ્યકાળ દરમિયાન પણ સાવધાન રહેવું એટલું જ જરૂરી બન્યું છે. વારંવાર સૌ સાવધાન.
બ્રિટનમાં શિયાળાના ઠંડાગાર દિવસોનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે તે સાથે જ આપણી જીવનરેખાનું જતન કરતી NHS દ્વારા સાબદા રહેવાની સુચના રેલાવાનું શરૂ થઇ ગયું છે.
NHSનું કહેવું છે કે આ શિયાળે શ્વાસોચ્છ્વાસની બીમારીની સાથોસાથ કોરોના જેવી બીમારી પણ માથું ઊંચકે તેવો ખતરો મંડરાઇ રહ્યો છે.
વાચક મિત્રો, NHSની આ ચેતવણી મામલે એટલું જ કહેવાનું જો તમારે આ ખતરાથી બચવું હોય તો અત્યારથી જ મોં પર લગામ પહેરવાનું શરૂ કરી દો. ‘લગામ?!’ લે ના... સમજ્યા?! અરે, બાપલ્યા લગામ એટલે માસ્કની વાત કરું છું. મોં પર ‘લગામ’ રાખવાના બે સીધા લાભ છે. એક તો હવામાં રહેલાં વાયરસ મોં કે નાક વાટે શરીરમાં નહીં પ્રવેશે, અને બીજું, મોં (ખરા અર્થમાં) બંધ હશે તો વાદવિવાદ ને વિખવાદ ટાળી શકશો. હાડકા વગરની જીભ વડે બોલાયેલા ‘અંધે કા બેટા અંધા...’ શબ્દોએ જ ‘મહાભારત’ સર્જ્યુ હતું ને...
 ખેર, આ તો મોં પર ‘લગામના લાભ’ની વાત થઇ, પણ હું તો કહીશ કે શિયાળા દરમિયાન ખાણીપીણીથી લઇને શારીરિક હલનચલન અને તમારી મનોસ્થિતિની પણ પૂરતી કાળજી લો. ભોજનમાં સ્વાદના ચટાકાને બદલે પોષણને વિશેષ મહત્ત્વ આપો. ડ્રાયફ્રુટથી હર્યાભર્યા અડદિયા જેટલું જ મહત્ત્વ મેથીના લાડુને પણ આપો. શરીર માટે આખા વર્ષની એનર્જી એકત્ર કરવા માટે શિયાળાના દિવસો ઉત્તમ ગણાય છે. ઠંડી ગમેતેવી કેમ ના હોય, હું સહુકોઇને કહીશ કે જરૂર પડ્યે બૂટમોજાં પહેરો - મફલર ઠઠાડો અને માથે ટોપી મૂકો, પણ 10-15 મિનિટ ખુલ્લી હવામાં જરૂર ટહેલો.
બંધિયાર હવા તમને કોઇ બીમારી ના હોવા છતાં માંદગીનો અહેસાસ કરાવશે. જ્યારે તાજી હવાની એક જ લહેરખી તમને તન-મનથી પ્રફુલ્લિત કરી દેશે. અને રહી વાત મનોસ્થિતિની.... શિયાળા દરમિયાન ઘણી વખત એવું બનશે કે સૂર્યનારાયણ દાદા દર્શન નહીં આપે. એકધારું વાદળછાયું - ગ્લૂમી વાતાવરણ તમારા મનને ‘મૂડ ઓફ્ફ’ મોડમાં ધકેલી શકે છે. આવું ના થાય તે માટે મનગમતી પ્રવૃત્તિમાં સતત સક્રિય રહો. મિત્રો-સ્વજનોને હળતાંમળતાં રહો.
શિયાળાનો આ સમય સાધી લેશો તો NHS કે જીપી
કોઇને કાલાવાલા નહીં કરવા પડે. લખી રાખજો આ સી.બી.ની ગેરન્ટી છે.
મિત્રો, સ્વાસ્થ્ય મામલે કે અંતિમ વેળા માટે જ નહીં, હું તો કહીશ કે સંપત્તિના મામલે પણ સહુ કોઇએ સમય સાધવાની જરૂર છે. જીવનમાં અછત કરતાં છત વધુ સમસ્યા સર્જતી હોય છે તે હંમેશા યાદ રાખજો. પરમધામ જનારી વ્યક્તિ તો આ ફાની દુનિયા છોડીને જતી રહે છે, પણ જો તેણે અસ્ક્યામત મામલે યોગ્ય આયોજન નહીં કર્યું હોય તો આ જ મિલકત-વારસો પરિવારજનો વચ્ચે ઝઘડાનાં ઝાડ વાવી દેશે.
સાઠના દસકામાં આપણા ભાઇભાંડુ મોટા પાયે બ્રિટનમાં આવતા થયા. શરૂ શરૂમાં તેઓ વિસ્તાર-શહેરમાં વસતા ગયા. આપણી પ્રજા બહુ જાગ્રત, સક્રિય છે. ઘણા લોકોએ આકરી મહેનત-મજૂરી કરી, ઉછીનાપાછીના કરી - પેટે પાટા બાંધીને નાનુંમોટું મકાન ખરીદી લીધું. તે વેળા પ્રેસ્ટનમાં 1500 પાઉન્ડમાં તો બર્મિંગહામમાં 2000 પાઉન્ડમાં ને લંડનમાં 3500થી 5000 પાઉન્ડમાં ટેરેસ મકાન મળી જતું હતું. આજે લંડનમાં આ ટેરેસ મકાનની કિંમત સ્હેજેય પાંચ લાખ પાઉન્ડે પહોંચે છે.
થોડા દિવસ પહેલાં જ હું આપણા જાણીતા સમાજસેવક સંગત સેન્ટરવાળા કાંતિભાઇ નાગડા સાથે ચર્ચા કરતો હતો. વાતનો સૂર એવો હતો કે આપણી કોમ્યુનિટીના લોકો મહેનતકશ હોવાની સાથોસાથ નસીબદાર પણ છે. 75થી 80 લોકો પોતાની માલિકીની મકાન ધરાવે છે. મકાન પોતાનું હોય એટલે તેના પર ટેક્સ પણ ન હોય. વળી, ખરીદી દસકાઓ જૂની હોય. એસેટના કુલ વેલ્યુએશનનો આંકડો માંડો તો 10 લાખ પાઉન્ડ સુધી પહોંચતો હોય. પાઉન્ડમાં ગણો તો આ બધા મિલિયોનેર છે ને રૂપિયામાં ગણો તો કરોડાધિપતિ થયા છે. જોકે આની સાથેસાથે જ મિલકત સંબંધિત મતભેદ-વિખવાદ પણ વધી રહ્યા છે. આનું સૌથી મોટું કારણ એ છે કે મોટા ભાગના લોકો વિલ તૈયાર કરવાના લાપરવાહ જોવા મળે છે.
આપણે સહુ જાણીએ છે કે દરેકનો શ્વાસ કોઇને કોઇ ઘડીએ અટકવાનો જ છે - આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે... તો પછી આજે જ વિલ શા માટે ન બનાવવું? કાંતિભાઇનું અને મારું સ્પષ્ટપણે માનવું છે કે દરેકે પોતાનું વિલ બનાવવું જ જોઇએ. વિલ ના હોય તો જે તે વ્યક્તિની ચિરવિદાય પછી વિવાદ - સમસ્યા સર્જાવાની પૂરી શક્યતા રહે છે.
વાત વિલ સાથે જ પૂરી નથી થઇ જતી. વિલની સાથે સાથે જ લાસ્ટીંગ પાવર ઓફ એટર્ની તૈયાર કરવો એ પણ આજના સમયની માગ બની ગઇ છે. પણ આ લાસ્ટીંગ પાવર ઓફ એટર્ની છે શું?
વાચક મિત્રો, રખે માની લેશો કે હું મૃત્યુ, વિલ, લાસ્ટીંગ પાવર ઓફ એટર્ની જેવા મુદ્દે લખીને આપ સહુને ડરાવવા માગું છું. સાચું કહું તો આજના યુગમાં આ એવા મુદ્દા છે કે જેના માટે મારે - તમારે - પુનિત મહારાજ કહે છે એમ - સમયને સાધવો જ પડશે. મૃત્યુ એવો વિષય છે જેને લોકો પોતાની સાથે જોડીને વિચારવાનું ભાગ્યે જ પસંદ કરે છે. પણ અંતિમ સત્ય તો મૃત્યુ જ છેને!
લો...ને મારી જ વાત કરું. મારો પણ એવો દિવસ આવી શકે કે હું ડીપ કોમામાં પહોંચી જાઉં. અને કોમામાં હોય તે બધા જ કંઇ ગુજરી જાય તેવું જરૂરી નથી. કોમાનો સમયગાળો કલાકો, દિવસો કે મહિનાઓમાં પણ હોય શકે છે. કેટલાય લોકો કોમામાંથી પાછા ફરીને પૂર્વવત જીવન જીવતા હોય તેવું પણ બનતું હોય છે. આવા અવઢવભર્યા સંજોગોમાં ડોક્ટર માટે એ જાણવું જરૂરી બની જતું હોય છે કે કોમામાં રહેલી વ્યકિતનો ‘પ્લગ કેટલા સમય પછી કાઢી નાંખવો.’ મતલબ કે સારવાર કેટલા કલાક - દિવસ કે મહિના પછી અટકાવી દેવી. આવો કપરો નિર્ણય લેવાના સમયે પરિવારમાં મતભેદ સર્જાય શકે છે. આ મતભેદ ટાળવાનું કામ લાસ્ટીંગ પાવર ઓફ એટર્ની કરે છે. આ ડોક્યુમેન્ટ થકી તમે તમારા સંતાન કે જીવનસાથીને એ વાતનો નિર્ણય લેવાનો અધિકાર આપો છો કે તમારી સારવાર ક્યા સમયે અટકાવી દેવી.
આપ સહુને આ અંગે વધુ જાણવું હોય તો હેરોમાં આવેલા સંગત સેન્ટરના કાંતિભાઇ નાગડાનો સંપર્ક કરજો. તમારા વકીલો કે ફાઇનાન્સિયલ એડવાઇઝર પાસેથી પણ તમે આ મામલે માર્ગદર્શન મેળવી શકો છો, આવા મુદ્દે સંગત સેન્ટર બહુ કિફાયતી દરે સેવા પૂરી પાડે છે.
વાચક મિત્રો, વાત અહીં સમય સાધવાની છે - સમયસર સાબદા થવાની અને તેને અનુરૂપ પગલાં લેવાની છે. જ્યારે આમાં ચૂક થાય છે ત્યારે તમારા-મારા જેવા તો શું સરકાર જેવી સરકાર નુકસાન કરી બેસે છે. તાજેતરમાં જ બોરિસ જ્હોન્સન સરકારના કાર્યકાળમાં કોવિડ મહામારી વેળા થયેલા 110 બિલિયન ડોલરના તોતિંગ આર્થિક ગોસમોટાળાનો રિપોર્ટ આવ્યો છે. જો તે સમયે આગોતરી કાળજી લેવાઇ હોય તો આવું બન્યું હોત?
વ્યક્તિ હોય કે સરકાર, જ્યારે જ્યારે ‘છીંડું’ દેખાય છે ત્યારે ત્યારે કાગડા જેવા તકસાધુઓ કામે લાગી જતા હોય છે. આપણા ભારતીય સમુદાયનું ગૌરવ એવા ચાન્સેલર રિશી સુનાકના કાર્યકાળની જ વાત કરોને...
તેમણે 2020ની કોવિડ મહામારી વેળા બ્રિટનના વેપાર-ઉદ્યોગ-નોકરી-રોજગાર ટકી રહે તેવા નવા નવા આયોજનો કર્યા હતા. નોકરીદાતા અને નોકરિયાતના લાભાર્થે ફર્લો સ્કીમ, બાળકો માટે ફ્રી સ્કૂલ મિલ્સ, રેસ્ટોરાંઉદ્યોગને આર્થિક ટેકો પૂરો પાડવા ઇટ આઉટ હેલ્પ આઉટ, સપોર્ટ ફોર ઇન્ડીવિજ્યુઅલ... એક એકથી ચઢિયાતી યોજના રજૂ કરી હતી, સરકારનો ઇરાદો સારો હતો, પણ તેણે સમય વર્ત્યે સાવધાની ના દાખવી ને તકસાધુઓએ તેનો ભરપૂર ગેરલાભ ઉઠાવ્યો. કામ ન કરો તો પણ ઘરેબેઠાં પૈસા આપતી ફર્લો સ્કીમે તો અનેકને આળસુ - બેઠાડુ બનાવી દીધા છે.
આ જ સુનાકે ગયા રવિવારે - એક અખબારમાં પ્રકાશિત થતી - તેમની કોલમમાં ટાંક્યુ છે આપણા દેશના આરોગ્યતંત્રની લાઇફલાઇન NHSનું અધધધ 120 બિલિયન પાઉન્ડ થાય છે. બ્રિટિશ તિજોરીની આવકનો સૌથી મોટો ભાગ NHS પાછળ ખર્ચાય છે એ તો ખરું, સાથે નાણાંનો વેડફાટ પણ એટલો જ થાય છે પણ બહુ. સુનાક લખે છે એમ ઓછામાં ઓછા 20 બિલિયન પાઉન્ડ બાતલ જાય છે. આટલા બધા નાણાં ‘ક્યાં જતાં હશે’ એ તો NHS જાણે, પણ મારે બીજી એક વાત કરવી છે.
આપણે સહુ જાણીએ છીએ તેમ NHS એટલે કે નેશનલ હેલ્થ સર્વીસ તેના નામ પ્રમાણે જ આપણા સહુના આરોગ્યની સંભાળ લે છે. તમારી બીમારીનું નિદાન-ઉપચાર તેનું મુખ્ય કામ છે એ સાચું, પણ આપણા આરોગ્ય - તબિયતની સંભાળ તો મારે - તમારે જ રાખવી પડે.
એક જીપી સાથે આરોગ્ય સંબંધિત એમ જ વાતો ચાલતી હતી તો તેમણે કહ્યું કે વયના વધવા સાથે અમુક બીમારી સામાન્ય છે. સાઠ વર્ષની વ્યક્તિને સરેરાશ સાત-આઠ પ્રકારની ગોળી આપવી પડતી હોય છે. અમુક ટાઇમે બીમારી મટાડવા કે કોઇ બીમારી થતાં પહેલાં જ તેને રોકવા કેટલીક દવા આપવી પડે એ તો સમજાય છે, પણ કેટલાક તો પેટમાં દુઃખાવો કે માથામાં દુઃખાવો જેવી સામાન્ય બીમારી માટે પણ દવાનો આગ્રહ રાખે છે તે ખોટું છે. આખરે તો દરેક દવા કોઇને કોઇ કેમિકલનું મિશ્રણ છે. દવા બીમારી જરૂર દૂર કરે છે, પરંતુ તેની નાનીમોટી આડઅસર પણ હોય છે. લોકો થોડીક સાવચેતી દાખવીને અનેક બીમારીઓ - અને તેની દવાથી બચી શકે છે.
વાચક મિત્રો, મારું પણ આ જ કહેવું છે. પુનિત મહારાજ અંતિમ વેળાએ સમય સાચવી લેવા પરમાત્માને વિનવે છે, પરંતુ હું ફરી એક વખત આપ સહુને સ્વાસ્થ્યને સાચવી લઇ આજનો સમય સાધી લેવા અનુરોધ કરું છું. ખાણીપીણીમાં થોડીક કાળજી ને થોડીક શારીરિક સક્રિયતા તમને ઘણી મુશ્કેલીમાંથી ઉગારી લેશે. પ્રોટીન-ફાઇબર-ફળ-લીલા શાકભાજીને આવરી લેતો સંતુલિત ભોજનથી તન ખુશ રહેશે ને હરતાફરતા રહેશો તો મન ખુશ રહેશે. સાંધાનો કે માથાનો દુઃખાવો કે પેટમાં ગરબડ કે પછી બ્લડપ્રેશર કે ડાયાબિટિસ જેવી નાનીમોટી કોઇ કરતાં કોઇ બીમારી કે તકલીફ જોજનો દૂર રહેશે. તમારા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જો થોડીક સાવધાની દાખવી શક્યા તો સમજી લેજો કે તમે સમય સાધી લીધો છે.
બાપલ્યા, થોડુંક લખ્યું છે જાજું કરીને વાંચજો... આખરે તો આપણા આરોગ્યની વાત આપણા જ હાથમાં છે. તમે બધા સમજુ છો તેથી વિશેષ લખવાનું ટાળું છું ને કલમને વિરામ આપું છું.
એક નાનો બ્રેક મળ્યો છે તો ચાલોને આપણે બધા સાથે મળીને સંત પુનિત મહારાજનું ભજન ગણગણી લઇએ...
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા...
(ક્રમશઃ)

સમય મારો સાધજે વ્હાલા
- સંત પુનિત
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા (ટેક)
અંત સમય મારો આવશે ને, દેહનું નહિ રહે ભાન
એવે સમય મુખ તુલસી દેજે, દેજે યમુના પાન ... સમય મારો
જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું હામ,
એવે સમય મારે વ્હારે ચડીને, મુખે રાખજે તારું નામ ... સમય મારો
કંઠ રુંધાશે ને નાડિયું તૂટે, તૂટે જીવનનો દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસીનો સૂર... સમય મારો
આંખલડી મારી પાવન કરજે, દેજે એક જ ધ્યાન,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, પુનિત છોડે પ્રાણ ... સમય મારો


comments powered by Disqus