લંડનસ્થિત ટુર ઓપરેટર સોના ટુર્સ સ્થાપનાના 25 વર્ષની ઊજવણી કરી રહેલ છે ત્યારે 8 ડિસેમ્બરે લંડનમાં ગ્રોવનર હાઉસ, 5 સ્ટાર હોટેલ ખાતે યોજાએલા બ્રિટિશ ટ્રાવેલ એવોર્ડ્સમાં ત્રણ મહત્ત્વનાં એવોર્ડ્સ હાંસલ કરવા સાથે સોનામાં સુગંધ ભળી છે. સોના ટુર્સ માટે આ સીમાચિહ્ન વિશ્વભરના ગ્રાહકોના વિશ્વાસ અને વફાદારીનું પ્રતીક છે. આ સિદ્ધિ માટે સોના
ટુર્સ તેના કસ્ટમર્સ, સ્ટાફ અને પાર્ટનર્સ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરે છે.
સોના ટુર્સને બ્રિટિશ ટ્રાવેલ એવોર્ડ્સમાં ત્રણ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છેઃ
1. બેસ્ટ ટુર ઓપરેટર ફોર વર્લ્ડવાઈડ એસ્કોર્ટેડ ગ્રૂપ ટુર્સ 2.બેસ્ટ ટુર ઓપરેટર ફોર કોચ ટુર્સ
3. બેસ્ટ ટ્રાવેલ કંપની ટુ ઈસ્ટ આફ્રિકા
કંપનીના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર આ સિદ્ધિ તેમની ટીમની સમર્પિતતા તેમજ વિશ્વભરમાં પ્રવાસીઓ અને ઈન્ડસ્ટ્રી પાર્ટનર્સના સતત સપોર્ટનું પરિણામ છે. કંપની વધુ વિકાસ સાધવા ઉત્સુક છે ત્યારે અસામાન્ય પ્રવાસ અનુભવો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે.
જોશપૂર્ણ વીરાસત અને ગ્લોબલ ફૂટપ્રિન્ટ
સોના ટુર્સનો આરંભ 1970ના દાયકામાં કેન્યાથી થયો જ્યારે શિક્ષિકા કંચનબહેન શાહને ભૂગોળ અને ઈતિહાસ પ્રત્યેના પ્રેમથી સ્થાનિક પરિવારો અને શાળાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસના આયોજનની પ્રેરણા સાંપડી અને કંપનીની સ્થાપના થઈ. તેમના પતિ નેમચંદભાઈ શાહે આ પ્રવાસયાત્રાઓને સરળ, યાદગાર સાહસો તરીકે આકાર આપવામાં પાયાની ભૂમિકા ભજવી હતી.
આ નાનકડી શરૂઆતથી સોના ટુર્સનો આજે આંતરરાષ્ટ્રીય સન્માનપાત્ર ટુર ઓપરેટર તરીકે વિકાસ થયો છે. કંપનીએ 25 વર્ષના સમયગાળામાં લંડનમાં તેના હેડક્વાર્ટર્સને મજબૂત બનાવવા સાથે કેન્યા, ભારત, યુએસએ અને ઓસ્ટ્રેલિયામાં ઓફિસો સ્થાપવા સાથે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આ આંતરરાષ્ટ્રીય હાજરીના પરિણામે, સોના ટુર્સ વિશ્વના ખંડોમાં તેના કસ્ટમર્સને સપોર્ટ કરવા સાથે સાંસ્કૃતિક દૃષ્ટિએ સમૃદ્ધ અને નિષ્ણાતપણે તૈયાર કરાયેલા પ્રવાસ અનુભવો પૂરાં પાડી શકે છે.
સ્થાપકોના પુત્રો શ્રી ચેતનભાઈ શાહ અને
શ્રી દિવ્યકુમાર શાહ પરંપરા અને નવીનતાના સમન્વય થકી તેમના પેરન્ટ્સની કલ્પનાદૃષ્ટિને આગળ વધારી રહ્યા છે. મજબૂત વિકાસ સાધવા છતાં, કંપની તેના પ્રારંભિક દિવસોને ઘડનારા પારિવારિક મૂલ્યો- કાળજી,વિશ્વાસ, પ્રામાણિકતા અને અર્થસભર ખોજ પ્રત્યે પ્રતિબદ્ધતાના મૂળ સાથે જોડાયેલી રહી છે.
સોના ટુર્સ તેની સિલ્વર જ્યુબિલી ઉજવી રહેલ છે ત્યારે તેની યાત્રામાં સહભાગી બની રહેલા હજારો પ્રવાસીઓનો આભાર માને છે. વિસ્તરી રહેલા નેટવર્ક અને ગુણવત્તા પ્રત્યે અવિરત નિષ્ઠા સાથે કંપની તેના આરંભની વીરાસતનું સન્માન કરવાની સાથોસાથ વિશ્વભરના ગ્રાહકો માટે અવિસ્મરણીય પ્રવાસનું આયોજન કરવા માટે સજ્જ છે.

