અમદાવાદઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદે પહેલીવાર સ્વીકાર્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હુમલામાં તેના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા હતા.
જૈશ કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે કહે છે કે, 7 મેએ બહાવલપુરમાં ભારતની કાર્યવાહી દરમિયાન મસૂદના પરિવારના સભ્યોને ઉડાવી દેવાયા હતા અને તેમના ટુકડા કરી દેવાયા હતા. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે આ હુમલો કર્યો હતો. ભારતની કાર્યવાહી દરમિયાન બહાવલપુર સહિત પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાં નિશાન બનાવ્યાં હતાં.
10 સભ્યોનાં મોત
બહાવલપુરમાં ભારતે કરેલા હુમલામાં મસૂદના પરિવારના 10 સભ્યો અને 4 સાથીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓમાં મસૂદની મોટી બહેન અને તેનો પતિ, મસૂદનો ભત્રીજો અને તેની પત્ની, મસૂદની ભત્રીજી અને તેનાં 5 બાળકોનો સમાવેશ થાય છે. હુમલા સમયે મસૂદ ઘટનાસ્થળે હાજર નહોતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આતંકી મસૂદે તેના પરિવારના સભ્યોનાં મોત બાદ એક નિવેદન પણ બહાર પાડ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, ‘જો હું પણ મરી ગયો હોત તો ભાગ્યશાળી હોત.’