ગણેશચતુર્થી દ્વારા ધાર્મિક-રાષ્ટ્રીય ચેતનાનો સંચાર

બાદલ લખલાણી Wednesday 17th September 2025 07:09 EDT
 
 

ગુજરાત સમાચાર દ્વારા 4 સપ્ટેમ્બરે ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતનું આયોજન કરવામાં આવ્યું. જેનો વિષય ગણેશ ચતુર્થી અને તેના દ્વારા લોકોમાં રાષ્ટ્રીય ચેતનાના સંચાર રહ્યો હતો. આ ખાસ કાર્યક્રમનું સંચાલન કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલ દ્વારા કરાયું. પ્રારંભે મીનાબહેન ત્રિવેદી દ્વારા ગણપતિ દાદાનાં ગુણગાન ગાતું સુંદર ભજન રજૂ કરાયું હતું. કોકિલાબહેને કાર્યક્રમની શરૂઆતમાં ગણપતિના ઉદ્ભવ, ગણેશ સ્થાપના, ગણેશ પૂજન અને ગણેશ વિસર્જન અંગેની કથા કરી. આ સાથે તેમણે મહારાષ્ટ્ર મંડળનાં સભ્ય તનીષાબહેન ગુજરાથીને કાર્યક્રમની બાગડોર સોંપી.
તનીષાબહેને સૌપ્રથમ મહારાષ્ટ્ર મંડળના પ્રેસિડેન્ટ વૃશાલ ખાંડકેને આમંત્રણ આપ્યું. આ સાથે તનિષાએ જણાવ્યું કે, ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે વિવિધ સમાજના લોકોને એકમંચ પર લાવવા અને સેવાયજ્ઞ-જ્ઞાનયજ્ઞના ઉદ્દેશ્ય સાથે જ ‘સોનેરી સંગત’ની શરૂઆત કરી હતી. તેમની જેમ તમારા મહારાષ્ટ્ર મંડળનો ઉદ્દેશ્ય પણ સમાજના લોકોને જોડવાનો છે.
તનીષાઃ તમારા મહારાષ્ટ્ર મંડળનો ઇતિહાસ જણાવો અને ગણેશોત્સવનું મહત્ત્વ દર્શાવો.
વૃશાલ ખાંડકેઃ મહારાષ્ટ્ર મંડળ-લંડન સંસ્થા મરાઠી બોલનારા લોકોની સૌથી જૂની સંસ્થા છે. સ્વતંત્રતા પહેલાં 1932માં તેને લંડનમાં સ્થાપવામાં આવી. તે સમયે ગોળમેજી પરિષદ માટે ગાંધીજી લંડન આવ્યા હતા, તે સમયે તેમના સચિવ એન.સી. કેલકર હતા. કેલકર દ્વારા પ્રસ્તાવ મૂકાયો કે અહીં એક મરાઠી સંગઠન હોવું જોઈએ, જેઓ અહીં આપણા તહેવારોની ઉજવણી કરે અને એકબીજા સાથે જોડીને રાખે. આમ 1932માં સંસ્થાની સ્થાપના થઈ. એ સમયે યુકે અને ઇંગ્લેન્ડમાં લંડન જ ફેમસ હતું અને તેથી જ સંસ્થાનું નામ મહારાષ્ટ્ર મંડળ-લંડન પડ્યું. આ મંડળ બાદનાં 93 વર્ષમાં ફૂલતું ફાલતું જ રહ્યું.
ભારત બહાર વિદેશમાં લંડનનો ગણેશોત્સવ સૌથી જૂનો ગણાય છે. લોકમાન્ય બાળગંગાધર ટિળકે સૌપ્રથમ ગણેશોત્સવ યોજ્યો હતો. તેમનું માનવું હતું કે, સ્વતંત્રતાની જાહેર ચળવળને રોકવા અંગ્રેજો દ્વારા વિવિધ પ્રતિબંધો લદાયા છે અને તેમણે ઉપાયરૂપે સાર્વજનિક ગણેશ મંડળની સ્થાપના કરી. જેથી લોકો બેરોકટોક એકત્ર થઈ શકે અને સ્વતંત્રતાની ચળવળ કરી શકે. આમ ગણેશોત્સવ સમાજને એકત્ર કરવાનો ઉપાય હતો. સમય જતાં 1946માં ભારતને સ્વતંત્રતા મળી ગઈ, પરંતુ સાર્વજનિક ગણેશોત્સવ અને તેનો ફેલાવો મજબૂત થતો જ રહ્યો હતો. આમ તેના ઉદ્દેશ્ય પ્રમાણે લોકો એકત્ર થતા રહ્યા. 1991માં અમે સાર્વજનિક ગણેશોત્સવ શરૂ કર્યો હતો, જેને 35 વર્ષ થયા છે.
તનીષાઃ મહારાષ્ટ્ર મંડળ-લંડન દ્વારા આયોજિત ગણેશોત્સવમાં કઈ એક્ટિવિટી કરાય છે?
વૃશાલ ખાંડકેઃ સ્થાપના દિવસથી લઈને અનંત ચતુર્દશી સુધીના તમામ કાર્યક્રમ યોજાય છે. યુકેમાં અંદાજે 1 લાખ મરાઠીઓ વસે છે, જે તમામ મંડળ સાથે જોડાયેલા છે. અહીંના ગણેશોત્સવમાં વેલ્સ અને સ્કોટલેન્ડથી પણ મરાઠી ભાઈ-બહેનો આવે છે. અહીં માત્ર મરાઠીઓ નહીં ગુજરાતીઓ અને અન્ય રાજ્યોના ભારતીયો પણ મોટી સંખ્યામાં આવે છે. આમ આ કાર્યક્રમ સમગ્ર ભારતીય ડાયસ્પોરાને જોડનારો છે. અહીં ગાયકી અને ડાન્સ કોમ્પિટિશન પણ યોજાય છે.
વૃશાલભાઈ પાસેથી મહારાષ્ટ્ર મંડળ અને ગણેશોત્સવની માહિતી મેળવ્યા બાદ કોકિલાબહેન પટેલે સંસ્કૃત વિષારદ નિત્યાનંદજી મહેતા (નિતેશભાઈ મહેતા)ના પુત્ર નિહાલ મહેતાને આમંત્રિત કર્યા. પિતાનો વારસો સાંચવનારા નિહાલ મહેતા પણ સંસ્કૃતમાં વિષારદ છે.
કોકિલાબહેનઃ ગણેશ ચતુર્થી, અનંત ચતુર્થી અને અષ્ટવિનાયક પૂજનનું શું મહત્ત્વ છે?
નિહાલ મહેતાઃ તમામ કાર્યની શરૂઆતમાં આપણે વિઘ્નહર્તા ગજાનન ગણપતિની પૂજા કરીએ છીએ. ગણપતિને બુદ્ધિના દાતા ગણવામાં આવે છે. ગણપતિની સાથે અષ્ટ સિદ્ધિની શક્તિઓ છે અને તેથી જ તેમને અષ્ટસિદ્ધિના દાતા પણ કહેવામાં આવે છે.
અષ્ટસિદ્ધિ અંગે સમજીએ તો તેમાં અણિમા છે, એટલે કે સૂક્ષ્મ થવાની શક્તિ, મહિમા એટલે કે મોટું થવાની શક્તિ, ગરિમા એટલે કે ખૂબ વજનદાર થવાની શક્તિ, લધીમાં એટલે ખૂબ હલકા થઈ જવાની શક્તિ, પ્રાપ્તિ એટલે કોઈપણ શક્તિને પામવાની શક્તિ, પ્રાકામ્ય એટલે જે ઇચ્છે તે પૂર્ણ કરવાની શક્તિ, વશિત્વ એટલે અન્યને પોતાના વશમાં કરવાની શક્તિ અને છેલ્લે ઇશિત્વ એટલે સૃષ્ટિ પર શાસન કરવાની સિદ્ધિ. આમ આઠ સિદ્ધિના દાતા ગણપતિને બુદ્ધિના દાતા કહેવામાં આવે છે. રિદ્ધિ અને સિદ્ધિ આપણને બુદ્ધિ અને સંપત્તિ-પ્રતિષ્ઠા આપે છે. કોઈપણ કાર્યની શરૂઆત કરીએ તો આપણે ગણપતિનું નામ લઈને જ કરીએ છીએ, કે ‘અમારાં કાર્યમાં તમે જ આગળ રહો. કોઈ વિઘ્ન કે નકારાત્મકતા આવે તો તેને તમે જ દૂર કરો, જેથી તે અમારા સુધી પહોંચે જ નહીં.’
ગણપતિદાદાને બુદ્ધિના દાતા એટલા માટે કહેવામાં આવે છે કે, વેદવ્યાસ સહિતના ઋષિમુનિઓએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ જેવા ગ્રંથો લખ્યા હતા, પરંતુ તે ગણપતિનાં ઉચ્ચારણ પર લખાયા હતા. આ તમામ ગ્રંથો સરસ રીતે લખાઈ ગયા અને ગણપતિદાદા પોતાના ઘરે જવા નીકળ્યા ત્યારે વેદવ્યાસ સહિતના ઋષિમુનિઓએ તેમને આજીજી કરી કે, ‘પ્રભુ તમે અમને ધર્મનું આખું જ્ઞાન આપ્યું, જેમાં બધું જ છે. તમે જાઓ છો કેમ અમને તમારી સેવાનો અવસર આપો. અમે તમારો સત્કાર કરવા માગીએ છીએ.’ આમ ભગવાનને તેમણે તેમના ઘરમાં આસન આપ્યું, એ દિવસે ચતુર્થી હોવાથી તેને ગણેશચતુર્થી કહેવામાં આવે છે. આસન આપતાં ગણપતિની ઇચ્છા પૂછવામાં આવી ત્યારે તેમણે માત્ર ભોજન માગ્યું.
ગણપતિની આ માગણી પર ઋષિમુનિઓ દ્વારા મોદક ધરાવવામાં આવ્યા અને ભગવાન 9 દિવસ સુધી જમતા રહ્યા. 9 દિવસ સુધી સતત તેમનો સત્કાર કર્યો, આરતી-પૂજા કરી, પ્રસાદ ધરાવ્યો. આમ 9 દિવસના આદર-સત્કાર અને ભક્તિથી સંતુષ્ટ થઈ ગણપતિ દસમા દિવસે દરિયાના રસ્તે ચાલતાં ચાલતાં પોતાના ઘર કૈલાસ તરફ ગયા. આ કારણ છે કે આપણે ગણપતિનું વિસર્જન પાણીમાં કરીએ છીએ. આ સાથે આપણે કહીએ છીએ કે ભગવાન આપ જે રીતે જાઓ છો, તેમ જ અમારા ઘરમાં જે નકારાત્મકતા અને વિઘ્નો પણ સાથે લેતા જાઓ અને આવતા વર્ષે જલદી આવજો.
ગણપતિની પૂજા સમયે આપણે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ અચૂક બોલતા હોઈએ છીએ. આ મોરિયા એટલે ચૌદમી સદીમાં થઈ ગયેલા ભગવાનના મોટા ભક્ત મૌર્ય શાલીગ્રામજી, જેમણે ગૌસ્વામી સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરતાં નામ પડ્યું મૌર્ય ગાસ્વામી. દીક્ષા સમયે તેમણે દરેક ચતુર્થીએ મયુરેશ્વર ધામમાં ભગવાનની પ્રાર્થના અને દર્શનનો નિયમ લીધો. લાંબા સમય સુધી નિયમના પાલન બાદ એક ચતુર્થીએ તેઓને દર્શન કરવામાં થોડો વિલંબ થયો. આ સમયે પૂજારીએ તો નિત્યક્રમ મુજબ પૂજા કરી મંદિર બંધ કરી દીધું. આ સમયે બહાર બેઠાં મૌર્ય ગાસ્વામી ખૂબ રડ્યા. જો કે ભગવાને તેમની ભક્તિથી ખુશ થઈ દર્શન આપ્યા. તેમની ભક્તિથી ખુશ થઈ ભગવાને કહ્યું હવે ભક્ત અને ભગવાનમાં કોઈ ફરક રહ્યો નથી. હવે જ્યારે જ્યારે લોકો મારું નામ લેશે, ત્યારે ત્યારે લોકો તારું નામ પણ લેશે, એટલે જ કહેવાય છે ‘ગણપતિ બાપ્પા મોરિયા’. જગદીશભાઈ દવેએ મરાઠી ભાષામાં લોકોને શુભેચ્છા પાઠવતાં ગુજરાતીને માતા અને મરાઠીને માસી કહેતાં હાજર સૌ ખુશ થઈ ગયા હતા. આ સાથે દેવીબહેન પારેખે પણ 61 વર્ષ પહેલાં વી. શાંતારામ દ્વારા આયોજિત ગણેશોત્સવની યાદો તાજી કરી હતી. કુસુમબહેન પોપટે 70 વર્ષ પહેલાંનાં સંસ્મરણો વાગોળતાં તેમના પુત્રની ઘટનાને યાદ કરી હતી. તો રાજેન્દ્રભાઈ જાનીએ ગજાનન ગણપતિના શ્લોકોને સૌકોઈને પ્રભાવિત કર્યા હતા. આ સાથે ગણપતિના મહત્ત્વ અંગે લોકોને અવગત કરાવ્યા હતા.
નિહાલ મહેતા પાસેથી ગજાનન ગણપતિની સુંદર વાતો જાણ્યા બાદ પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું, 125 વર્ષ પહેલાં ભારતમાં બ્રિટિશ યુગનો સૂરજ મધ્યાહને હતો, ત્યારે બાળગંગાધર તિળકે ગણેશોત્સવનો પ્રારંભ કરાવ્યો.
આ માત્રા ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ તે સમયને અનુરૂપ જનજાગૃતિ માટેનો હતો. શરૂઆત ભલે પુણે અને મુંબઈ આસપાસથી થઈ, પરંતુ આજે તે વિશ્વભરમાં ઊજવવામાં આવે છે. - ‘ગણપતિ બાપ્પા મોરિયા’


comments powered by Disqus