ગુરુહરિ મારા આંગણે, રૂડું હૃદય સિંહાસન ઢાળ્યું

રશ્મિ અમીન Wednesday 17th September 2025 07:09 EDT
 
 

11 સપ્ટેમ્બર ગુજરાત સમાચાર અને પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ માટે યાદગાર તારીખ બની રહી. આ પુણ્ય દિવસે અનુપમ મિશનના ગુરુહરિ સંતશ્રી જશભાઈ સાહેબદાદાની સી.બી.ના એઘામ ખાતેના નિવાસસ્થાને પધરામણી થઈ. આ નિમિત્તે સી.બી.ના વટવૃક્ષસમા સમગ્ર પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાયું. સાહેબદાદાની સાથે વિનુભાઈ નકારજા, સાધુ હિંમતસ્વામી, પપ્પુભાઈ, જયેન્દ્રભાઈ, યોગેન્દ્રભાઈ પટેલ અને મીનુબહેન પણ પધાર્યાં હતાં.
પૂજનીય સાહેબદાદાની પધરામણી નિમિત્તે સી.બી.ના પરિવારજનો પુષ્પાબહેન, સરોજબહેન, કલ્પનાબહેન અને સુભાષભાઈ પટેલ ખાસ હાજર રહ્યા. આ સાથે ઘરના સભ્ય જેવા જિજ્ઞેશભાઈ, ભૂમિબહેન, માસ્ટર ધર્મ અને યુએસએથી આવેલાં સી.બી.ના મામાની દીકરીઓ પન્નાબહેન, જ્યોત્સનાબહેન, માસીનાં દીકરી કોકિલાબહેન, પુષ્પાબહેનનાં મોટાં બહેનની દીકરી જયશ્રીબહેન અને રાજેન્દ્રકુમાર પણ ખાસ હાજર રહ્યા. આ ઉપરાંત સુરેન્દ્રભાઈ પટેલ, ભાવિનીબહેન, અશ્વિનભાઈ અમીન અને રશ્મિબહેન અમીન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
દાદાસાહેબની પધરામણીને ભારે ટ્રાફિકના કારણે થોડો વિલંબ થયો, જેને સી.બી.ના મિત્રો અને પરિવારે એક તક બનાવી લીધો અને સી.બી.નો પ્રોત્સાહનભર્યો વાર્તાલાપ સાંભળવા મળ્યો. જે અંતર્ગત સી.બી.ના 53 વર્ષના અનુભવના નિચોડ ટૂંકમાં વાગોળવામાં આવ્યો. આ નિચોડમાં સંસ્થાઓ, સંસ્થાઓના આગેવાનો, લોહાણા સમાજ, મોરારિબાપુ અને રમેશભાઈ ઓઝાનાં સંસ્મરણો મુખ્ય રહ્યાં. સી.બી.એ આ ગોષ્ઠિ દરમિયાન સુરેન્દ્રભાઈ અને રશ્મિબહેનને મનોરંજન અને નાટ્યપ્રવૃત્તિ આગળ વધારવા માટે ખાસ ભલામણ કરી હતી.
વિલંબ બાદ સી.બી. પટેલના આંગણે પધારેલા સાહેબદાદાનું હાજર સૌકોઈ દ્વારા કુમકુમ-તિલક અને ફૂલો સાથે શાલ ઓઢાળી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ નિમિત્તે સાહેબદાદાએ તેમની સી.બી.ના ઘરે પધરામણીનું કારણ દર્શાવતાં કહ્યું કે, ‘મારા આવવાનો ખાસ ઉદ્દેશ્ય તો પુષ્પાબહેનના ખબરઅંતર પૂછવાનો છે.’
દાદાસાહેબ અને હાજર સંતોના ચાતુર્માસને ધ્યાને રાખી પુષ્પાબહેન અને સરોજબહેનના માર્ગદર્શન અને દેખરેખમાં ભૂમિબહેને તાજાં ફળફળાદિ, સૂકોમેવો અને રાજગરાના લોટના શીરાના ભોગની ખાસ વ્યવસ્થા કરી હતી. તો અન્ય મહેમાનો માટે વિવિધ પ્રકારના ગરમ નાસ્તાની ભાવપૂર્વક તૈયારી કરી હતી.
સી.બી.ના નિવાસસ્થાને પધારેલા સાહેબદાદાએ ગોષ્ઠિ દરમિયાન જણાવ્યું કે, સી.બી. પટેલ ભલે સૈકાઓથી યુકેમાં સ્થાયી હોય, પરંતુ તેમને તેમની ધરતી - તેમના ગામ અને ગુજરાત પ્રત્યે વિશેષ પ્રેમ છે. આ જ કારણે તેઓ વારંવાર ગુજરાતની મુલાકાત લે અને ભાદરણમાં મહાદેવજીનાં દર્શન કરવા અચૂક જાય. થોડા સમયથી પુષ્પાબહેનની તબિયત ખરાબ રહે છે, જેથી પુષ્પાબહેન અને સરોજબહેન આશ્રમમાં આવી શકતાં નથી. આ જ કારણે મને મનથી થતું કે પુષ્પાબહેનને મળવા જઉં અને સી.બી. પટેલ પણ આવવા માટે સતત આગ્રહ કરતા હતા.
જૂનાં સંસ્મરણો વાગોળતાં સાહેબદાદાએ કહ્યું, કોલેજના અભ્યાસ દરમિયાન રુઘીબાપાના સંપર્કમાં આવ્યો. હું મહાદેવને ખૂબ માનતો અને સ્વામિનારાયણ મંદિર જતા પહેલાં મહાદેવે જઈને પાંચથી દસ મિનિટ ધ્યાન કરતો હતો. નાનપણમાં મને ધર્મના સંસ્કાર ખૂબ મળ્યા. વિવિધ પ્રકારના ઊજવાતા ઉત્સવોમાં અમે બાળકો મંદિર સાથે જોડાયેલાં રહીએ, આ દરમિયાન મળેલા સંસ્કારો મોટા થઈને ખૂબ કામ આવ્યા છે. આ સંસ્કારોના પરિણામે જ યોગીબાપાનો યોગ થયો અને તેનાથી પ્રેરાઈને કોલેજમાં આવ્યો ત્યારથી તિલક-ચાંલ્લો કરતો થયો.
હું આણંદની ડીએન શાળામાં ભણતો ત્યારે વિઠ્ઠલભાઈ સાહેબ અને ઈશ્વરભાઈ સાહેબ જેવા આદર્શ શિક્ષકો હતા. એ સંસ્કાર કેળવણી માટે શ્રેષ્ઠ શાળા ગણાતી. જો કે જુવાનીનો જોશ અને ફિલ્મોનો ગાંડો શોખ એટલો કે વિઠ્ઠલભાઈ સાહેબ સાથે ઝઘડો થયો અને આ કારણે મેં ડીએન સ્કૂલ છોડી. યોગીબાપાનો યોગ થયો ત્યારે તેઓ એક જ શબ્દ બોલ્યા, ‘આપણે સિનેના ના જોઈએ તો!’ અને મેં સિનેમા જોવાનું છોડી દીધું. આવા યુગપુરુષ હતા યોગી મહારાજ.
મારી સાથે તે સમયે ડો. વી.એસ. પટેલ નામનો એક છોકરો હતો. કોલેજની અમારી સભામાં બાપાએ કહ્યું, તિલક-ચાંલ્લો કરીને આવવું. જો કે આ યુવાનને સિનેમા, કપડાં, વાળ વગેરેનો શોખ. તિલક-ચાંલ્લો કરે તો તેને શોભે તેવું જીવન જીવવું પડે! જો કે બાપાની એક આજ્ઞાથી તેનું સમગ્ર જીવન બદલાઈ ગયું. વી.એસ. મારી સાથે બાપાનાં દર્શને આવ્યો ત્યારે તે ચેઇન સ્મોકર હતો, કોલેજના પિરિયડ અને સૂતા સમયે જ તેની સિગારેટ બંધ હોય. આ સાથે તે રામપુરી ચાકુ રાખે. બાપાનાં પ્રથમ દર્શન માટે આવેલા વીએસનો મેં પરિચય આપ્યો કે, ‘બાપા આ યુવાન મારી સાથે અભ્યાસ કરે છે.’ અને યોગી મહારાજે તેની આંખમાં આખ પરોવીને કહ્યું, ‘જે મોઢે ભગવાનનું નામ લેવાનું હોય, તે મોઢે ધુમાડા નહીં કાઢવાના. આપણને ભગવાને જે શક્તિઓ આપી છે તેવે વેડફી નથી કાઢવાની, સારાં કામમાં ઉપયોગ કરવાની છે.’ આ પ્રકારે વાત કરી બાપાએ બે ધબ્બા માર્યા. આ વાતને વી.એસ. સમજી ગયા અને બહાર નીકળીને ખિસ્સામાંથી 555 બ્રાન્ડની સિગારેટ અને માચીસ કાઢીને આણંદ મંદિરની બહાર તળાવે ફેંકી દીધાં. આ સિવાય મારામારી અને તોફાનમાં જે શક્તિ વાપરતો તે ભણવામાં વાપરી તો બી.એસસી. અને એમ.એસસી. ફર્સ્ટ ક્લાસ થયો, જે બાદ અઢી વર્ષ રિસર્ચ કરી પી.એચડી. પણ કર્યું. જે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ બન્યા. આમ જેલમાં જાય એવા છોકરાનો સંપૂર્ણ ટ્રેક જ યોગીબાપાએ બદલી નાખ્યો.
સાહેબદાદાએ જૂની વાતો વાગોળતાં કહ્યું કે, સી.બી. એક વખત રાજપીપળાના આદિવાસી વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાંની સ્થિતિ જોઈ તેમનુંું મન દ્રવી ઊઠ્યું, કે અહીંના લોકો પાસે પ્રાથમિક ગણાતી શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ પણ નથી! રાજપીપળાની મુલાકાત બાદ સી.બી. અનુપમ મિશનમાં આવ્યા અને સભામાં પ્રવચન કર્યું કે, ‘હું રાજપીપળા જઈને આવ્યો. મારી ઇચ્છા છે કે આ ગામને અનુપમ મિશન દ્વારા દત્તક લેવાય તો સારું.’ આમ સી.બી.ના કહેવાથી અમે રાજપીપળાનાં 11 ગામ દત્તક લીધાં હતાં. 2થી 3 વર્ષ દરમિયાન સુંદર કાર્યોથી પ્રભાવિત થઈ અન્ય ગામો દ્વારા પણ તેમને દત્તક લેવા કહેવામાં આવ્યું. આમ હાલમાં અનુપમ મિશને ત્યાંનાં 36 ગામો દત્તક લીધેલાં છે. આ પ્રત્યેક ગામમાં મેડિકલની ટીમ રખાઈ છે, જેમાં ડોક્ટર્સ, કમ્પાઉન્ડર અને એમ્બુલન્સની પણ સેવા અપાઈ છે. આ ઉપરાંત સ્થાનિક હોસ્પિટલ સાથે ટાઇઅપ પણ કરવામાં આવ્યું છે. આ સિવાય સ્કૂલમાં પુસ્તકો અને કપડાંની પણ સેવા અપાય છે. આ તમામ ખર્ચ (અંદાજિત 50થી 60 હજાર ડોલર) રમેશભાઈ કણસાગરા દ્વારા આપવામાં આવે છે. આમ સી.બી. દ્વારા અપાયેલા પ્રોજેક્ટ દ્વારા તેઓ દાનેશ્વરી બની ગયા છે.
અનુપમ મિશન વિવિધ કંપનીઓ સાથે પણ જોડાયેલું છે. વર્ષો પહેલાં માર્ક્સ એન્ડ સ્પેન્સર્સ પાસે શાળાઓ દ્વારા યુનિફોર્મ બદલાતાં મોટા જથ્થામાં કપડાં પડ્યાં હોય.
આ દરમિયાન સંપર્કમાં રહેલા અનુપમ મિશનને 35થી 40 કન્ટેનર કપડાં આપવામાં આવ્યાં. આ કપડાં ડાંગથી લઈને પાલનપુર સુધીની શાળાઓમાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ તરીકે અપાયાં. આ કાર્યને જોતાં નર્મદા જિલ્લાના એજ્યુકેશન ઓફિસરે તો અનુપમ મિશનના સંતોનું તેમનાં કાર્યો બદલ બોલાવીને સન્માન કર્યું હતું. આ સાથે તેમણે કહ્યું, ‘આપના આ દાન થકી અમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.’
આ સાથે સાહેબદાદાએ સંસ્મરણો વાગોળતાં કહ્યું કે, પહેલાં ગુજરાત સમાચાર કુસુમબહેન ચલાવતાં હતાં. 1976માં કુસુમબહેનની ઇચ્છા હતી કે આપણે અમેરિકાના ન્યૂયોર્કમાં ન્યૂઝ પેપર શરૂ કરીએ. તે સમયે આફ્રિકાથી બધા આવ્યા હતા, જેમને ગુજરાતમાં વરસાદ પડ્યો કે નહીં તેનાથી લઈ તેમની ભૂમિના સમાચાર વાંચવા ગમતા, જેમના માટે ગુજરાત સમાચારે મોટું કામ કર્યું. અમે શુક્રવારની રાહ જોતા કે ક્યારે છાપું આવે.
સાહેબદાદાએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, આજે હું સરોજબહેન, જયશ્રીબહેન અને ભૂમિબહેને મળી શક્યો તે બદલ આનંદિત છું. આ સાથે સી.બી. અને પુષ્પાબહેન સહિત સહુ કોઈની તબિયત સારી રહે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. - જય સ્વામિનારાયણ.


comments powered by Disqus