તાજેતરના વર્ષોમાં ભારતીય ઉપખંડ અને વિશેષ કરીને ભારતના પાડોશી દેશોમાં યુવાઓના નેતૃત્વમાં થયેલા સત્તાપરિવર્તનો ખાસ કરીને તો વિશ્વભરના લોકશાહી દેશોના રાજકીય નેતાઓ માટે મોટી ચેતવણીની નિશાની છે. રાજકીય પરિવારવાદ, ભ્રષ્ટાચાર, બેરોજગારી સહિતના મુદ્દાઓએ આ દેશોમાં જેન-ઝી પેઢીને બળવા માટે મજબૂર કરી જેના પગલે શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે નેપાળમાં સત્તાધીશોએ સત્તા ગુમાવવાનો વારો આવ્યો. આ ત્રણે દેશોમાં થયેલી યુવા ક્રાંતિએ એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે આજની જેનઃઝી પેઢી અન્યાય સાંખી લેવા તૈયાર નથી. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના ભ્રષ્ટાચાર, નેપાળમાં કે પી ઓલી સરકારના પરિવારવાદ અને ભ્રષ્ટાચારે એવી હૂતાશન પ્રગટાવી કે સત્તાધીશોને રાતોરાત સત્તાનો ત્યાગ કરવો પડ્યો. નેપાળમાં જે રીતે રાજનેતાઓની પીટાઇ કરવામાં આવી તે જોતાં એમ લાગી રહ્યું છે કે આજની યુવાપેઢીમાં અસંતોષ ચરમસીમા પર પહોંચી ગયો છે.
આનો સીધો પદાર્થપાઠ અન્ય દેશોના રાજનેતાઓએ લેવાનો રહે છે. આજે બેરોજગારી, આર્થિક અસમાનતા, મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. રાજકીય પરિવારવાદ ચરમ પર પહોંચ્યો છે. કોઇપણ રાજનેતાનું સંતાન બાપની જાગીર હોય તે રીતે રાજનીતિમાં પ્રવેશીને કે મહત્વના હોદ્દાઓ ધારણ કરીને જલસા કરી રહ્યાં છે. બીજીતરફ લાખો બેરોજગાર યુવકો નોકરી માટે વલખાં મારી રહ્યાં છે. સત્તામાં બેઠેલા નેતાઓ ભ્રષ્ટાચારમાં એટલા ગળાડૂબ છે કે દિનપ્રતિદિન માલામાલ થઇ રહ્યાં છે. તેમનો વૈભવ ઊડીને આંખે વળગે તેવો છે. નેપાળમાં પણ આજ સ્થિતિ હતી. એકતરફ સામાન્ય નેપાળી યુવા શિક્ષણ અને રોજગાર માટે દરબદર ભટકતો હતો ત્યારે નેતાઓના સંતાનો ઝાકઝમાળભરી જિંદગી જીવતા હતા. લોકશાહીમાં ચૂંટાઇ આવતો નેતા તેના એક જ કાર્યકાળમાં માલામાલ થઇ જતો હોય છે. આ બધું જનતાની નજરથી છૂપું નથી. આ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ફક્ત એક ચિનગારી ક્રાંતિ ભડકાવવા માટે પુરતી છે. નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશમાં બદલાયેલી પરિસ્થિતિમાંથી લોકતાંત્રિક દેશોના રાજનેતાઓ ધડો નહીં લે તો તેમને પણ ગમે ત્યારે જનાક્રોશનો સામનો કરવો પડશે. પ્રજાના પૈસે તાગડધિન્ના બંધ કરી જનહિતના કાર્યો કરવા પડશે. લોકશાહીમાં જનતા સર્વોપરિ છે. તે ક્યારે રાજાને રંક બનાવી દેશે તે કોઇ કલ્પી શક્તું નથી. તેથી જ હવે ચેતવાનો વારો રાજનેતાઓનો છે....