સપ્તાહાંતમાં માઇગ્રેશન અને ઇમિગ્રેશન વિરોધી ફાર રાઇટ રેલીમાં ઉમટેલી જનમેદનીએ સંકેત આપી દીધો છે કે બ્રિટનમાં ફાર રાઇટ્સ હાવી થઇ રહ્યાં છે. ઇમિગ્રન્ટ્સ વિરોધી લાગણી આજકાલની નથી પરંતુ તે અત્યાર સુધી સમાજના એક ખૂણામાં ધરબાયેલી પડી હતી. જે હવે ખુલીને સડકો પર વ્યક્ત થવા લાગી છે. ફક્ત બ્રિટનમાં જ નહીં પરંતુ સમગ્ર યુરોપ, અમેરિકા અને કેનેડામાં ઇમિગ્રન્ટ્સ વિરોધી નફરત ફૂંફાડા મારવા લાગી છે. રેસિઝમ માનવ સ્વભાવ સાથે વણાયેલું છે. પશ્ચિમના દેશોમાં ચામડીના રંગના આધારે ભેદભાવ કરાય છે તો એશિયામાં ધર્મના આધારે. ભારત જેવા દેશમાં જાતિના આધારે ભેદભાવ જોવા મળે છે. પૌરાણિક સમયથી માનવી તેના જેવા ન હોય તેવા સમુદાયને નફરત કરતો રહ્યો છે અને આજે 21મી સદીમાં પણ આ નફરત જોવા મળી રહી છે તે અત્યંત દુર્ભાગ્યની વાત છે.
1990ના દાયકા બાદની ભૂરાજકીય પરિસ્થિતિઓએ માઇગ્રેશનની સમસ્યાને વકરાવી છે. મુખ્યત્વે પશ્ચિમના દેશોની મીડલ ઇસ્ટ એશિયા અંગેની નીતિઓએ આ ભૂભાગના દેશોમાં લાખો લોકોને નિરાશ્રીતની શ્રેણીમાં લાવીને મૂકી દીધાં જેના પરિણામે આ દેશોમાંથી શરૂ થયેલું પલાયન આજે યુરોપને મોંઘું પડી રહ્યું છે. બીજીતરફ એશિયાના ભારત સહિતના દેશોમાં રોજગાર
અને અન્ય આર્થિક-સામાજિક સમસ્યાઓએ તે દેશોના લોકોને સારા જીવનની શોધમાં પશ્ચિમ તરફ પલાયન કરવા મજબૂર કર્યાં. આમ સ્થળાંતરનો આ સિલસિલો આજે ચરમસીમા પર પહોંચી ગયો છે.
બ્રિટન પણ તેમાંથી બાકાત નથી. પરંતુ આજની સ્થિતિ માટે એકલા માઇગ્રન્ટ કે ઇમિગ્રન્ટ જવાબદાર ઠરાવી શકાય નહીં. બ્રિટનમાં ફાર રાઇટ જુવાળ ચરમ પર પહોંચવા માટે સ્થાનિક પરિબળો પણ એટલાં જ જવાબદાર છે. બ્રિટનને તેની યુનિવર્સિટીઓ ધમધમતી રાખવા માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની જરૂર છે. એનએચએસની હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સોની અછતને પહોંચી વળવા વિદેશીઓ પર આધાર રાખવો પડે છે. સોશિયલ કેર સેક્ટરની કટોકટીથી કોઇ અજાણ નથી. એકતરફ બ્રિટનના સ્થાનિક લોકોને કામ કરવું નથી. કોરોના મહામારી પછીના આંકડા દર્શાવે છે કે માનસિક અને શારીરિક બીમારીઓના કારણ રજૂ કરી લાખો બ્રિટિશરો સરકારી સહાય પર નભી રહ્યાં છે. આવી સ્થિતિમાં દેશના અર્થતંત્રને ધબકતું રાખવા માટે સરકારને કામદારોની જરૂર હોય છે અને તે ખોટ કાયદેસર રીતે બ્રિટનમાં આવતા ઇમિગ્રન્ટ્સ જ પૂરી કરે છે. આજે મહેનત અને ધગશ દ્વારા ઇમિગ્રન્ટ સમુદાયો બ્રિટનમાં મહાકાય યોગદાન સાથે મસમોટી સિદ્ધીઓ હાંસલ કરી ચૂક્યાં છે. પરંતુ તેમના આ યોગદાન અને સિદ્ધીઓ પર ગેરકાયદેસર રીતે યુકેમાં આવેલા માઇગ્રન્ટ્સ પાણી ફેરવી રહ્યાં છે.
એ વાતમાં કોઇ અતિશયોક્તિ નહીં ગણાય કે બ્રિટનમાં ફાર રાઇટ્સ જુવાળ માટે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ અને ક્રિમિનલ ઇમિગ્રન્ટ્સ જ જવાબદાર છે. બ્રિટનમાં ક્રાઇમમાં વધારામાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનો ફાળો મોટો છે તો ગ્રુમિંગ ગેંગ જેવી અપરાધિક પ્રવૃત્તિઓએ સ્થાનિક બ્રિટિશરોમાં ઇમિગ્રન્ટ્સ પ્રત્યેની નફરતમાં વધારો કર્યો છે. આ પ્રકારની અપરાધિક પ્રવૃત્તિઓ જમણેરી વિચારધારા ધરાવતા લોકોને ઇમિગ્રન્ટ્સ સામે વિરોધ કરવાનું એક નવું કારણ આપી રહી છે.
તે ઉપરાંત ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અપાતી સુવિધાઓ ફાર રાઇટ્સની આંખોમાં કણાની જેમ ખૂંચે છે. તેમાં પણ ડામાડોળ આર્થિક પરિસ્થિતિને કારણે સરકાર દ્વારા બેનિફિટ્સમાં મૂકાતા કાપે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. એકતરફ સરકાર અસાયલમ હોટલો પાછળ મિલિયનો પાઉન્ડનો ખર્ચ કરે છે અને બીજીતરફ બ્રિટિશ નાગરિકો પર કરવેરામાં વધારો અને બેનિફિટ્સમાં કાપ જેવા પગલાં ભરે છે જે સ્થાનિકોમાં રોષ ભડકાવવા માટે ફાર રાઇટ્સને ઇંધણ પુરું પાડે છે.
આનો સીધો ભોગ કાયદેસર રીતે બ્રિટનમાં આવીને સ્થાયી થયેલા, પ્રમાણિકપણે રોજગાર અને બિઝનેસ કરનાર, સરકારને નિયમિત કરવેરા ચૂકવતા, બ્રિટિશ કાયદાઓનું અક્ષરશઃ પાલન કરનારા ઇમિગ્રન્ટ્સ બની રહ્યાં છે. ઓલ્ડબરીમાં શીખ યુવતી પર બળાત્કારની ઘટના તેનું તાદ્દશ ઉદાહરણ છે. સરકારે દેશમાં પ્રબળ બની રહેલી જમણેરી વિચારધારાને ડામવા આકરાં પગલાં લેવાં પડશે. ફાર રાઇટ્સને વધુ મજબૂત થતા અટકાવવા સ્થાનિક સમુદાયોમાં પ્રવર્તતા અસંતોષને ડામવો પડશે. પરંતુ જો ફક્ત રાજનીતિ પ્રેરિત પગલાં લેવાશે તો એ દિવસ દૂર નથી કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ફાર રાઇટ્સ આરૂઢ થઇ જશે....