સી. પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવતા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું. આથી આ હવાલો પડોશી રાજ્ય ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોપાયો છે.
• ચૂંટણી સુધારાના હિમાયતી જગદીપ છોકરનું નિધનઃ દેશમાં ચૂંટણી સુધારાના પ્રખર હિમાયતી અને એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના સ્થાપક જગદીપ એસ. છોકરનું શુક્રવારે 80 વર્ષની વયે હાર્ટફેલ થઈ જવાથી નિધન થયું છે.
• મરાઠા અનામતનો વિરોધઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો સંઘર્ષ વધ્યો છે. જાલના જિલ્લામાં ઓબીસી, વણઝારા અને આદિવાસી સંગઠનોએ સરકારના આદેશનો વિરોધ કર્યો, જેમાં મરાઠા સમુદાયને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાની વાત કરાઈ છે.
• વધુ 5 એરપોર્ટ પર ફાસ્ટટ્રેક ઇમિગ્રેશન સર્વિસઃ ગૃહમંત્રી અમિત શાહે તિરુવનંતપુરમ, તિરુચિરાપલ્લી, કોઝિકોડ, લખનઉ અને અમૃતસર એરપોર્ટ પર ફાસ્ટટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પહેલાં 8 એરપોર્ટ પર આ સુવિધા શરૂ થઈ ચૂકી છે. જેનાથી ભારતીયો અને ઓસીઆઇ કાર્ડ હોલ્ડર્સને ઇમિગ્રેશનમાં ઝડપથી ક્લીયરન્સ મળશે.
• કેન્દ્રીય મંત્રીઓની સંપત્તિ જાહેર કરાઈઃ કેન્દ્રીય મંત્રીઓએ વર્ષ 2024-25 દરમિયાનની પોતાની સંપત્તિ અંગે વિગતો જાહેર કરી છે. મંત્રીઓની સંપત્તિમાં જમીન-ઘરેણાં મ્યુચ્યુલ ફંડ જેવી પરંપરાગત મિલકતો ઉપરાંત દાયકાઓ જૂના વાહનો અને બંદૂકોનો પણ સમાવેશ થાય છે.
• ઇઝરાયલના વિરોધમાં 50 મુસ્લિમ દેશો એકમંચ પરઃ ઇઝરાયલના કતારની રાજધાની દોહામાં કરેલા હુમલા પછી મધ્ય-પૂર્વમાં તનાવ વધ્યો છે. ઇઝરાયલની સામે લગભગ 50 ઇસ્લામિક દેશોની બેઠક દોહામાં મળવાની છે, તેમાં પાકિસ્તાન પણ છે. આ બેઠકમાં ઇઝરાયલ સામે નિંદા પ્રસ્તાવ આવી શકે છે.
• હવે રશિયાના ડ્રોન રોમાનિયાની એરસ્પેસમાં ઘૂસ્યાઃ 9-10 સપ્ટેમ્બરે પોલેન્ડ એર સ્પેસમાં ઘૂસણખોરી બાદ રશિયાના ડ્રોન હવે રોમાનિયાને નિશાન બનાવી રહ્યાં છે. રોમાનિયાએ શનિવારે દાવો કર્યો કે, એક રશિયાનું ડ્રોન તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, ડ્રોન વસ્તીવાળા વિસ્તાર પરથી પસાર થયું ન હતું અને કોઈ નુકસાન થયું નથી.
• લશ્કરનું વડુંમથકે ફરી તૈયાર કરતું પાકિસ્તાનઃ વૈશ્વિક ટીકાનો સામનો કરવા છતાં અને ભારત તરફથી આકરો માર ખાધા બાદ પણ પાકિસ્તાન આતંકવાદને સહાય આપી રહ્યું છે. જે અંતર્ગત તે લશ્કર એ તોઇબાનું વડુંમથક ફરી ઊભું કરવા સહાય કરી રહ્યું છે.
• નેપાળ બાદ ફ્રાન્સ ભડકે બળ્યુંઃ નેપાળ બાદ ફ્રાન્સમાં પણ સરકાર વિરુદ્ધ વિરોધ કરાયો. બુધવારે બજેટમાં કાપનો વિરોધ અને રાષ્ટ્રપતિ મૈક્રોંના રાજીનામાની માગ સાથે 1 લાખથી વધુ લોકોએ ઈમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિનો વિરોધ કર્યો.
• સિંગાપોરમાં ભારતીય મૂળના ઓફિસરને જેલઃ ભારતીય મૂળના સિંગાપોર ઇમિગ્રેશન અધિકારીને લોકોને વિઝિટ પાસમાં મદદ કરવાના બદલામાં જાતીય લાભ મેળવવાના આરોપમાં 22 મહિનાની જેલની સજા ફટકારાઈ છે. કન્નનની જેલની સજા 18. સપ્ટેમ્બરથી શરૂ થશે.
• પાકિસ્તાનના વઝિરિસ્તાનમાં TTPનો આતંકી હુમલોઃ દક્ષિણ વઝિરિસ્તાનમાં TTP – તહેરિકે તાલિબાન-પાકિસ્તાન દ્વારા એક મોટો આતંકી હુમલો થયો. દક્ષિણ વઝિરિસ્તાનના બદર ખીણના ઉપલા જિલ્લામાં એક લશ્કરી કાફલા પર હુમલો કરાયો હતો, જેમાં ઓછામાં ઓછા 12 સૈનિકો માર્યા ગયા હતા

