કાઠમંડુઃ નેપાળમાં જેન-ઝીનાં હિંસક પ્રદર્શનો પછી ઊભા થયેલા રાજકીય સંકટમાં શુક્રવારે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને કાર્યકારી સરકારનાં પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય લેવાતાં જ નેપાળની સંસદનો ભંગ કરી દેવાયો છે. સુશીલા કાર્કીએ શુક્રવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં પદગ્રહણના શપથ લીધા હતા. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની સાથે સેનાપ્રમુખ જનરલ અશોક રાજની હાજરીમાં જેન-ઝીના નેતૃત્વએ શુક્રવારે એક બેઠક યોજી હતી, જેમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને કાર્યકારી સરકારનાં પ્રમુખ બનાવવા સહમતી સધાઈ હતી.
વિરાટનગરમાં જન્મેલાં સુશીલા કાર્કીએ બનારસ હિન્દુુ યુનિ.થી રાજનીતિશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. એ ઉપરાંત તેમણે નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. વકીલાત ઉપરાંત તેમણે કાયદાકીય સુધારાના ક્ષેત્રમાં પોતાની કરિયર શરૂ કરી હતી અને નેપાળનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યાં હતાં.
સુશીલા કાર્કીને જાન્યુઆરી 2009માં સુપ્રીમ કોર્ટના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયાં હતાં અને 2010માં તેઓ સ્થાયી ન્યાયાધીશ બન્યાં હતાં. એપ્રિલ 2017માં સત્તારૂઢ નેપાળી કોંગ્રેસ અને સીપીએનના સાંસદોએ પક્ષપાતપૂર્ણ ચુકાદો આપવાનો આરોપ કરી કાર્કી પર મહાભિયોગ પ્રસ્તાવ દાખલ કર્યો હતો, જેમાં તેમને મુખ્ય ન્યાયાધીશ પદેથી સસ્પેન્ડ કરી દેવાયાં હતાં.
ગુરુંગની ચેતવણી
નેપાળના વચગાળાના પીએમ સુશીલા કાર્કી દ્વારા મંત્રીમંડળ માટે જાહેર કરાયેલા 3 નામ પૈકી એકને લઈને વિવાદ થયો છે. પીએમ કાર્કીએ ઓમ પ્રકાશ અરિયાલને ગૃહ અને કાયદામંત્રી, રામેશ્વર પ્રસાદ ખનાલને નાણામંત્રી અને કુલમન ધીસિંગને ઊર્જામંત્રી નિયુક્ત કર્યા છે. વિદ્યાર્થીઓના એક જૂથનું કહેવું છે કે આ નિમણૂકો પર તેમનો અભિપ્રાય લેવાયો નથી, જો અમારી વાત નહીં સાંભળો તો જ્યાંથી લાવ્યા ત્યાં જ ફેંકી દઈશું.