વેમ્બલીના ફોર્ટીલેન ઉપર આવેલ સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં ૧૪ સપ્ટેમ્બર, રવિવારે આણંદ ઓવરસીસ બ્રધરહુડ યુ.કે.નું વાર્ષિક સ્નેહસંમેલન યોજાયું હતું. જેમાં મૂળ આણંદ ગામના વતનીઓ તેમજ સત્તાવીશ ગામ પાટીદાર સમાજના છત્ર હેઠળના ૬૯ ગામોના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીઓ સહિત ૪૫૦ આમંત્રિતો સામેલ થયા હતા. બપોરે ૩.૦૦ થી રાતના ૧૦ વાગ્યા સુધી યોજાયેલ આ સ્નેહ મિલન સમારોહમાં આણંદ ઓવરસીસ બ્રધરહુડ યુ.કે. (AOB)ના કમિટી સભ્યોએ અલગ ભાત પાડે એવો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ચાર વર્ષથી પ્રેસિડેન્ટના હોદ્દે રહેલા કોકિલાબેન પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ એમની કમિટીએ હોલની સજાવટથી માંડી આમંત્રિતોની તમામ સગવડો વિના વિલંબ સચવાય એની સંપૂૃર્ણ તકેદારી રાખી હતી. ઉપરાંત ગુજરાતી તરીકે ગુજરાતનું કલ્ચર સાચવી રાખવામાં માનતા કોકિલાબહેને એમની કમિટીની બહેનોને પરંપરાગત ગુજરાતનો ગરબો તૈયાર કરવા પ્રેરણા આપી હતી. સ્ટેજ ઉપર કમિટીની ૧૨ બહેનોએ "સાથિયા પૂરાવો" ગરબો રજૂ કર્યો ત્યારે હોલ તાળીઓથી ગૂંજી ઊઠ્યો હતો. ત્યારબાદ કમિટીના ભાઇઓએ ગામડાંના મહોલ્લામાં લગ્નની થતી તૈયારીઓ ઉપર એક રમૂજી નાટક રજૂ કર્યું. જેમાં બાંધણીના મૂળવતની હાલ કોલચેસ્ટર સ્થિત અનિલભાઇએ પશાભાઇ, કોકિલાબહેને ગંગાબા અને પ્રવિણભાઇ તથા કલિયાભાઇએ યુવાન છોકરાઓ તરીકે "આપણી સ્વપ્ન સુંદરી જલપાડી" રજૂ કર્યું હતું.
આણંદ ઓવરસીસ બ્રધરહુડ યુ.કે. (AOB) દર વર્ષે સમર હોલીડેનું આયોજન કરે છે. AOBકમિટીના પ્રવિણભાઇ, અનંતભાઇ તથા કલિયાભાઇ એનું નેતૃત્વ કરે છે. આ વર્ષે ટર્કીના બોડરમ પ્રવાસનું આયોજન કરાયું હતું જેમાં ૧૬૦ પ્રવાસીઓ જોડાયા હતા. પ્રવાસીઓને ફલાઇટથી માંડી હોટેલમાં પણ કોઇપણ જાતની અગવડ ના પડે એવી તમામ વ્યવસ્થાનું આયોજન કરનાર A J Travel & Tourના અજયભાઇ પટેલ અને એમના પત્ની પ્રીતિબહેનનું સન્માન કરવામાં આવ્યું હતું. એ વખતે અજયભાઇએ £૧૭૮૦નો ચેક ભેટ AOBને ભેટ આપ્યો હતો. આણંદના મૂળવતની હેતલ રોહિતભાઇ પટેલ આ વર્ષે ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ યુ.કે.ના પ્રેસિડેન્ટના હોદ્દે નિયુક્ત થયા છે. AOB તરફથી હેતલભાઇ તથા એમના પત્ની રેશમાબહેનનું પણ કમિટી તરફથી સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું. એ જ રીતે AOBના વાર્ષિક સંમેલનમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ફ્રી હાર્ડ (લીકર) અને સોફટ ડ્રીંક્સની ઉદારતા રાખનાર પીન્ટુ (જયેશ) પટેલ, હેતલ તથા હિતેન પટેલનું સન્માન કરવામાં આવ્યું. ઓક્સફર્ડમાં "હનીઝ ઓફ ધ હાઇ"ની શોપ ધરાવનાર હિતેન તથા કિન્નરી પટેલને ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટનો બેસ્ટ કન્વીયન સ્ટોેર તથા બેસ્ટ ન્યુઝ એજન્ટ તેમજ બેસ્ટ હોમ ન્યુઝ ડિલીવરીઝનો નેશનલ એવોર્ડ એનાયત થયો હતો તેઓનું પણ કમિટીએ સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું. તાજેતરમાં બર્મિંગહામ ખાતે જિત્સ જૂ' કરાટેમાં ત્રણ મેડલ જીતનાર આરા ધિરેન પટેલને પણ સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું.
ચાર વર્ષની પ્રેસિડેન્ટશીપ દરમિયાન AOBને સક્રિય રાખી પ્રગતિના પંથે લઇ જનાર પ્રેસિડેન્ટ કોકિલાબહેન પટેલનું કમિટીએ ગોલ્ડન બ્રોચ આપી સન્માન કર્યું હતું સાથે સાથે ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સના પ્રેસિડેન્ટ હેતલ પટેલે ૧૯૧૯નું ફેડરેશનનું વિન્સર કાસલ અંકિત ક્રિસ્ટલ મોમેન્ટો કોકિલાબહેનને ભેટ આપી હતી. કોકિલાબહેને એમના વકતવ્યમાં જણાવ્યું કે, આણંદ ઓવરસીસનું નામ જાણીતુ બન્યું છે એનું કારણ આ સક્રિય કમિટીની એકતા અને નવીનવી દિશાઓ તરફ નવીનત્તમ કરવાની ધગશ. મારા ચાર વર્ષની પ્રેસિડેન્ટશીપ દરમિયાન સતત સહકાર આપનાર હું કમિટીના તમામ ભાઇઓ અને યુવા ટીમનો સહ્દય જાહેરમાં આભાર માનું છું. પ્રેસિડેન્ટશીપ દરમિયાન સતત નવાનવા આયોજનો માટે કમિટી સાથે વોટ્સઅપ દ્વારા વિચાર વિમર્શ કરવામાં સતત સજાગ AK 47 જેવી સેક્રેટરી રશ્મિકાનો આભાર માનું એટલો ઓછો છે. વાઇસ પ્રેસિડેન્ટ જાગૃતિ, જોઇન્ટ સેક્રેટરી કિન્નરી, સોશ્યલ સેક્રેટરી ઉર્વશી, ટ્રેઝરર કલ્પના, પી.આર.ઓ સોનલ, રેણૂકા, જયોતિબેન, હેમા તથા પુષ્પાબેનનો આભાર. AOBની કમિટી કે આણંદ ગામના ન હોવા છતાં સતત આણંદની હોલીડે અને આણંદના દિવાળી સંમેલનમાં વિના મૂલ્યે કોઇપણ ચાર્જ વગર સહકાર આપનાર જયેશભાઇ અમીનનો સંસ્થા વતી સહ્દય આભાર વ્યક્ત કરું છું. અંતમાં "પ્રસંગી" કેટરર્સના હસુભાઇ પટેલે સ્વાદિષ્ટ સ્ટાર્ટર અને શીખંડ-પૂરીનું સરસ ભોજન આપ્યું એ બદલ આભાર.