અત્યાર સુધી એકબીજાની સામે પ્રોક્સી વોર લડી રહેલા ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધના મોરચે સામસામે આવી ગયાં છે. આજે મીડલ ઇસ્ટમાં ઇઝરાયેલ ઇરાનને પોતાનો સૌથી મોટો શત્રુ માને છે અને જો ઇરાનના હાથમાં પરમાણુ બોંબ આવી જાય તો ઇઝરાયેલના અસ્તિત્વ સામે મોટું જોખમ સર્જાઇ શકે છે. એટલું જ નહીં સમગ્ર મીડલ ઇસ્ટમાં સત્તાના સમીકરણો પણ ધરમૂળથી બદલાઇ શકે છે. સમગ્ર વિશ્વમાં ઇરાન ઇસ્લામિક દેશોનો મોટો ભા બની શકે છે. એ વાત જુદી છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોંબ હોવા છતાં તેની ખસ્તાહાલ સ્થિતિ અને આતંકવાદને સમર્થનને કારણે પાકિસ્તાનની ઇસ્લામિક દેશોમાં તૂતી વાગતી નથી.
જો ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો આવી જાય તો તેના પાડોશી દેશો, મિત્ર દેશો અને દુશ્મન દેશો સાથેના સંબંધોમાં આમૂલ પરિવર્તન આવી શકે છે. ઇરાન પર હુમલો કરતાં કોઇપણ દેશને દસ વાર વિચાર કરવો પડશે. પછી તે અમેરિકા અને યુરોપની મહાસત્તાઓ કેમ ન હોય. આજે ઇઝરાયેલ બેધડક રીતે ઇરાન પર હુમલા કરી રહ્યો છે તેની પાછળનું કારણ હાલ ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો નથી. તાજેતરમાં જ ઇરાનના એક વરિષ્ઠ લશ્કરી અધિકારીએ ચેતવણી ઉચ્ચારી છે કે જો ઇઝરાયેલ દ્વારા ઇરાન પર પરમાણુ હુમલો કરાશે તો પાકિસ્તાન ઇઝરાયેલ પર પરમાણુ હુમલો કરશે. આમ પરમાણુ શસ્ત્રો દુશ્મન દેશને ડરાવવાનું એક કારગર હથિયાર છે. બીજા વિશ્વ યુદ્ધનો જ દાખલો લઇએ તો અમેરિકાને પણ મચક નહીં આપી રહેલો જાપાન નાગાસાકી અને હિરોશિમા પર ઝિંકાયેલા બે પરમાણુ બોંબની વિનાશકતા સામે તાત્કાલિક ઝૂકી ગયો હતો.
મીડલ ઇસ્ટમાં શિયા ઇરાન અને સુન્ની આરબ દેશો વચ્ચે મનમેળ નથી. ઇરાન પરમાણુ બોંબ હાંસલ ન કરે તે તમામ આરબ દેશોના હિતમાં છે. ઇરાનના સંભવિત પરમાણુ શસ્ત્રો સમગ્ર આરબ જગતને ઘૂંટણિયે લાવવા માટે પુરતા છે. વસતી અને પરંપરાગત લશ્કરની દ્રષ્ટિએ પણ આરબ દેશો ઇરાનની સામે વામણા છે. પરમાણુ શસ્ત્રો ઇરાનને મીડલ ઇસ્ટમાં સર્વોપરિ બનાવી શકે છે જે આરબ શાસકોને જરાપણ પોષાય તેમ નથી.
બીજીતરફ ઇરાનના સમર્થનમાં આવેલા રશિયા અને ચીનને ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધના પરિણામો ચિંતિત કરી રહ્યાં છે. એ વાતમાં કોઇ શંકા નથી કે ઇરાન નબળો પડે તો મીડલ ઇસ્ટમાં રશિયાનું નામુ નંખાઇ જશે. એકમાત્ર સીરિયામાં રશિયાનો પગદંડો જામેલો હતો પરંતુ બશર અલ અસદના પતન બાદ સીરિયા પણ અમેરિકાના ખોળામાં જઇ બેઠો છે. જો ઇરાન નબળો પડશે તો રશિયા અને ચીનને એક મહત્વનો ભાગીદાર દેશ ગુમાવવો પડશે અને મીડલ ઇસ્ટમાં અમેરિકાનું પ્રભુત્વ વધી જશે. રશિયા અને ચીનને ભય છે કે નબળો બનેલો ઇરાન તેમની જવાબદારી ન બની જાય.
બીજી મહત્વની બાબત એ છે કે રશિયા અને ચીન પણ નથી ઇચ્છતાં કે ઇરાન પરમાણુશક્તિ બની જાય. જો ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો આવી જાય તો ઇરાન પરનું તેમનું નિયંત્રણ ઘટી જાય. ઇરાન પણ રશિયા અને ચીન પર આધાર ઓછો કરી નાખે. આજે વૈશ્વિક પ્રતિબંધો સામે ઝઝૂમી રહેલા ઇરાનને રશિયા અને ચીનનો જ સહારો છે. પ્રતિબંધોએ આમ પણ ઇરાનને ખોખલો કરી નાખ્યો છે. તેવી સ્થિતિમાં રશિયા અને ચીન ક્યાં સુધી ઇરાનની પડખે ઊભા રહેશે તે એક મોટો સવાલ છે.